13 January 2017

પાલિકા એક્ઝિક્યુટીવ ચેરમેન પાસે ખંડણી માંગનાર બેની ધરપકડ

નવસારી નગરપાલિકાના એક્ઝિક્યુટીવ ચેરમેન અને શહેરના જાણીતા ઉદ્યોગપતિ પ્રેમચંદ લાલવાણીને ફોન પર ધમકી આપી ખંડણી માંગનારા સહિત બેને નવસારી એલસીબીએ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવસારીમાં સિંધી કેમ્પ વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ પ્રેમચંદ લાલવાણીને ફોન પર ધમકી આપી રૂ. 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.આ ધમકીને પગલે પ્રેમચંદ લાલવાણીએ પોલીસનો સહારો લીધો હતો.


ધમકી આપી રૂ. 1 કરોડની ખંડણી માંગી હતી
આ ઘટના અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા એલસીબી પીઆઈ ડી.એન. પટેલ તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન પોલીસે આ ખંડણી અને ધમકી આપનારા ભરૂચનો સઈદ મુસ્તાક પટેલ (ઉ.વ. 24) હોવાનું માલુમ પડતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો અને 16મી તારીખ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન તેણે કબીલપોરના યજ્ઞેશ મૈસુરીયા નામના શખ્સે આ નંબર આપ્યાની હકીકત જણાવતા પોલીસે યજ્ઞેશની પણ અટક કરી હતી અને આ ગુનામાં અન્ય કોઈકની સંડોવણી છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.  આરોપી ભાજપનો કાર્યકર હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

Source: Divyabhaskar