22 January 2017

જલાલપોરની શાળામાં મધમાખીઓના ઝૂંડથી દોડધામ

નવસારીના જલાલપોરના નીલકંઠ વિદ્યાલયમાં શુક્રવારે સવારે મધમાખીઓનું ઝૂંડ આવી ચઢતા દોડધામ મચી ગઈ હતી. નગરપાલિકા તંત્રએ લગભગ એક સવા કલાક ફોગિંગ કરતા ઝૂંડ દૂર થયું હતું.


નવસારીના જલાલપોર વિસ્તારમાં લીમડાચોક નજીકના નીલકંઠ વિદ્યાલય આવેલી છે. વિદ્યાલયમાં ધો. 1થી 12 ચાલે છે, જેમાં બે પાળીમાં વિદ્યાભ્યાસ ચાલે છે. આજે શુક્રવારે રોજબરોજની જેમ પહેલી પાળીમાં સવારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા. દરમિયાન વિદ્યાલયના થર્ડ ફલોર ઉપર સવારે 10.45 વાગ્યાના અરસામાં કેટલીક મધમાખી આવીને બેસી હતી ત્યારબાદ ગણતરીની મિનિટોમાં તે મધમાખીઓનું મોટુ ઝૂંડ ભેગુ થઈ ગયું હતું.

મધમાખીઓના વિશાળ ઝુંડને જોતા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભય ફેલાયો હતો અને દોડધામ મચી ગઈ હતી. મધમાખીઓના સમૂહને દુર કરવા પાલિકાને જાણ કરવામાં આવી હતી.

તુરંત મેલેરિયા વિભાગનો સ્ટાફ ફોગિંગ મશીન સાથે નીલકંઠ વિદ્યાલય આવી પહોંચ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત કરાયા હતા. શાળાના ઓરડામાં ઘણાં વિદ્યાર્થીઓને સુરક્ષિત કરાયા હતા. પાલિકા સ્ટાફે ડીઝલ-પાયરેથમનું મિક્સ કરેલા પદાર્થનું ફોગિંગ શરૂ કર્યું હતું.

ફોગિંગના ધુમાડામાં કેટલીય મધમાખીઓ ટપોટપ ભોંયભેગી થઈ હતી, તો કેટલાક મધમાખી ત્યાંથી અન્યત્ર ચાલી ગઈ હતી. પાલિકા તંત્રએ લગભગ એક-સવા કલાકની ફોગિંગની કામગીરી કરતા સ્થિતિ કાબૂમાં આવી હતી. પાલિકાના મેલેરિયા અધિકારી પરેશ દેસાઈએ જણાવ્યું કે એક સવા બે કલાકની જહેમત બાદ બપોરે 12.15 કલાકે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી હતી અને શાળાને મધમાખીના ઝૂંડથી સુરક્ષિત કરાઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર તથા શાળાના સંચાલકોએ પૂરતી તકેદારી રાખતા કોઈપણ વિદ્યાર્થીને હાનિ થઈ હતી. મસમોટી મધમાખી જો કોઈ વિદ્યાર્થીને કરડી હોત તો મોટી હાનિ થવાની શક્યતા હતી, જે સાવચેતીથી ટાળી શકાઈ હતી.