31 January 2017

વિજલપોરના કાલી તળાવનો જીર્ણોદ્ધાર કરાશે

વિજલપોરનું લગભગ ખોવાઈ ગયેલું અને ઝાડીઝાંખરાનું જંગલ બનેલુ કાલી તળાવને પુનર્જીવિત કરી તેનો વિકાસ કરાશે.


વિજલપોર શહેરમાં અનેક તળાવો આવેલા છે. તળાવોમાંનું એક તળાવ અયોધ્યાનગરની પાછળના ભાગે આવેલું કાલી તળાવ પણ છે. તાજેતરના વરસોમાં પાલિકાએ રામનગર તળાવ, ગામતળાવ, બાબાઈશીત તળાવને લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કર્યો છે. હવે પાલિકાએ બિસમાર બનેલા કાલી તળાવનો વિકાસ કરવાનું આયોજન કર્યુ છે. છેલ્લા કેટલાય વર્ષોથી કાલીતળાવ બિનઉપયોગી બન્યું છે. જેને લઈને તળાવ ઝાંડીઝાખરાનું જંગલ જેવું બની ગયું છે. વધુમાં બિનઉપયોગી તળાવમાં ઘણાં લોકો કચરો ફેંકતા અસ્વચ્છ પણ બની ગયું છે. પાલિકાના શાસકોએ આખરે તળાવનો વિકાસ કરવાનું આયોજન કર્યું છે.

તળાવને બ્યુટીફાઈ કરવા પાલિકા સૌ પ્રથમ તળાવની સફાઈ કરશે ત્યારબાદ ઉંડુ કરવામાં આવશે. તળાવમાં પથ્થરનું પિચિંગ કરી વોક વે પણ બનાવવામાં આવશે. અહીં લાઈટની પણ સુવિધા ઉભી કરવામા આવશે. ખાલીખમ તળાવમાં પાણી ભરાશે તો જળસંચયની સાથે બ્યુટીફિકેશન પણ થઈ જશે. પાલિકાની કમિટીમાં તળાવનો વિકાસ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. વિજલપોર પાલિકાના ઈજનેર શશી પટેલે જણાવ્યું કે કાલી તળાવ પ્રમાણમાં નાનુ તળાવ છે અને તેના વિકાસ પાછળ અંદાજે 30 લાખ રૂપિયા ખર્ચનો અંદાજ છે

તળાવ પર કરાયેલુ દબાણ દૂર થશે 
વિજલપોરના કાલી તળાવ માટે પાલિકાને ગ્રાંટમાંથી નાણાં તો ઉપલબ્ધ થઈ જશે પરંતુ સૌથી મોટો પ્રશ્ન તળાવમાં થયેલા દબાણ દૂર કરવાનો છે. તળાવની સૌ પ્રથમ તો માપણી કરવી જરૂરી છે. માપણી થયા બાદ તળાવની જગ્યામાં જે દબાણો ઉભા થયા છે તે દૂર કરવાની જરૂરિયાત ઉભી થશે. મળતી માહિતી મુજબ વરસોથી તદન બિનઉપયોગી અને પડતર બનેલા કાલી તળાવમાં કેટલાક લોકોએ દબાણ કર્યા છે. કેટલાક રહીશોએ ઘરને કાલીતળાવમાં પણ લંબાવી દીધાની જાણકારી છે.