20 January 2017

ઉત્તરાયણમાં મળેલા ૨૨૫ કિલો નકામા દોરાને સળગાવી દેવાયા

નવસારીની સમાજ સેવી સંસ્થાઓએ બીન ઉપયોગી દોરાઓ ૧૫૦ રૃપિયે કિલો ખરીદ્યા


નવસારીની શ્રી બનાસ ગૌ સેવા કેન્દ્ર, શ્રી હનુમાન ચાલીસા ગૌ સેવા મંડળ અને ઓમ સાંઇ સેવા ટ્રસ્ટના સહયોગથી ઉત્તરાયણ પર્વ બાદ પશુપંખીના જતન અર્થે ૧૫ થી ૧૭ જાન્યુઆરી સુધી ત્રણ દિવસ દોરા યજ્ઞા આરંભાયો હતો. જેમાં રસ્તે પડેલા કે બિલ્ડીંગ તથા ઝાડ પર લટકતા બીન ઉપયોગી પતંગના દોરાઓના ગુંચળા ભેગા કકરી લઇ આવનારને આ સામાજિક સંસ્થાઓ દ્વારા ૨૦૦ ગ્રામના ૩૦ રૃપિયા આપીને ખરીદવામાં આવ્યા હતા.

લોકો આ અભિયાનમાં જોડાય અને પશુપંખીઓની સુરક્ષા તેમજ પર્યાવરણ જાળવણીમાં સહભાગી બને એ માટે અઠવાડિયા અગાઉ શાળા, કોલેજો તથા જાહેર સ્થળોએ પેમ્પલેટ પણ વહેંચવામાં આવ્યા હતા. જેના કારણે ગત ૧૫, ૧૬ અને ૧૭ જાન્યુઆરી દરમિયાન સંસ્થાઓને કુલ ૨૨૫ કિલો બીન ઉપયોગી પતંગ દોરો મળ્યો હત. આ પતંગના દોરામાં ૬૦ ટકા દોરો પ્રતિબંધિત ચાઇનીઝ દોરા હોવાનું જણાયુ હતુ. સંસ્થા દ્વારા બીન ઉપયોગી પતંગનો દોરો ખરીદવા પાછળ અંદાજે ૩૫ હજાર રૃપિયા ખર્ચાયા હતા.

આ ભેગો કરાયેલો દોરો આજે બુધવારે સાંજે ત્રણેય સંસ્થાના કાર્યકરો અને પર્યાવરણ પ્રેમીની ઉપસ્થિતિમાં જલાલપોર સ્થિત સરદાર પટેલ શાળાના મેદાનમાં ભેગો કરી તેને સળગાવી દીધો હતો.

Source: Sandesh