10 January 2017

બર્ડની અંતિમયાત્રા સાથે રેલી નીકળી, જીવદયા પ્રેમીઓ જોડાયા


ઉતરાયણમાં પક્ષીઓને થતી હાનિ બાબતે જાગૃત્તિ લાવવા રવિવારે નવસારીમાં જીવદયા પ્રેમીઓની રેલી હતી. ઉતરાયણમાં દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પતંગ ઉડાવે છે. આ પતંગના શોખમાં ધારદાર દોરીને કારણે ઘણા પક્ષીઓ ઘાયલ કે મોતને ભેટે છે. આ સ્થિતિમાં પક્ષીઓનાં જીવ બચાવવા લોકોમાં જાગૃત્તિ આણવા જીવદયા પ્રેમીઓની એક રેલી નવસારીમાં આજે રવિવારે નીકળી હતી.

રેલીએ શહેરજનોનું ધ્યાન આકર્ષિત કર્યુ

રેલીનું આયોજન પાશ્વભક્તિ મંડળ મધુમતી નવસારી તથા જીવદયા યુવાગૃપ મલાડ મુંબઇનાં સંયુક્ત ઉપક્રમે થયું હતું. રેલી નવસારીનાં જુનાથાણાં વિસ્તારમાંથી નીકળી હતી ત્યાંથી સેન્ટ્રલબેંક ટાવર, શાકમાર્કેટ, આશાનગર થઇ ફુવારા ખાતે રેલીનું રામાયન થયું હતું. રેલીમાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ અને બાળકો જોડાયા હતા. Say no to kites નાં નારા અને બેનરો સાથે નીકળેલી રેલીએ શહેરજનોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. રેલીમાં સામેલ બાળકો તથા યુવાનોએ પક્ષીઓનાં જીવ બચાવવા પતંગ ન ચગાવવાનાં શપથ પણ લીધા હતા.

વિજલપોર ખાતે સારવાર કેમ્પનું આયોજન

રેલીમાં આમ જનતાની સાથે અગ્રણીઓ ભુરાભાઇ છાજેડ, જીગીશભાઇ શાહ, સંકેતભાઇ, વિજયભાઇ ગોંદિયા, સરજુભાઇ અજબાણી, પ્રિતીબેન મહેતા વિગેરે પણ ઉપસ્થિત રહયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે જીવદયા પ્રેમીઓ દ્વારા 14 અને 15 જાન્યુઆરીનાં રોજ પતંગ-દોરીના કારણે ઘાયલ થનાર પક્ષીઓની સારવાર માટે નવસારી સેન્ટ્રલ બેંક તથા શિવાજી ચોક વિજલપોર ખાતે સારવાર કેમ્પનું આયોજન પણ કરાયું છે.

Source: Divyabhaskar