21 January 2017

નવસારી નગરપાલિકામાં વિકાસનાં કામોમાં ભેદભાવ, વિપક્ષના આક્ષેપ સામે શાસકોનો પ્રહાર

નવસારી નગરપાલિકામાં વિકાસના કામો કરવામાં શાસકો ભેદભાવ રાખતા હોવાનો ખુલ્લો આક્ષેપ વિપક્ષે આજે ગુરૂવારે મળેલી પાલિકાની સામાન્ય સભામાં કર્યો છે.


વધારાના 47 કામો સભા ટાણે જ લવાયા
નવસારી પાલિકાની સામાન્ય સભા ગુરૂવારે પ્રમુખ અલકાબેન દેસાઈના પ્રમુખસ્થાને મળી હતી. સભામાં એજન્ડા ઉપર 43 કામો જ હતા પરંતુ વધારાના 47 કામો સભા ટાણે જ લવાયા હતા. વધારાના મોટાભાગના કામો પબ્લિક વર્કસ કમિટીના હતા. પ.વ. કમિટીના કામો અગાઉ રેગ્યુલર એજન્ડા ઉપર ન લાવી છેલ્લા સમયે વધારાના કામો તરીકે જ લાવવામાં આવ્યા તે બાબતે વિપક્ષે ટીકા કરી હતી.

વિપક્ષ દ્વારા શાસકો ભેદભાવ રાખવાનો આક્ષેપ
વિપક્ષી સભ્ય પિયુષ ઢીમ્મરે બાંધકામ કમિટીના તથા અન્ય કમિટીના કામો કરવામાં શાસકો ભેદભાવ રાખતા હોવાનું જણાવ્યું હતું. ઢીમ્મરે કહ્યું તેમના વિસ્તારના કામો ટુકડો ફેંકતા હોય તે રીતે કરાય છે. મારી સાથે તો રીતસર ભેદભાવ રાખી મારી સોપારી આપી હોય તે રીતે વર્તન કરે છે. વિપક્ષી સભ્ય હેમાબેન રાઠોડે પણ તેમના વિસ્તારના કામો કરવામાં ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ સભામાં કર્યો હતો. વિપક્ષી મેહુલ ટેલરે તેમના વિસ્તારમાં એલઈડી લાઈટ નાંખવામાં વિલંબ કરાતો હોવાની વાત કરી હતી.

સભામાં વિપક્ષે વિરોધ કર્યો
જવાબ આપતા પબ્લિક વર્કસ કમિટીના ચેરમેન જયંતિ ગોપાણીએ જણાવ્યું કે વિકાસના કામોમાં ભેદભાવ કરાતો નથી. એજન્ડા જોઈ લો. પિયુષ ઢીમ્મરને સસ્તી પ્રસિદ્ધિ જોઈએ છે સોપારીનો સવાલ જ નથી. સભામાં છેલ્લા સમયે 47 વધારાના કામો લેવામાં આવતા વિપક્ષે વિરોધ કર્યો હતો. સભા દરમિયાન રોટરી હોસ્પિટલ સામેના ચોગાનમાં બ્લોકપેવિંગ કરવાના કામ, પાર્કિંગ પ્લોટની જગ્યા ખેડૂત બજાર માટે આપવાનું કામ, ગરીબ લાભાર્થીઓેન આવાસ ફાળવવાનું કામ, પાણીનો પ્રશ્ન, લાઈટના પ્રશ્ન સહિત કામો સંદર્ભે ચર્ચા કરી હતી.

ફિક્સ પગારદારોનો પ્રશ્ન મુલતવી
બુધવારે રાજ્ય સરકારે સરકારના ફિક્સ પગારદારોના પગારમાં વધારાની જાહેરાત કરતા ગુરૂવારે મળનારી પાલિકાની સભામાં પાલિકાના ફિક્સ પગારદારોનો પ્રશ્ન ચર્ચાવાની તથા નિર્ણય લેવાની શક્યતા હતી. જોકે કર્મચારીઓને ઉચ્ચક સહાય ચૂકવવાનું કામ મુલતવી રાખવાની સાથે પાલિકાના ફિક્સ પગારદારોને પ્રશ્ને ચર્ચા હાથ ધરાઈ ન હતી.  વિપક્ષી ધવલ દેસાઈએ  ફિક્સ પગારદારોનો પ્રશ્ન ઉઠાવતા શાસકોને મુલતવી રખાયાનું જણાવી કામ ઉડાડી મુક્યું હતું.

કબીલપોરનો કચરો નવસારીની ડમ્પિંગ સાઈડ પર
નવસારી પાલિકાની સભામાં કચરાનો મુદ્દો પણ ઉછળ્યો હતો. વિપક્ષી સભ્ય પિયુષ ઢીમ્મરે વાહન નંબરનો ઉલ્લેખ કરી કબીલપોરનો કચરો નવસારીની કચરાની સાઈડ ઉપર નંખાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે શાસકોએ આ મુદ્દો એજન્ડા ઉપર નહીં હોવાનું કહી ઉડાડી દીધો હતો. સાથોસાથ રૂટિન કચરામાં મેડિકલ વેસ્ટ નાંખવામાં આવતો હોવાની રજૂઆત વિપક્ષી સભ્ય મેહુલ ટેલરે કરી હતી.

Source: Divyabhaskar