17 August 2018

નવસારીમાં ઘરના ઓટલા પરથી વૃદ્ધાના ગળામાંથી ચેઇનની તફડંચી


નવસારીના દડંગવાડના ટેકરા વિસ્તારમાં ત્રણ અજાણ્યા યુવાનો સ્કૂટર ઉપર આવી ઘરના ઓટલા ઉપર બેસેલ વૃદ્ધ મહિલાના મોં ઉપર મરચાની ભૂકી નાંખી ગળામાં પહેરેલ બે થી અઢી તોલાની સોનાની ચેઇન તોડી ભાગી ગયા હતા.

નવસારીમાં લાયબ્રેરીની સામે દડંગવાડના ટેકરા ઉપર પોટલીયાવાડમાં રહે છે. ત્યાં શાંતાબેન પટેલ નામની 85 વર્ષની મહિલા પણ રહે છે. આ વૃધ્ધ મહિલા 15 મી ઓગસ્ટનાં રોજ બપોરે પોણા બારથી બાર વાગ્યાનાં સમયગાળા દરમિયાન ઘરનાં ઓટલા ઉપર બેઠા હતા. તેમની થોડે દૂર એક મહિલા પણ ખબેસેલ હતી. આ દરમિયાન ત્રણ અજાણ્યા યુવાનો સ્કુટર ઉપર આવ્યા હતા. ત્રણમાંના બે યુવાનો તો સ્કુટર પાસે જ ઉભા રહ્યાં હતા. જ્યારે એક યુવાન ઝડપભર શાંતાબેના તરફ આવ્યો હતો. તેણે પાછળથી શાંતાબેનનું મોં મરચાની ભૂકી નાંખી ડાબી દીધું હતુ.

ત્યારબાદ પલકવારમાં જ શાંતાબેને ગળામાં પહેરેલ સોનાની ચેઇન તોડી તે લઇ નજીકમાં ઉભેલ બે જણા સાથે સ્કુટર ઉપર બેસી રફુચક્કર થઇ ગયા હતા. શાંતાબેને બૂમ પાડતા નજીક રહેતા લોકો બહાર આવ્યા તો હતા પરંતુ ત્યાં સુધીમાં તો તફડંચી કરનારા ભાગી ગયા હતા. શાંતાબેનના ગળામાંથી તફડાવી કરાયેલ સોનાની ચેઇન બે થી અઢી તોલાની હતી. જેની કિંમત પોલીસે 40 હજાર રૂપિયાની અંદાજીત છે.

16 August 2018

નવસારીમાં વીસી ચલાવનારો બંગાળી રૂ. ત્રણ કરોડનો ચૂનો ચોપડી ગયો


અત્રેના ઝવેરી સડક વિસ્તારમાં વીસી ચલાવતા બંગાળીએ લોકોને ત્રણ કરોડનો ચૂનો ચોપડી નાંખ્યો હોવાનું જાણવા મળેલ છે. બંગાળીએ ઘણાને રાતા પાણીએ રડાવી નાંખ્યા છે.

છાપરા રોડ પર રહેતો એક બંગાળી નવસારીના ઝવેરી સડક વિસ્તારમાં ઘણા સમયથી વીસી ચલાવતો હતો. આ વીસીમાં ઊંચા વ્યાજે લોકોને પૈસા પૂરા પાડતો હતો. મોટી રકમના વીસીના હપ્તા લઈને એ મોટી રકમ ઊંચા વ્યાજે ધીરવાનું કામ કરતો હોય એવી ચર્ચા ચાલી રહી છે. એમ લાગે છે કે વીસીના હપ્તામાંથી જેની વીસી લાગે તેની મોટી રકમને બજારમાં ફેરવી આપવાનું કામ પણ તે કરતો હોય એવું તેની આસપાસના લોકોમાંથી જાણવા મળે છે.

આ વીસી દ્વારા તેણે લોકોને મોટી રકમ ધીરી છે. પરંતુ તેના રૂપિયા પણ ફસાયા હોવાથી તે ગાયબ થઈ ગયો છે. રૂપિયા ફસાતા વીસીમાં નાણાં ભરનારાઓએ દેકારો મચાવી દીધો છે. મોટી રકમ જમા લેતો હોવાને કારણે એમ લાગે છે કે અંદાજે ત્રણ કરોડ રૂપિયાનો ચૂનો તે લોકોને ચોપડી ચૂક્યો છે.

હવે જોવાનું એ રહે કે પોલીસ કોઈ પગલાં લેશે કે કેમ? અહીં મોટા માથા પણ ભેરવાયા હોવાની પણ શંકા છે. એ  જોતાં કોઈ ફરિયાદ કરે એવી સંભાવના ઓછી છે, પણ પોલીસે વીસીના દૂષણને ડામવાની જરૂર છે. ખાસ કરીને વીસીના વિષચક્રમાં નાના લોકો ફસાઇ જાય તો તેઓ માટે તો જીવવું દુષ્કર થઈ પડે એમ છે, આ અંગે પોલીસ જાગે એ જરૂરી છે.

14 August 2018

ખાનગીકરણ સામે નવસારી કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓની કાળા કપડા પહેરી રેલી


ખાનગી યુનિ. ધારાધોરણ મુજબ ચાલતી ન હોવા છતાં તેમાં દાખલ વિદ્યાર્થીઓ જુનાગઢમાં અનુસ્નાતક પરીક્ષામાં એપ્લાય

આ ખાનગી યુનિવર્સિટીઓ ધારાધોરણ મુજબ ચાલતી ન હોવા છતાં તેમાં દાખલ વિદ્યાર્થીઓ હાલમાં જુનાગઢમાં અનુસ્નાતક પરીક્ષામાં એપ્લાય થતા (જોકે પરીક્ષા કમિટીએ તેઓને નોન એલીજેબલ ઠેરવતાં મામલો હાઇકોર્ટમાં ગયો છે) સરકારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.

જે અંતર્ગત ગત 6 ઓગષ્ટે નવસારીમાં રેલી, ધારણાનો કાર્યક્રમ આપ્યા બાદ આજે સોમવારે પૂન: ખાનગીકરણ વિરૂદ્ધ કાર્યક્રમોની શરૂઆત કરી છે. બીજા તબક્કાના કાર્યક્રમમાં વર્તમાન અઠવાડિયાને ‘બ્લેક વીક’ તરીકે મનાવવાનો નિર્ણય વિદ્યાર્થીઓએ લીધો છે. બ્લેકવીક અંતર્ગત જ આજે સોમવારે ‘બ્લેક ડે’ મનાવવા નવસારી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓની મૌન રેલી નીકળી હતી. કાળા કપડાં સાથે કાળી પટ્ટી મોં ઉપર ધારણ કરી નવસારી ન.મ.કૃષિ મહાવિદ્યાલયથી વિદ્યાર્થીઓની મૌન રેલી બપોરે 3 વાગ્યાનાં અરસામાં નીકળી હતી. રેલી મહાવિદ્યાલયથી કુલપતિ ભવન અને અસ્પી હોર્ટ કલ્ચર કોલેજ થઇ પરત ન.મ. કૃષિ મહાવિદ્યાલય ખાતે જ પરત આવી હતી. કૃષિ શિક્ષણના ખાનગીકરણ સામે વિદ્યાર્થીઓએ કાળા કપડાં, પટ્ટી ધારણ કરી નારાજગી વ્યક્ત કરી હતી. શિસ્તબદ્ધ આ મૌન રેલીએ સમગ્ર કૃષિ કેમ્પસનું ધ્યાન ખેંચ્યું હતુ.

રેલીમાં હાજર વિદ્યાર્થીઓનાં જણાવ્યા મુજબ જ્યાં સુધી સરકાર ખાનગીકરણ બંધ ન કરી અમારી માંગનું સમાધાન ન કરે ત્યાં સુધી અમારી લડાઇ જારી જ રહેશે.

ખાનગીકરણના વિરોધમાં કૃષિ મહાવિદ્યાલયથી વિદ્યાર્થીઓની મૌન રેલી બપોરે 3 વાગ્યાનાં અરસામાં નીકળી હતી.

આજે 2 હજાર કાર્ડ લખાશે
ખાનગીકરણ સામેની લડાઇમાં મંગળવારે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેન્દ્ર-રાજ્યનાં કૃષિ મંત્રીઓ રાજ્યપાલને 2 હજાર પોસ્ટકાર્ડ લખશે. આ કાર્ડમાં ખાનગીકરણ વિરૂદ્ધની તેમની રજૂઆત કરવામાં આવશે.

ખાનગી શિક્ષણ બંધ કરવા ખરડો
કર્ણાટકમાં ત્યાંની સરકારે 6 મહિના પહેલાં વિધાનસભામાં ખરડો પસાર કરી ગેરકાયદે ખાનગી યુનિવર્સિટીનાં કોર્ષને બંધ કર્યો હતો. ગુજરાતમાં પણ અહીંની સરકાર આવું કરી એમને ન્યાય આપી શકે છે. - અંકિત ચૌધરી, વિદ્યાર્થી, કૃષિ.યુનિ.નવસારી

13 August 2018

નવસારીને હાલ કરતાં વધુ પ્રેશરથી પાણી મળી શકશે


નવસારીમાં દક્ષિણ ઝોનની અંદાજિત 40 હજારની વસ્તીને હવે વધુ સારા પ્રેશરથી પાણી મળી શકશે. આ માટે અંદાજિત 5.12 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ ટાંકી-સમ્પ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ર્સ્વણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સ્ટેટ ફંડ અંતર્ગત 33.74 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજના મંજૂર થઇ હતી. યોજના અંતર્ગત શહેરમાં અલગ અલગ જગ્યાએ નવી ટાંકી, સમ્પનું પણ નિર્માણ થઇ રહ્યું છે.

જે અંતર્ગત શહેરના સૂચિત દક્ષિણ ઝોનમાં આવતા આશાનગર, છાપરા રોડ, સિંધી કેમ્પ તથા તેની નજીકનાં વિસ્તાર માટે અંદાજિત 5.12 કરોડની પાણી યોજના પણ હતી. આ યોજના અંતર્ગત દૂધિયાતળાવના કિનારે 25 લાખ લીટરની કેપેસિટીવાળી ટાંકી, 68 લાખ લીટરની કેપેસીટીવાળો સમ્પ, પંપ હાઉસ સહિતની કામગીરી કરવાની હતી. આ કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી, જે હવે પૂર્ણ થઇ છે.

આ કામગીરી પૂરી થતા સૂચિત દક્ષિણ ઝોનનો 40 હજારની વસ્તીને હાલ કરતાં વધુ પ્રેશરથી પાણી મળી શકશે.

12 August 2018

નવસારીમાં ઢીંગલાબાપાની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા


નવસારીમાં અષાઢ વદ અમાસના દિવસે દિવાસો મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં દર વર્ષની માફક ઢીંગલાબાપાની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે લોકાર્ષણનું કેન્દ્ર બની હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ નવસારીમાં દિવાસો મહોત્સવની જોરશોરથી અને વાજતે ગાજતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતી આવતી પરંપરાને પણ ચાલુ વર્ષે આગળ ધપાવવામાં આવી હતી. સાંજે 6 કલાકની આસપાસ દાંડીવાડમાંથી રતિલાલ છનાભાઈ રાઠોડના ઘરેથી ઢીંગલાબાપાની શોભાયાત્રા નીકળી હતી.

નવસારીમાં દિવાસો મહોત્સવની જોરશોરથી અને વાજતે ગાજતે ભવ્ય ઉજવણી

આરતી બાદ ડીજેના તાલ સાથે યુવાનો ઝુમી ઉઠ્યા હતા. દાંડીવાડથી કહારવાડ, ગોલવાડ, તરોટા બજાર સુધી અને પુન: દાંડીવાડ થઈ પૂર્ણા નદીકાંઠે આ શોભાયાત્રા પહોંચી હતી અને ત્યાં ઢીંગલાબાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા પહેલા નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, સ્થાનિક અગ્રણીઓએ ઢીંગલાબાપાના દર્શન કર્યા હતા. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. દરેક સમાજના લોકો આ ઢીંગલાબાપાની શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે અને પોતાની માનતા પણ પુરી કરે છે. લાલ સાફામાં અને સફેદ કપડામાં ઢિંગલા બાપા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

મેળામાં 300થી વધુ નાની મોટી દુકાનો લાગે છે
ઢીંગલાબાપાની શોભાયાત્રાની સાથે દાંડીવાડમાં મેળો પણ લાગે છે. અહીં 300થી વધુ નાની મોટી રમતગતમના સાધનો અને ખાણીપીણીની લારીઓ ચાલે છે. હજારો લોકોએ દર વર્ષની માફક મેળાનો આનંદ લૂંટ્યો હતો.

100 વર્ષથી આ મહોત્સવ ઉજવાય છે
કહેવાય છે કે 100 વર્ષ પહેલા દાંડીવાડ વિસ્તારમાં કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો હતો. એ વખતે લોકો મૃત્યુ પામ્યા હતા. આથી ગભરાટ વ્યાપી ગયો હતો. લોકોએ ભગવાનને પ્રાર્થના કરી હતી. એ વખતે આકાશવાણી થઈ હતી. જેમાં કહેવાયું હતું કે માનવ જેવી પ્રતિમા બનાવી તેની વિધિવત પુજા કરવી તેનાથી રોગચાળો મટી જશે. એ પછી લોકોને જીવન મળ્યું હતું અને રોગમાંથી રાહત મળીહતી. એ વખતે ઘાસનો ઢીંગલો બનાવાયો હતો અને એ વખતે પારસી શખ્સે તેના કપડા આપતા તે પહેરાવાયા હતા. સફેદ વેશમાં મૂછવાળો રહેશેઅને માથા ઉપર પાઘડી સાથે સિગારેટ પીતો હોય તેવી રીતે વરરાજાની માફક શણગાર કરી તે પ્રતિમાની પુજા કરાઈ હતી.

10 August 2018

અગ્રવાલ કોલેજના વિવાદીત કારભારની તપાસ શરૂ


નવસારીની એસ. એસ. અગ્રવાલ કોલેજના વિવાદિત કારભારને લઈ એક સામાજીક કાર્યકરે મુખ્યમંત્રીને તબક્કાવાર ફરિયાદ કરી હતી. આ ફરિયાદને અનુસંધાને મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા આ સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરી રીપોર્ટ કરવા માટે અગ્ર સચિવને આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

સામાજીક કાર્યકરે રાજ્યના મુખ્યમંત્રીને કેટલાક તબક્કાવાર મુદ્દાઓને ટાંકી કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવસારીની એસ. એસ. અગ્રવાલ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવતા પ્રોફેસરોની જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેમાં કેટલીક વિગતોને છુપાવવામાં આવી છે. અહીં ફરજ બજાવતા પ્રોફેસરોને માસિક પગારની સ્લીપ પણ આપવામાં આવતી નથી. એટલે ખરેખર પગાર શું નક્કી થયો છે અને શું ચૂકવાય છે તે સાચી માહિતી ત્યાં ફરજ બજાવતા પ્રોફેસરો પાસે પણ લેખિતમાં નથી.

મહત્ત્વનું એ છે કે આ કોલેજમાં જે સરકારી ધારાધોરણ મુજબ દરેક વિભાગ પ્રમાણે અલગ-અલગ વિભાગો દર્શાવવાના રહે છે. તે આ કોલેજમાં સરકારના નીતિ નિયમ પ્રમાણે છે કે કેમ તે પણ ચકાસવાની જરૂર છે. જ્યારે પણ ઉચ્ચ કક્ષાએ તપાસ કે ઈન્સ્પેક્શન આવે ત્યારે એમ.બી.એ./એમ.સી.એ. ના વિભાગને પણ એન્જીનીયરીંગ કોલેજના વિભાગમાં ધાકપીછોડો કરતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા. એસ. એસ. અગ્રવાલ કોલેજમાં મેડીકલનો ક્વોટો મેળવવા માટે બોગસ રીતે કેસ પેપરો અને દર્દીઓ ઉભા કરાયા હોવાના આક્ષેપ કર્યા હતા. સરકાર દ્વારા જે ધારા ધોરણો મેડીકલ કોલેજો માટે જાહેર કરાયા છે, તે ધારા ધોરણો સર કરવા માટે મોટો ખેલ ભજવાયો હતો. તે દરમિયાન એ માટેની તપાસ માટે સંબંધિત વિભાગના અધિકારીઓ આવ્યા હતા. તે સમયે પણ સ્ટાફ/પ્રોફેસરોને જ દર્દીઓ બનાવી નાટક ભજવાયું હતું. તે જ પ્રમાણે કોલેજમાં હોમિયોપેથીક, નર્સિંગ અને ફિઝીયોથેરાપી આ ત્રણ વિભાગોમાં પણ આજ રીતેના ગોટાળા ભોપાળા કરાયા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.

જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉચ્ચારી હતી
અગ્રવાલ કોલેજને શરૂ કરવા માટે પરવાનગી તેમજ કોલેજ માટેના બાંધકામની પરવાનગી કઈ રીતે અપાઈ તે એક તપાસનો વિષય છે. કારણકે સ્થળ ઉપર જે રીતનું કોલેજનું બાંધકામ છે તે જોતા જી.ઈ.બી. વિભાગની મુખ્ય હાઈટેન્શનલાઈન પસાર થાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પરવાનગી આપવાવાળા જવાબદાર અધિકારીએ સ્થળ સ્થિતીની ચકાસણી કરવા વિના જ પરવાનગી આપી દીધી હશે. જે રીતે પરવાનગી કોલેજના બાંધકામ માટે લેવાઈ છે, તેનાથી સ્થળ ઉપર વિવાદિત બાંધકામ કરાયા હોવાનું પણ ધ્યાનમાં આવે છે.

અહીં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કેટલાક પ્રોફેસરોને કોલેજના ભોપાળા ખબર પડી ગયા હતા અને તેઓએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. જેથી અવાજ ઉઠાવનારા પ્રોફેસરોને યેનકેન પ્રકારે હેરાન-પરેશાન-બદનામ કરી તેમજ એક યા બીજા આરોપો મુકી દરવાજા દેખાડી દેવામાં આવ્યા હતા. આ અગ્રવાલ કોલેજ વિવાદીત રીતે ચલાવી સરકારને ગુમરાહ કરવાની વાતો શહેરમાં ચર્ચાના કેન્દ્રમાં હોવાનું જણાવી આ સમગ્ર પ્રકરણમાં સાચી હકીકત શું છે તેની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને તપાસ બાદ કંઈક વિવાદીત અને ગેરકાયદેસર હોવાનું બહાર આવે તો જવાબદાર જે પણ હોય તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગણી ઉચ્ચારી હતી.

સામાજીક કાર્યકરે કરેલી લેખિત ફરિયાદ બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અગ્ર સચિવને આ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી રીપોર્ટ કરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે ત્યારે આવનારા દિવસોમાં એ તપાસ કઈ દિશામાં થાય છે તે જોવું રહ્યું.

સરકારને ઊંધા ચશ્મા પહેરાવ્યા હોવાનો આક્ષેપ
અગ્રવાલ કોલેજમાં મેડીકલ હોસ્પિટલ અને કોલેજની મંજુરી માટે સરકારી ધારાધોરણ મુજબ અમુક કેસો બતાવવાના હોય છે. તેમાં દર્દીઓની નોંધણી કરવામાં પણ કંઈક રંધાયું હોવાનું જણાવી સરકારને ઊંધા ચશ્મા પહેરાવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કોલેજ પાસે જે રીતે સરકારની મંજુરી પ્રમાણે જેટલી જગ્યા ફાળવવાની રહે છે, જે તે વિભાગો માટે તેટલી જગ્યા પણ સ્થળ ઉપર નથી.

વિશ્વ આદિવાસી દિવસે નવસારીમાં નીકળેલી આદિવાસીઓની જંગી રેલી


પોતાની માગણી મુદ્દે એડિશનલ કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું
જે અંતર્ગત આજે 9મી ઓગસ્ટે નવસારી ગ્રીડ વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા. આ આદિવાસી લોકો વિવિધ વિસ્તારમાંથી આવ્યા હતા.

બપોરના સમયે ભેગા થયેલા લોકો ગ્રીડથી કાલીયાવાડી તરફ રેલી આકારે નીકળ્યા હતા. જેમાં સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. પ્રદીપ ગરાસિયા સહિત અનેક આગેવાનો અને હજારોની સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા. પરંપરાગત વસ્ત્ર માથે ધારણ કરેલા આદિવાસીઓ બેનરો સાથે રેલીમાં સામેલ થયા હતા. રેલી ગ્રીડથી કાલીયાવાડી પહોંચતા ત્યાં જિલ્લા સેવાસદન કચેરી નજીક સમૂહમાં ભેગા થઈ આગેવાનોએ ત્યાં હાજર નિવાસી એડિશનલ કલેકટર કમલેશ રાઠોડને મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલી પોતાની માગ અંગેનું એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. જ્યાંથી રેલી જૂનાથાણા થઈ લુન્સીકૂઈ મેદાન નજીકની ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી ત્યાં ઉપસ્થિત આદિવાસીજનોને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપ ગરાસિયાએ સંબોધન કરી આદિવાસી સમાજને સ્પર્શતી વાતો કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે નવસારીમાં નીકળેલી આદિવાસીઓની આ સૌથી મોટી રેલીઓમાંની એક હતી અને આદિવાસીઓ શિસ્તબદ્ધ રીતે રેલીમાં જોડાયા હતા.

આદિવાસી સમાજની માંગો
- પર્યાવરણનું જતન કરવા શહેરી, ઔદ્યોગિક વિસ્તારમાં આદિવાસી જીવનશૈલીનો પ્રસાર કરાય.
- વિવિધ કારણસર સ્થળાંતર પામેલા આદિવાસીઓના પ્રશ્નો સત્વરે હલ કરાય.
- આદિવાસીઓનું સ્થળાંતર રોકવા સ્થાનિક કક્ષાએ પર્યાવરણને નુકસાન નહીં થાય તેની તકો ઉભી કરાય.
- આદિવાસી વિસ્તારમાં પ્રોજેકટ માટે તેમની રૂઢિપ્રથા મુજબની ગ્રામસભાની મંજૂરી લેવાય.
- ગેરકાયદે અપાયેલી એસટીના પ્રમાણપત્રો રદ કરવામાં આવે.
- આદિવાસીઓની સરકારી ખાલી જગ્યાઓ ભરવામાં આવે.
- કોન્ટ્રાકટ, ફિક્સ પગારની ભરતી બંધ કરાય.
- NCST ના અહેવાલો અને ભૂરિયા કમિશનની ભલામણોના અમલીકરણની જાહેરાત કરાય.
- (આ ઉપરાંત પણ ‘કેટલીક’ માંગો કરાઈ છે)

‘વનવાસી’, ‘વનબંધુ’ સામે નારાજગી
છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસીઓ માટે સરકાર ‘વનવાસી’ ‘વનબંધુ’ જેવા શબ્દનો ઉપયોગ કરી રહી છે ત્યારે આજની રેલીમાં આ શબ્દો સામે નારાજગી દર્શાવાઈ હતી. તેઓએ વનવાસી, વનબંધુ જેવા શબ્દોને ધૃણાજનક ગણાવી તે તાત્કાલિક અસરથી બંધ કરી ફક્ત ‘આદિવાસી’ શબ્દનો જ ઉપયોગ વ્યવહારમાં કરાય એવી જાહેરાત કરવા સરકારે જણાવ્યું હતું.

જોખમોનો ઉપાય આદિવાસી શૈલી 
વિશ્વની માનવસૃષ્ટિ આજે જે ગ્લોબલ વોર્મિંગ, અતિવૃષ્ટિ, ધરતીકંપ, સુનામી, જળસંકટ સામે ઝઝુમી રહ્યો છે. તેનો ઉપાય આદિવાસી જીવનશૈલી છે જે કુદરત સાથે જીવન જીવે છે. આ બાબતને લીધે જ યુનોએ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઘોષિત કર્યો છે. જિલ્લાના ગામેગામથી લોકો ઉમટી પડ્યા હતા.ડો. પ્રદીપ ગરાસિયા, પ્રમુખ, સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત

8 August 2018

વિજલપોર ખાતે બે બાળકીને ગિફ્ટ આપી અડપલાં કરતો યુવક પકડાયો


વિજલપોરની બે બાળકીને લાલચ આપી શરીરે હાથ ફેરવતા ઘેલખડીના શખ્શની ધરપકડ કરાઇ છે.

વિજલપોરમાં રહેતી 10 વર્ષની બે બાળકીઓ સીમા (નામ બદલ્યું છે) અને રીમા (નામ બદલ્યું છે) પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. આ બંને બાળકીઓ શાળાએ જતી ત્યારે એક અજાણ્યો શખ્શ તેમને કંપાસ બોક્ષ, સ્કેચપેન, કલર, સંચા, રબર, પેન્સીલ, બોલપેન, મેકઅપ બોક્ષ વિગેરે આપી પટાવતો રહેતો હતો. આ વસ્તુઓ આપ્યા બાદ ઉક્ત શખ્શ બાળકીના ગાલ ઉપર તેમજ શરીરે હાથ ફેરવાતો હતો. વધુમાં કહેતો હતો કે તમે કોઇને વાત કરશો તો મારી નાંખીશ એમ ધમકી આપતો હતો.

આ બાબતની જાણ સીમાનાં માતાને થતાં તેના ઘરવાળાઓએ ઉક્ત અજાણ્યા શખ્શને પકડવાની યોજના બનાવી હતી અને તેની સમજ સીમાને પણ આપી હતી. નિર્ધારિત વાતચીત મુજબ સીમા અને તેની મિત્ર રીમા શાળાએ ગયા હતા. સીમાના પિતા તથા અન્ય સંબંધીઓ થોડા થોડા અંતરે ગોઠવાઇ ગયા હતા. સીમા જેવી એક લારી-ગલ્લા પાસે ઉભી હતી ત્યારે એક અજાણ્યાએ સીમાને કલર પેનનું બોક્સ આપ્યું હતુ તુરંત સીમાએ ઇશારો કરતાં તેના પિતા તથા સંબંધીઓ ત્યાં ધસી ગયા હતા અને ઉક્ત શખ્શને પકડી લીધો હતો.

આ પકડાયેલા શખ્શનું નામ અલીહશન મુન્ના સા હોવાનું અને તે નવસારીના ઘેલખડી વિસ્તારનો હોવાનું જણાવ્યું હતુ. પકડાયેલા અલીહશનને જલાલપોર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ બનાવની ફરિયાદ સીમાની માતાએ પોલીસમાં નોંધાવી હતી.

નવસારીના ઘરોમાં પાણીનું મીટર લાગશે


સૌપ્રથમ ‘મીટર’ મૂકવાનો પાયલોટ પ્રોજેક્ટ કેટલાક ઘરોમાં મૂકાશે, આ વખતે સરકારમાંથી ગ્રાંટ મળવાની પણ શક્યતા

નવસારી શહેર માટે છેલ્લા 8 મહિના પાણી માટે કઠીન રહ્યાં હતા. ઉકાઇ- કાકરાપાર કેનાલનું પાણી પૂરતા પ્રમાણમાં નવસારી નગરપાલિકાને ડિસેમ્બર 2017 થી મળ્યું ન હતુ. જેને લઇને પાલિકાએ શહેરીજનોને અપાતા પાણીના જથ્થામાં કાપ મુકવાની ફરજ પડી હતી. દરરોજ બે ટાઇમ પાણી આપવાની જગ્યાએ દરરોજ એક ટાઇમ યા દર બે દિવસે એકટાઇમ પાણી આપવું પડ્યું હતુ.

અહીં ઉલ્લેખનીય છે કે, પાલિકા શહેરીજનો પાસે પાણીનો ચાર્જ વસુલે છે એ વપરાશ આધારિત નથી. જેને લઇને ઘણા લોકો જરૂરીયાત કરતાં પણ વધુ પાણી વાપરે છે અને પાણીના બગાડ પણ વધુ થાય છે. આ સ્થિતિમાં પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ ન થતાં જરૂરિયાત કરતાં વધુ પાણી લોકો વાપરતાં પાલિકા માટે શહેરીજનોને વધુ પડતું પાણી આપવું મુશ્કેલી પડી રહ્યું છે. આ સ્થિતિમાં હવે પાણીનો વપરાશ ઓછો થાય તે માટે નવસારી પાલિકાએ ‘ડોમેસ્ટીક મીટરીંગ’ ઉપર નજર ઠેરવી છે. ડોમેસ્ટીક મીટર પાણી બચાવવા રામબાણ સાબિત થાય એમ છે.લોકો વધુ ચાર્જ ચૂકવવાથી બચવા મર્યાદિત યા જરૂરિયાત મુજબ પાણી વાપરશે.

પાલિકા સૂત્રમાંથી મળતી માહિતી મુજબ સરકારની અમૃત યોજના હેઠળ પાલિકાને કરોડો રૂપિયા મળનાર છે. જેમાં ખાસ કરીને વોટરવર્કસના ઓટોમેશનની યોજના તૈયાર કરાઇ છે. આ ઓટોમેશનની યોજનાની સાથે જ ‘ડોમેસ્ટીક મીટરીંગ’ પણ કરવાની તૈયારી છે. જોકે પ્રથમ તો પાણી માટે ઘરઘથ્થું મીટરીંગ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે જ કરાશે અને એકાદ ઝોનમાં કરાશે, ત્યારબાદ આખા શહેરમાં ક્રમશ: મૂકવા આગળ ધપાશે.

વોટરવર્કસનું ઓટોમાઇઝેશન કરાશે
નવસારી પાલિકાનાં મ્યુનીસીપલ ઇજનેર રાજુભાઇ ગુપ્તાએ જણાવ્યું કે સરકારની અમૃત યોજના હેઠળ વોટરવર્કસનું ઓટોમાઇઝેશન કરવામાં આવશે જે અંતર્ગત વોટરવર્કસ ‘સ્કાડા સીસ્ટમ’ અંતર્ગત કમ્પ્યુટરરાઇઝ થશે. પાણીના રોજબરોજના ડેટા, પંપોની સ્થિતિ, ખામી વિગેરે બાબતોનું સારી રીતે મોનીટરીંગ થઇ શકશે.

8 વર્ષ અગાઉનો ઠરાવ કાગળ ઉપર
નવસારી પાલિકામાં ઘરે ઘરે પાણીના મીટર મુકવાની તજવીજ પ્રથમવાર થઇ રહી નથી. આજથી 8 વર્ષ અગાઉ જ્યારે વોટરવર્કસ કમિટીના ચેરમેન અશ્વિન ગાંધી હતા ત્યારે પાણીના મીટર ઘરે ઘરે મુકવાનો ઠરાવ કરાયો હતો. જોકે ઉક્ત ઠરાવ કાગળ ઉપર જ રહ્યો હતો અને તેનું અમલીકરણ થયું ન હતુ. જોકે આ વખતે સ્થિતિ અલગ છે અને સરકારી ગ્રાંટ મળી શકે એમ હોવાનું પાલિકા સુત્રએ જણાવ્યું છે.

સરકારે સૂચન કર્યુ છે
ગુજરાત સરકારે નગરપાલિકાઓને સૂચન કર્યુ છે જેમાં પાણીના બગાડ અટકે તે માટે ‘મીટર’ વ્યવસ્થા કરવી અને તેના માટે અમૃત યોજનામાં હેઠળ સરકાર ગ્રાંટ આપે છે. આ દિશાનિર્દેશ અનુસાર અમે ઘરોમાં પાણીના મીટર મુકવાની તજવીજ હાથ ધરી છે. - ત્રિભોવન ચાવડા, ચેરમેન, પાણી સમિતિ, નવસારી પાલિકા

7 August 2018

કૃષિ શિક્ષણમાં ખાનગીકરણનો વિરોધ, વિદ્યાર્થીઓની રેલી


આ ખાનગી કૃષિ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દ્વારા અનુસ્નાતક કક્ષા (Msc.Agri) માં પ્રવેશ મેળવવાની માંગ કરતાં વિવાદ છંછેડાયો છે અને સરકારી કૃષિ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ખાનગી કૃષિ યુનિ. સામે આંદોલને ચઢ્યા છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી સંગઠન AIASA (આઇસા) નાં નેજા હેઠળ નવસારીમાં સોમવારે રેલીનું આયોજન કર્યુ હતુ. કૃષિ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ લુન્સીકુઇ ખાતે બપોરબાદ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. ત્યાંથી રેલી કાલીયાવાડી કલેક્ટરાલય જવા નીકળી હતી. રેલીમાં સામેલ વિદ્યાર્થીઓએ બેનરો સાથે કૃષિ શિક્ષણના ખાનગીકરણ સામે સુત્રચ્ચાર કર્યો હતો.

રેલી કલેક્ટરાલય પહોંચતા ત્યાં હાજર એડીશનલ કલેક્ટર કમલેશ રાઠોડને વિદ્યાર્થી પ્રતિનિધિઓ મળ્યા હતા. વિદ્યાર્થીઓએ કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.

પોતાની રજૂઆતમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ખાનગી યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓને કોઇ પણ એગ્રીકલ્ચર પરીક્ષામાં પ્રવેશ આપવો નહીં. ખાનગી યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા અનુસ્નાતક કક્ષામાં પ્રવેશની જે માંગણી કરી છે તે તદ્દન ગેરવ્યાજબી છે.

કારણ કે આ યુનિ.માં ધારાધોરણોનું પાલન કરાતું નથી. વધુમાં કૃષિ ક્ષેત્રે ચાલતી ખાનગી કોલેજો કે યુનિવર્સીટીઓને ગુજરાતની કૃષિનું સ્તર ઉંચુ આવે એ હેતુથી તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ પણ કરી દીધી હતી.

સરકારી કોલેજના વિદ્યાર્થીઓને નુકશાન
ખાનગી કૃષિ યુનિ. કોઇપણ ધારાધોરણોનું પાલન કરતું ન હોવા છતાં તેના વિદ્યાર્થીઓ અમારી ખોટી હરીફાઇમાં આવે છે. તેઓને ફિલ્ડનું કોઇ નોલેજ નથી. કૃષિ અંગે કઇ જાણતા નથી. આજે તેઓ એડમીશન માંગે છે, કાલે જોબ કરવા આવશે તેમાં પણ ફોર્મ ભરશે એટલે અમને તો નુકશાન જ છે ને. જો સરકાર હાલ રજૂઆત કાને ન ધરે તો આગામી દિવસોમાં આંદોલન જારી રાખશું.અંકિત ચૌધરી, વિદ્યાર્થી અગ્રણી, નવસારી કૃષિ.યુનિ

જુનાગઢની પરીક્ષાથી મામલો ઉંચકાયો
સરકારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિરોધ જુનાગઢની પરીક્ષામાં સર્જાયેલી સ્થિતિથી ઉભો થયાનું જાણવા મળે છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક કક્ષાની પ્રવેશ પરીક્ષા (એમએસસી) માં ખાનગી યુનિ.નાં વિદ્યાર્થી પણ એપ્લાય થયા હતા. જોકે નિર્ધારિત પરીક્ષા કમિટીએ તેમને નોનએલીજેબલ (માન્યતા નહીં) ઠેરવતા આ ખાનગી કોલેજના, વિદ્યાર્થીઓ હાઇકોર્ટમાં ગયા હતા અને કોર્ટે ‘સ્ટે’ આપ્યો છે. પરીક્ષા હાલ અટવાતા ખાનગી યુનિ.સામે વિરોધ વધવાની જાણકારી મળી છે.

ખાનગી કૃષિ યુનિવર્સીટી સામે આક્ષેપો
- કૃષિ કોલેજ માટે જરૂરી 50 હેક્ટર જમીન અને વિવિધ વિષયોની પ્રયોગ શાળાઓ હોતી નથી.
- ખાનગી યુનિ.માં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરાતી નથી, મનફાવે તેવી ફી લઇ પ્રવેશ અપાઇ છે.
- ખાનગી કોલેજ પાસે પૂરતા પ્રાધ્યાપકો નથી.
- પ્રાધ્યાપકો NET ક્વોલીફિકેશન, પીએચડી પદવી ધરાવતા નથી જે ICAR નાં ધારાધોરણોથી વિરૂદ્ધ છે.
- પરીક્ષા સંપૂર્ણપણે ખાનગી રીતે લેવાતી હોય મન ધારેલા પરિણામ વિદ્યાર્થીઓને મળે છે.

6 August 2018

નવસારી મહાપાલિકામાં જોડાવા વિજલપોર નગરપાલિકા તૈયાર


સૂચિત નવસારી મહાનગરપાલિકામાં જોડાવા માટે વિજલપોર પાલિકાએ સંમતિ આપી દીધી છે. વિજલપોર પાલિકાની સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ કરી દીધો છે.

નવસારી મહાનગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારમાં તજવીજ ચાલી રહી છે. જે અંતર્ગત થોડા દિવસ અગાઉ જ રાજ્ય સરકારે અહીંની નવસારી નગરપાલિકા તથા વિજલપોર નગરપાલિકા પાસે નાણાકીય સ્થિતિ વિગેરેની માહિતી મંગાવી હતી.

ત્યારબાદ હાલમાં જ નવસારીના સાંસદ, જિલ્લાનાં ભાજપનાં ત્રણેય ધારાસભ્યો, વેપારી-બિલ્ડીંગ એસોસિએશન વગેરેના હોદ્દેદારો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. આ મુલાકાતમાં મુખ્યમંત્રી સમક્ષ નવસારીને મહાપાલિકા બનાવવાની રજૂઆતો કરી હતી.

સીએમ સાથેની બેઠક બાદ વિજલપોર પાલિકાની સામાન્ય સભા મળી હતી.
આ બેઠકમાં સૂચિત મહા નગરપાલિકામાં સમાવેશ થનારી પાલિકા, પંચાયતોનાં ઠરાવ જરૂરી હોવાની ચર્ચા થઇ હતી.

ગ્રામ પંચાયતોનો ઠરાવ ક્યારે?
સૂચિત નવસારી મહાપાલિકામાં નવસારી અને વિજલપોર શહેર ઉપરાંત નજીકનાં 8 થી 9 ગામડાંને પણ સમાવવા પડે એમ છે. આ સ્થિતિમાં નવસારી મહાપાલિકામાં જોડાવા માટે આ ગામડાઓની ગ્રામ પંચાયતોના સંમતિ આપતા ઠરાવ પણ જરૂરી છે. ગ્રામ પંચાયતોનાં ઠરાવ જલદીથી મળે એ દિશામાં સ્થાનિક નેતાગીરી પ્રયત્નશીલ હોવાની જાણકારી મળી છે.

5 August 2018

બંધ ફલેટનું તાળું ખોલી રોકડા રૂ. 40 હજાર સળગાવી દેવાયા


નવસારીમાં ભેંસતખાડા વિસ્તારમાં રિંગરોડ ઉપર આવેલા હનીન હેરિટેજ એપાર્ટમેન્ટમાં બંધ મકાનનું તાળુ ખોલી કોઈ અજાણી બુરખાધારી મહિલાએ રોકડા રૂ. 40 હજાર સહિત કેટલીક સામગ્રીઓમાં આગ ચાપી ફરાર થઈ ગયું હતું. કોઈ અજાણી મહિલાએ આ કારસ્તાન કર્યાનું હાલ ચર્ચાય રહ્યું છે.

ટાઉન પોલીસ મથકમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. નવસારીમાં શનિવારે સવારે 7.30થી 7.45 કલાકની આસપાસ રિંગરોડ ઉપર આવેલા હનીન હેરિટેજમાં બંધ ફ્લેટનું તાળું ખોલી કોઈકે ફ્લેટમાં આગ ચાંપી દીધી હતી.

આ ઘટનાની જાણ થતા જ મકાન માલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બેડ ઉપર મુકેલા રોકડા રૂ. 40 હજાર, ગાદલા, પાનકાર્ડ, આઈકાર્ડ અને બેડ સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટના સંદર્ભે મકાનમાલિક સૈયદ મોહમદ યુસુફ સૈયદે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ટાઉન પીઆઈ એસ. એમ. સગરે આગળની તપાસ હાથ ધરી છે. કોઈક મહિલાએ ઘરમાં પ્રવેશ કરીને આ કારસ્તાન કર્યાનું ચર્ચાય છે.

વિજલપોરમાં દબાણ કરતી 17 લારી દૂર કરાઈ


નવસારીને અડીને આવેલી વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર ઉભા થયેલા લારીગલ્લા દબાણને દૂર કરાયું હતું. 17 જેટલી લારીઓ પાલિકાએ કબજે લીધી હતી.

વિજલપોર પાલિકામાં છેલ્લા ઘણાં દિવસોથી લારીગલ્લાને લઈ ભારે હોબાળો મચ્યો છે. લારી હટાવવા મુદ્દે પાલિકા હોદ્દેદારો તથા કોર્પોરેટરો પણ સામસામે આવી ગયા છે છતાં પાલિકા અધિકારીઓએ પોતાની કામગીરીને અંજામ આપવામાં પીછેહઠ કરી નથી. આજે શનિવારે પાલિકા સત્તાધિશોએ સવારથી લઈ સાંજ સુધીમાં 17 લારીઓ હટાવી હતી. સંસ્કારભારતીથી લઈ રેલવે ‌ફાટક અને શિવાજી ચોકથી રામનગર સુધીમાં આ કામગીરી કરવામાં આવી હતી. જોકે આજે શનિવારે કેટલાક લારીવાળાઓએ બળાપો ઠાલવ્યો હતો પરંતુ સત્તાધિશોએ લારીઓ ઉઠાવી લેવામાં પાછીપાની કરી ન હતી.

વિજલપોર પાલિકાના અધિકારી મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે જે લારીઓ ટ્રાફિકને અડચણરૂપ હતી તે લારીઓનું જ દબાણ દૂર કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણાં વખતથી ઉભા થયેલા દબાણને કારણે લોકોએ રસ્તા ઉપરથી આવાગમન માટે પણ મુશ્કેલી ઉભી થતી હતી. જેથી આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખી શહેરના રસ્તાઓ ખુલ્લા કરાશે.

3 August 2018

મધરાતે પોલીસ મથકે લોકટોળું એકત્ર થયું બાદ વિજલપોરના 2 કાઉન્સિલરને જામીન


વિજલપોર નગરપાલિકાની સભામાં ભાજપના અનેક સભ્યો ગેરહાજ રહ્યા હતા. આ સભ્યો ગેરહાજર રહેવા પાછળ સભ્યોમાં નારાજગી હોવાનું બહાર આવ્યું હતુ. ત્યાર બાદ પાલિકાના ગેરહાજર અને અસંતુષ્ટ સભ્યોની લારી ઉઠાવી લેવામાં આવી હતી. આ બાબતે કોર્પોરેટરોએ સેનેટરી અધિકારીને ધમકી આપતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિજલપોરનાં બે કોર્પોરેટરોની બુધવારે સવારે ધમકી પ્રકરણે ધરપકડ થયા બાદ મોડે સુધી જામીન ન અપાતાં વિજલપોર પોલીસ મથકે મધરાત્રી સુધી લોકટોળા ભેગા થયા હતા અને હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જોકે રાત્રે 12.30 વાગ્યાનાં અરસામાં પોલીસે જામીન આપતા વિવાદનો અંત આવ્યો હતો.

અધિકારીને ધમકી આપતા બે કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી હતી

વિજલપોર પાલિકાનાં સેનેટરી અધિકારી મોહન આહીરને રેલવે ફાટક નજીકની લારીઓ ઉઠાવવાનાં મુદ્દે પાલિકાનાં બે ભાજપી કોર્પોરેટરો જ્યોતિ રાજભર અને ઇન્દ્રજીતસિંહ રાજપૂતે ફોન ઉપર ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ સંદર્ભે બુધવારે સવારે બંને કોર્પોરેટરોની પોલીસે ધરપકડ કરી હતી. સવારે ધરપકડ થયા બાદ બપોર બાદ ચારેક વાગ્યાનાં અરસામાં જામીન મળી જશે એવી વાત બહાર આવી હતી. જોકે ચાર વાગ્યે તો ઠીક સાંજે સાતથી આઠ વાગ્યા સુધી જામીન ન મળતા ધરપકડ કરાયેલા કોર્પોરેટરોનાં ટેકેદારોની ધીરજ ખૂટવા લાગી હતી.

મધ્યરાત્રિએ જામીન મુકત કરવામાં આવ્યા
મોટી સંખ્યામાં ટેકેદારો શહેરનાં શિવાજી ચોક, વિઠ્ઠલ મંદિર સહિતના વિસ્તારો ઉપરાંત વિજલપોર પોલીસ મથકે પણ ભેગા થવાની શરૂઆત થઇ હતી. જેમ જેમ લોકટોળા વધુને વધુ ભેગા થઇ રહ્યાં હતા તેમ તેમ તંત્રદિલીમાં વધારો થઇ રહ્યો હતો. મધરાત્રીએ 12.30 કલાક થઇ ગયા હોવા છતાં લોકસમૂહ પાછીપાની કરવા તૈયાર ન હતો. આખરે મધરાત્રે 12.30 કલાકનાં અરસામાં પોલીસે કોર્પોરેટરો જ્યોતિ રાજભર અને ઇન્દ્રજીતસિંહ રાજપૂતને જામીન ઉપર મુક્ત કર્યા હતા. મુક્ત થયેલ બંને કોર્પોરેટરોને તેમનાં સમર્થકોએ વિજયી થયા હોય એમ વધાવી લીધા હતા.

અસંતુષ્ટ ભાજપીઓ સામે વેરભાવ ?
ધરપકડ કરાયેલા કોર્પોરેટરોને જામીન ઉપર મોડા મુક્ત કરવામાં પાછલા બારણેથી રાજકીય ખેલ ખેલાયો હોવાનું અસંતુષ્ટ ભાજપી કોર્પોરેટરો અને તેમનાં ટેકેદારોનું માનવું છે.

પહેલાં તો સામાન્ય સભા પત્યા બાદ તુરંત કોર્પોરેટરની લારી ઉઠાવવી અને આ પ્રકરણ બાદ જામીન આપવામાં પણ પોલીસનાં ઠાગાઠૈયામાં પાછલા બારણે ખેલ ખેલાયો હોવાનું ગત રાત્રે ઉપસ્થિત લોકોનું માનવું હતુ. એ અલગ બાબત છે કે સ્થિતિ વધુ વણસે તે પહેલાં રાત્રે જ જામીન ઉપર કોર્પોરેટરો મુક્ત થયા હતા.

વિજલપોર ભાજપ પ્રમુખ સહિત ત્રણને બદલો, ભાજપ કાર્યાલયમાં મોવડીમંડળને રજૂઆત
વિજલપોર પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ બદલવાની માંગ મોવડીઓ સમક્ષ ભાજપી અસંતુષ્ટોએ કરી હતી. વિજલપોર પાલિકામાં સત્તાધીશ ભાજપમાં રીતસર ભડકો થયો છે. પક્ષનાં કુલ 33 માંથી બહુમતી કોર્પોરેટરો નારાજગી બતાવી સોમવારની સામાન્ય સભામાં ગેરહાજર રહ્યાં હતા. બાદમાં અસંતુષ્ટ કોર્પોરેટરની લારી ઉઠાવવી અને બે કોર્પોરેટરોને જામીન મળવામાં થયેલા વિલંબ બાદ તો અસંતુષ્ટ કોર્પોરેટરોમાં નારાજગી વધી છે. આ નારાજગી વચ્ચે જ આજે ગુરૂવારે સવારે પક્ષના નવસારી કાલીયાવાડી સ્થિત જિલ્લા કાર્યાલય ‘કમલમ’ ખાતે અસંતુષ્ટ કોર્પોરેટરોએ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલ, મહામંત્રી ભુરાલાલ શાહ સાથે બેઠક કરી હતી. આંતરિક આધારભૂત સૂત્રમાંથી મળતી માહિતી મુજબ અસંતુષ્ટ કોર્પોરેટરોએ પોતાની રજૂઆતો કરી હતી.

જેમાં એક રજૂઆત પાલિકા પ્રમુખ જગદીશ મોદી, કારોબારી ચેરમેન પ્રકાશ પાટીલ અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ કાનગુડેને બદલવાની હતી. જોકે પાલિકાની નવી પાંખ અસ્તિત્વમાં આવ્યાને માંડ ચાર-પાંચ મહિના થયા હોય આ માંગ મોવડીમંડળે કાને ધરી ન હતી. અસંતુષ્ટોએ આ ઉપરાંત તેમની પાલિકામાં કરાતી સતત અવગણના સહિતની ફરિયાદો પણ કરી હતી. જેને મોવડીઓએ સાંભળી હતી.

બેઠક અંગે જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે, ‘વિજલપોરનાં બારેક કોર્પોરેટરોને સાંભળ્યા છે, કામ બાબત સહિતની રજૂઆત તેઓએ કરી હતી. જોકે પાર્ટી સાથે જ છે અને રહેવાનાં છે એવી વાત પણ તેઓએ કરી હતી. પછી બેઉ પાર્ટીને બોલાવી લીધી હતી અને હવે કોઇ પ્રશ્ન રહેતો નથી.’

2 August 2018

નવસારી સિંધીકેમ્પ વિસ્તારમાં આવેલી સ્નેહસાગર સોસાયટીમાં સમી સાંજે ચોરી


નવસારીમાં સિંધીકેમ્પ વિસ્તારમાં આવેલી સ્નેહસાગર સોસાયટીમાં રહેતા એડવોકેટના બંધ મકાનમાંથી તસ્કરો રૂ. 2.08 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એડવોકેટ બજારમાં કામ અર્થે નીકળતા જ તસ્કરોએ લાભ ઉઠાવ્યો હતો. તસ્કરો ઘરના પાછલા દરવાજેથી પ્રવેશી 45 મિનિટમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટના અંગે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે. નવસારીટાઉન વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.

ઘરમાંથી રોકડા રૂ. 48 હજાર અને સોના-ચાંદીના દાગીના ચોરાયા

નવસારીમાં પારસી હોસ્પિટલના પાછળના ભાગે સિંધીકેમ્પ વિસ્તારમાં આવેલી સ્નેહસાગર સોસાયટીમાં રહેતા જાણીતા એડવોકેટ અને નવસારી એડવોકેટ એસોસિએશનના માજી પ્રમુખ હરેશભાઈ વશી તેમના પરિવાર સાથે રહે છે. તેઓ 31મી જુલાઈએ કોર્ટમાંથી ઘરે પહોંચ્યા હતા. એ પછી સાંજે 6.30થી કામ અર્થે બજાર ગયા હતા. એ‌ વખતે તેઓ ઘરને તાળુ મારીને બહાર ગયા હતા. જ્યારે તેઓ પરિવાર સાથે પરત ફર્યા ત્યારે તેમના ઘરના પાછળના દરવાજાનું લોક તૂટેલુ જોવા મળ્યું હતું અને ઘરમાં મુકેલા બે કબાટનો સરસામાન રફેદફે જણાયો હતો.

આ ઘટના અંગે તેમણે તાત્કાલિક નવસારી ટાઉન પોલીસને જાણ કરી હતી. નવસારી ટાઉન પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ ડોગ સ્કવોર્ડ અને ફિંગરપ્રિન્ટ તજજ્ઞ, એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ મંગળવારે સાંજના સમયે ઘરના પાછળના દરવાજાનો મારેલો નકૂચો તોડી નાંખ્યો હતો અને પાછળથી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં કબાટમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના સહિત તસ્કરો રૂ. 2.08 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવસારીમાં છેલ્લાં કેટલાંક સમયથી ચોરીનું પ્રમાણ વધ્યું છે.

તસ્કરો શું શું ચોરી ગયા

એડવોકેટ હરેશ વશીના મકાનમાંથી તસ્કરો બેડરૂમમાં મુકેલા બે કબાટમાંથી 8 તોલાના રૂ. 1.60 લાખની કિંમતના દાગીના તથા રોકડા રૂ. 48 હજાર મળી કુલ રૂ. 2.08 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસો
નવસારી ટાઉન પોલીસે ઘટનાનો ભેદ ઉકેલવા સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસ એડવોકેટના મકાનની આસપાસના વિસ્તારમાં તથા રોડ ઉપરના સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે.