2 February 2017

કિન્નરો માટે કબ્રસ્તાનની જગ્યા માટે માંગ

નવસારીમાં રહેતા કિન્નરોએ આજે નવસારી જિલ્લા કલેક્ટરને ઉલ્લેખીને આરડીસી કે.એસ.વસાવાને આવેદનપત્ર પાઠવી તેમના સમાજમાં દેવલોક પામતા કિન્નરોની અંતિમક્રિયા માટે કબ્રસ્તાનની જગ્યા ફાળવી આપવા અનુરોધ કર્યો છે.


નવસારીમાં અંદાજીત 50થી વધુ કિન્નરો (વ્યંઢળ) વસવાટ કરે છે.પરંતુ તેમના માટે આજદિન સુધી કબ્રસ્તાન માટેની જગ્યા ફાળવવા અંગે સરકાર દ્વારા કે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાયો નથી.જિલ્લામાં કિન્નરોની મોટી સંખ્યા છે.કિન્નર સમાજમાં પણ દરેક પ્રકારનાં ધાર્મિક પ્રસંગો તથા અશુભ પ્રસંગો બનતા રહ્યાં છે.અમુક કિસ્સામાં કિન્નરનાં મૃત્યુ બાદ તેના સ્વજનો મૃતદેહને લઇ જતા હોય છે.પરંતુ કેટલાક કિસ્સામાં આવુ બનતું નથી.એ સમયે મૃત કિન્નર દફનવિધી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પરંપરા મુજબ કિન્નરનાં મૃત દેહને દફનાવવામાં આવે છે. દફનાવાની પરંપરા મહાભારતનાં અર્વાચીનયુગથી ચાલી આવેલી છે. નવસારી જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં મોટી સંખ્યામાં કિન્નરોની વસ્તી આવેલી છે.પરંતુ તેમના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા માટે કોઇ કબ્રસ્તાનની જગ્યા ફાળવાઇ નથી.જેથી કિન્નરોએ નવસારી જિલ્લામાં દફનવિધી માટે જગ્યા ફાળવવામાં આવે તે માટેની જિલ્લા કલેક્ટર રવિ કુમાર અરોરાને ઉલ્લેખીને એડવોકેટ અને સામાજિ કાર્યકર પ્રદિપ ગડઅંકુશની આગેવાનીમાં આરડીસી કે.એસ.વસાવાને આવેદન પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.