29 January 2017

નવસારી નગરપાલિકામાં પ્રજાસત્તાક પર્વે ૪૧ નાગરિકોનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન


નવસારી શહેર સાથે નવસારી અને જલાલપોર તાલુકામાં વિવિધ સ્થળોએ ગત રોજ ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવસારી શહેરમાં ધ્વજવંદન પૂર્વે વહેલી સવારે શહેરની શાળાઓના બાળકો દ્વારા ફૂવારા સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસેથી પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. જે નવસારી નગર પાલિકા પ્રાંગણમાં પહોંચી હતી. જ્યાં નવસારી પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઇએ ત્રિરંગો ફરકાવી સલામી આપી હતી. સાથે જ તેમણે નવસારી નગરની વિકાસ ગાથાને પણ શહેરીજનો સમક્ષ વર્ણવી હતી. આ પ્રસંગે નવસારીના ૪૧ નાગરિકોને વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

જેમાં સમાજિક ક્ષેત્રે વિષિષ્ટ કામગીરી બદલ નવસારીના સ્નેહસેતૂના ચેતનાબેન બિરલા, નવસારીના સુપા ગામે થયેલા બસ અકસ્માતમાં રાહત કામગીરી કરવા બદલ પાલિકાના કોંગ્રેસી કોર્પોરેટર પીયુષ ઢીમ્મર સહિતના નાગરિકોનો સમાવેશ થાય છે.  આ પ્રસંગે નવસારીની શાળઓના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતોમાં દેશભક્તિનો જોમ ભર્યો હતો.

જિલ્લા પંચાયત, વિજલપોર પાલિકામાં  ધ્વજવંદન
નવસારી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ સહિત પંચાયતના પદાધિકારીઓએ અને અધિકારી તેમજ કર્ચમારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ છાપરા ગામે યોજાયો હતો. જ્યાં નવસારી ગ્રામ્ય મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પી.કે. પંડવાળાએ ત્રિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ હેમલતાબેન પટેલ, તલાટી કમ મંત્રી રવિશંકર શર્મા,  સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજલપોર નગર પાલિકામાં પણ પાલિકા પ્રમુખ હેમાબેન ભંડારીએ ત્રિરંગો ફરકાવ્યો હતો. જ્યાં પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.