20 January 2017

દશેરા ટેકરીમાં પાલિકાની શાળાની પાછળથી દારૂની કોથળીઓ અને બોટલો મળી


નવસારી નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 10ની મુલાકાતે પહોંચેલી શિક્ષણ સમિતી ટીમને શાળાની પાછળના ભાગે દેશી અને ઇંગ્લીસ દારૂની ખાલી પોટલીઓ અને બોટલોનો નજારો જોઇને સમિતીનાં સભ્યો ચોકી ઉઠ્યા હતા. દશેરાટેકરીમાં આવેલી આ શાળાનાં આચાર્ય સાથે આ ઘટના અંગે ચર્ચા કરી તેમને આ સંદર્ભે શિક્ષણ સમિતીમાં લેખિત રજૂઆત કરવા તાકીદ કરવામાં આવી હતી. પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળાઓ પૈકીની દશેરા ટેકરીની મિશ્રશાળા નંબર 10માં તાજેતરમાં જ શિક્ષણ સમિતીનાં વાઇસ ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળનાર સુરેશભાઇ શેઠ, શિક્ષણ સમિતીનાં સભ્યો વિરેન્દ્રભાઇ કહાર તથા અશોકભાઇ રાઠોડની ટીમે મુલાકાત લીધી હતી.

મિશ્ર શાળાની મુલાકાતે પહોંચેલી નવસારીની પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ
આ ટીમ શાળામાં પહોંચી હતી. તેમણે બાળકોમાં શિક્ષણનું સ્તર ઉચુ આવે તે માટે પ્રયત્ન હાથ ધરવા શાળાનાં આચાર્ય રમાબેન સોલંકીને સુચના આપી હતી.દરમિયાન તેઓ શાળા કમ્પાઉન્ડમાં ફરતા હતા ત્યારે તેમને શાળાનાં પાછળનાં ભાગે દેશી દારૂની પોટલીઓ તથા ખાલી દારૂની બોટલો મળી આવી હતી. શાળાની દિવાલને લગોલગ અને બાળકો પણ જોઇ શકે તેવી બારીની બાજુમાં જ આ પોટલીઓ અને બોટલો પડી હતી. આ બાબતે શાળાનાં આચાર્યને તાત્કાલીક શિક્ષણ સમિતીમાં લેખિત રજૂઆત કરવા માટે તાકીદ કરી હતી. એક તરફ વિદ્યાનું ધામ છે ત્યાં જ બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય જોઇને શિક્ષણ સમિતીની શાળાનાં આસપાસનાં વિસ્તારમાં દારૂબંધીનો કડકાઇથી અમલ થાય તેવો મનસુબો બનાવ્યો હતો. તેમણે આ બાબતે જિલ્લા પોલીસને પણ જાણ કરી હોવાની માહિતી પણ સાપડી છે.

Source: Divyabhaskar