6 January 2017

વિજલપોરમાં હીરા કારખાનેદારની પત્નીના ગળા પર ચપ્પુથી હુમલો કરી હત્યાનો પ્રયાસ

વિજલપોરની જલારામ સોસાયટીમાં મુનલાઈટ એપાર્ટમેન્ટમાં મહિલાની ચપ્પૂના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે મહિલા ઉપર હુમલો લૂંટના ઈરાદે થયો હતો કે અન્ય કોઈ કારણે તે હજી સુધી બહાર આવ્યું નથી.


વિજલપોરમાં જલારામ સોસાયટીમાં મુનલાઈટ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા મહેશભાઈ પટેલના મકાનમાં અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી જઈ મહેશભાઈ પટેલની પત્ની સુખીબેન પર હુમલો કરી દીધો હતો. સુખીબેનને ગળાના ભાગે ચપ્પૂના ઘા ઝીંકી દેવાયા હતા. ઘરનો સરસામાન અસ્તવ્યસ્ત કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.

આસપાસમાં રહેતા લોકોને પણ ઘટનાની ભનક આવી નહતી. સાંજના સમયે સુખીબેનના પતિ મહેશભાઈ ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો નજારો જોઈ તેમના હોશ ઉડી ગયા હતા. પત્નીને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અન્ય સ્થાનિક રહીશોની મદદથી ઈજાગ્રસ્ત સુખીબેનને નવસારીની ઓરેંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ ગંભીર હાલતમાં છે અને સારવાર હેઠળ છે.

ઘરમાં સુખીબેન એકલા હતા. તેમના પતિ મહેશભાઈ પટેલ હિરાના કારખાના ધરાવે છે. તેઓ મૂળ પાલનપુરના છે. મહેશભાઈ રોજબરોજની માફક સવારે કારખાને ગયા હતા અને બપોરે જમવા આવ્યા હતા. જમીને આરામ કરી તેઓ પરત કારખાને ગયા હતા. સાંજે જ્યારે ઘર પરત ફર્યા ત્યારે ઘરનો સરસામાન વેરવિખેર હતો અને તેમના પત્નીને ગંભીર હાલતમાં જોઇ હતી. ઘટનાને પગલે તેઓ આઘાતમાં સરી પડતા તેમને પણ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ગંભીર રીતે ઘાયલ સુખીબેન સાથે શું ઘટના બની અને કેવી રીતે ઘટના ઘટી તે સમગ્ર ઘટનાક્રમ હાલ એક રહસ્ય બની ગયું છે. પોલીસ પણ ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ બની છે. જોકે હાલના તબક્કે પોલીસ ઘટના અંગે કશું કહેવા માગતી નથી અને તપાસની ચોક્કસ દિશા મેળવવા પ્રયત્નશીલ છે. લૂંટના ઈરાદે સુખીબેન પર હુમલો કરાયો છે કે અન્યકોઈ કારણસર તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

Source: Divyabhaskar