22 January 2017

મોઢ ગાંધી સમાજનો વિદ્યાભ્યાસ પુરસ્કાર પ્રદાન સમારોહ

શ્રી નવસારી મોઢ ગાંધી યુવક અને મહિલા મંડળ દ્વારા સંયુક્ત રીતે નવસારીના ચોરા માટે આગામી ૨૨મીના રોજ ટાટા હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઇ અને ગુજરાતી મોઢ મોદી સમાજના પ્રમુખ સોમાભાઇ દામોદરદાસ મોદીની ખાસ ઉપસ્થિતિમાં ૮૬મો વિદ્યાભ્યાસ પ્રોત્સાહિત પુરસ્કાર પ્રદાન સમારંભ ઉજવવામાં આવશે.

જેમાં નવસારી ચોરામાં આવતા સમાજના જરૃરિયાતમંદો માટે દાતાઓના સહયોગથી માસિક અન્ન સહાય યોજનાનું પણ મહાનુભાવોના હસ્તે સમાજ લોકાર્પણ કરાશે. જ્યારે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવશે.  ગુરુવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમાજના આગેવાનોએ નવસારી ચોરાની સ્થાપના તેમજ તેમાં આવતા વિવિધ મંડળો અને તેની કામગીરી વિશેની માહિતી આપી હતી. સાથે જ વર્ષ ૧૯૩૧ થી કાર્યરત શ્રી નવસારી મોઢ ગાંંધી યુવક મંડળની કામગીરી પણ વર્ણવી હતી.

સમાજના પ્રમુખ ગિરીશભાઇએ જણાવ્યું હતું કે શ્રી નવસારી મોઢ ગાંધી યુવક અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ૨૨મીએ રવિવારે ૮૬મો વિદ્યાભ્યાસ પ્રોત્સાહન પુરસ્કાર પ્રદાન સમારંભ યોજવામાં આવ્યો છે. જેમાં સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ સમાજનો સૌથી અમુલ્ય સ્વ.શ્રી નાનુભાઇ પ્રેમાભાઇ ગાંધી સમાજ રત્ન એવોર્ડ ચેતનાબેન નરેન્દ્વકુમાર બિરલાને અને શાંતાબેન એવોર્ડ શ્રીમતિ રૃખમણિબેન ઠાકોરભાઇ ગાંધીને એનાયત કરવામાં આવશે.

સમારંભના પ્રમુખપદે અમેરિકાના વર્જનિયા નિવાસી ઠાકોરભાઇ નગીનદાસ ગાંધી, મુખ્ય મહેમાનપદે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઇ સોમાભાઇ દામોદરભાઇ મોદી, મુખ્ય અતિથિવિશેષપદે દક્ષિણ ગુુજરાત શહેરના ૮૦ પ્રમુખો, માનદ્મંત્રીઓ, પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સમાજના ઠાકોરભાઇ નગીનદાસ ગાંધીનાં દાનથી આર્થિક નિરાધાર અન્ન સહાય યોજનાનું વિધિવત સમાજ લોકાર્પણ કરાશે. સાથે જ સુરતના રણજી ક્રિકેટર ચિરાગ ગાંધી, સંસ્થાના માજી પ્રમુખોે,નવસારીના ૧૭ ડોક્ટરો અને કૈલાસ માન સરોવરની યાત્રા કરનારા ૨ યાત્રાળુઓને મહાનુભવોના હસ્તે સન્માનવામાં આવશે.