27 January 2017

પાલિકા કચેરીમાં ગંદા પાણી મામલે હોબાળો


નવસારી શહેરના વોર્ડ નં. 10 અને 4ના મુસ્લિમ વિસ્તારોમાં અપૂરતુ અને ગંદુ પાણી આપવાને મામલે બુધવારે રહીશોએ પાલિકામાં મોરચો લઈ જઈ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નં. 10માં પાલિકા દ્વારા અપાતું પાણી ડહોળુ, ગંદુ આવવાની સાથે અપૂરતુ આવવાની ફરિયાદ છે.

પાલિકામાં વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી
પાણીની મુશ્કેલીથી ત્રસ્ત થયેલા આ વિસ્તારના લોકો ઉપરાંત વોર્ડ નં. 4ના મોઠવાડના લોકોનો એક મોરચો બુધવારે પાલિકા કચેરીએ પહોંચ્યો હતો.  મોરચો પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો.  સ્થાનિકોનું કહેવું હતું કે પાણી માંડ 40-45 મિનિટ આવે છે તેમાં 20 મિનિટ તો ડહોળુ અને ગંદુ પાણી આવે છે, બાકીની 20 મિનિટ ઓછા ફોર્સથી પાણી આવે છે જે અત્યંત અપૂરતું છે.

નેતાઓ વચ્ચે શાબ્દિક તડાફડી
પાણીના મામલે ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ તડાફડી થઈ હતી. વિપક્ષી સભ્ય ઈકબાલ ઉસ્માનીએ તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા હલ ન કરવા બાબતે શાસકો સામે આક્ષેપો મુક્યા હતા તો સામે પક્ષે પ્રમુખ અલકાબેને ઈકબાલ ઉસ્માની તથા લોકો અભદ્ર ભાષામાં રજૂઆતો કરતા હોવાનું જણાવ્યું હતુ. પ્રમુખ અને ઉસ્માની વચ્ચે શાબ્દિક તડાફડી થઇ હતી.

વોર્ડ નં 10માં વરસો જૂનો પાણીનો પ્રશ્ન
નવસારીના વોર્ડ નં. 10ના કેટલાક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વરસો જૂનો છે. ભૂતકાળમાં લોકોનો મોરચો પાણીના પ્રશ્ને અનેક વખત પાલિકા કચેરીએ આવ્યો હતો. આ વિસ્તારના કોર્પોરેટરોએ પણ ઢગલાબંધ વખત રજૂઆતો પાલિકા કચેરીએ કરી હતી પરંતુ નગરપાલિકા તંત્રએ અહીંની સમસ્યાનો કામચલાઉ હલ જ લાવ્યો હતો.