23 January 2017

રિંગરોડને આડે આવતા મકાનોનું ડિમોલિશન

નવસારી નગરપાલિકા દ્વારા અવારનવાર ગેરકાયદે મકાનમાંથી ખસી જવાની અને તેમને ફાળવાયેલા મકાનમાં વસવાટ કરવાની સૂચના આપવા છતાં મકાન ખાલી નહીં કરનારાઓ સામે નવસારી પાલિકા તંત્રએ લાલ આંખ કરી હતી. રિંગરોડની વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી આડખીલીરૂપ બનેલા અંદાજિત ત્રીસેક જેટલા મકાનો પર પાલિકાના વહીવટી અધિકારીઓએ જેસીબી ફેરવી દીધુ હતું. નવસારી પાલિકામાં મહત્વપૂર્ણ મનાતા રિંગરોડ પ્રોજેકટને શરૂ કર્યાને વર્ષો વિતવા છતાં તે આજદિન સુધી પૂર્ણ કરી શકાયો નથી. પ્રથમ ફેસમાં પાલિકા દ્વારા વિરાવળ જકાતનાકાથી ભેંસતખાડા અને ત્યાથી ઈસ્લામપુરા થઈ જૂનાથાણા સુધીનો રોડ બનાવવાનું નક્કી થયું હતું. જેમં અંદાજિત 800 મીટર જેટલો વિરાવળ જકાતનાકાથી ભેંસતખાડા સુધીનો રિંગરોડ બનાવી દેવાયો છે.


નવસારીના રૂસ્તવાડી વિસ્તારમાં સૂચના આપવા છતાં મકાન ખાલી કરાયા ન હતા
બીજા ફેસમાં પ્રકાશ ટોકિઝથી રૂસ્તમવાડી થઈ વિરાવળ સુધીનો રિંગરોડનું કામ આગળ વધારવાનું હતું પરંતુ રૂસ્તમવાડીમાં મકાનો વચ્ચે આવતા હોવાથી પાલિકા દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી. એ પછી ગેરકાયદે વસવાટ કરતા મકાનધારકોને મકાન ખાલી કરી જવા સૂચના આપવામા આવી હતી. જેમાં 50થી વધુ પરિવારના લોકોએ ગેરકાયદે મકાન છોડી દીધા હતા અને પાલિકા દ્વારા તૈયાર કરાયેલી વસાહતમાં રહેવા ચાલ્યા ગયા હતા. જેમાથી 30 જેટલા મકાનોમાં રહેતા લોકોએ આજસુધી ગેરકાયદે મકાન છોડ્યું ન હતું. જેથી તેમને પહેલા સૂચના આપવામાં આવી હતી છતં તેઓ ગેરકાયદે મકાનમાંથી નહીં ખસતા આજે નવસારી પાલિકાના વહીવટીતંત્રએ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દીધુ હતું. આ ઘટનાને કારણે ગેરકાયદે વસવાટ કરનારાઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો અને પાલિકાની આ કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો.

મકાન ફાળવાય તો અહિંસક આંદોલનની ચીમકી
નવસારીના જાણીતા એડવોકેટ વિરેન્દ્રભાઈ દેસાઈ, તેમના સહયોગી રોહિતભાઈ રાઠોડે નવસારી પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી જે સરકારી આવાસો બનાવાયા હતા તેમાં પૂરતી સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત જેમનું સરકારી આવાસમાં મકાન ફાળવાયું નથી હાલ ખાનગી જમીન પર વસવાટ કરે છે તે દબાણ દૂર ન કરવાનું નક્કી કરાયું હતું, જેથી તેઓને તાત્કાલિક મકાન મળવા જોઇએ. જો તેમ નહીં થાય તો અહિંસક આંદોલનની ચીમકી આપી છે.

રિંગરોડ પ્રોજેકટ 8 કરોડમાં પૂર્ણ થશે
પાલિકાનો રિંગરોડ 8 કરોડના ખર્ચે તૈયાર કરાશે તેમાં 3 કરોડનું કામ થઈ ચૂક્યું છે.  ગેરકાયદે વસવાટ કરનારાઓને સૂચના આપી હતી છતાં  દબાણ દૂર નહીં કરાતા કાર્યવાહી કરી છે.  તેમને અગાઉથી તૈયાર  મકાનો ફાળવાતા ઘરવિહોણા થવાનો પ્રશ્ન જ નથી.
- રાજુ ગુપ્તા, એન્જિનિયર, નવસારી પાલિકા