22 January 2017

કરોડોનું ફુલેકું ફેરવનાર માઇક્રો ફાઇનાન્સનો મેનેજર ઝડપાયો

નવસારીમાં બે વર્ષ અગાઉ ૩.૫૮ કરોડ રૃપિયાનું ફુલેકુ ફેરવી બંધ થયેલી માઇક્રો ફાઇનાન્સ કંપનીની નવસારી શાખાના નાસતા ફરતા મેનેજરને નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે વિજલપોરના તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડી નવસારી ટાઉન પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બે વર્ષ અગાઉ ગત ૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ નવસારીના લાયબ્રેરી સ્થિત આનંદ કોમ્પલેક્ષમાં પાંચ વર્ષથી ચાલતી મુળ ઓરિસ્સાના ભુવનેશ્વરની માઇક્રો ફાઇનાન્સ કંપનીને તેના ૮ ડિરેક્ટરો અને મેનેજરે અચાનક કરોડો રૃપિયાનું ફુલેકુ ફેરવી ઓફિસને તાળુ મારી ગાયબ થયા હતા. માઇક્રો ફાઇનાન્સના ૧૦૦ એજન્ટો અને તેમના ગ્રાહકોને ઘટનાની જાણ થતા તેમણે તત્કાલિન જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી અને સમગ્ર પ્રકરણની તપાસ નવસારી એલ.સી.બી. પોલીસને સોંપવામાં આવી હતી.

જેમાં પોલીસે નવસારીના વાંદરી મોહલ્લામાં રહેતા જીગ્નેશકુમાર પરીખની ફરિયાના આધારે માઇક્રો ફાઇનાન્સ કંપનીની સચીન બ્રાન્ચની સબ બ્રાન્ચ એવી નવસારીના આનંદ કોમ્પલેક્ષના મેનેજર પ્રફુલચંદ્ર મદનમોહન બારીક સહિત કંપનીના ચેરમેન દુર્ગાપ્રસાદ મિશ્રા તેમજ ડિરેક્ટરો ઉપેન્દ્રનાથ મિશ્રા, અશોકકુમાર પટનાયક, બૈંકુથનાથ પટનાયક, રમેશચંદ્ર બિશ્વાલ, બનાજ પટનાયક, ઇરા મિશ્રા અને કાલિપ્રસાદ મિશ્રા વિરૃદ્ધ છેતરપીંડી અને ધ પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની સક્યુલેશન સ્કીમ બાર્નીંગ એક્ટ ૧૯૭૮ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેની તપાસ દરમિયાન પોલીસને માઇક્રો ફાઇનાન્સ કંપની દ્વારા નવસારીમાં જ ૩,૫૮,૩૮,૬૦૦ રૃપિયા ઉઘરાવી ફરાર થયાનું સામે આવ્યુ હતુ. સાથે જ કંપનીની સચીન સહિત સુરતમાં પણ અન્યત્ર બે-ત્રણ બ્રાંચો હોવાનુ અને સુરતમાં જ ઝોનલ ઓફિસ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ ગુનામાં પોેલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી. જોકે બાકીના ૮ આરોપીઓ વોન્ટેડ હતા. જેમાંથી નવસારીની માઇક્રો ફાઇનાન્સ શાખાનો મેનેજર પ્રફુલચંદ્ર બારીક હાલ નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરની સુરભિ સોસાયટીમાં તેના ઘરે આવ્યો હોવાની નવસારી એલ.સી.બી. પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતા પોલીસે તેના ઘરે જઇ તપાસ હાથ ધરી હતી.

જેમાં આરોપી મેનેજર પ્રફુલચંદ્ર બારીક પોલીસને હાથે ઝડપાઇ જતા પોલીસે તેની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરી નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો.  આ પ્રકરણમાં નવસારી ટાઉનના પી.એસ.આઇ. બી. પી. રજીયાએ આગળની તપાસ હાથ ધરી આરોપી પ્રફુલચંદ્રને નવસારી કોર્ટ સમક્ષ હાજર કરી એક દિવસના રિમાંડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમ્યાન વધુ શુ વિગતો મળે છે તેના પર આગળની તપાસનો આધાર રહેશે