10 January 2017

નવસારીમાં 28માંં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી શરૂ

નવસારીમાં 28માંં માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પોલીસ તથા આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાફિક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવીને ટ્રાફિક અવેરનેસ લાવવાનો પ્રયાસ કરાશે.


નવસારીમાં 9મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી દરમિયાન 28મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે નવસારી જિલ્લા પોલીસવડા એમ.એસ. ભરાડા, આરટીઓ અધિકારી પરમાર સહિત નિવાસી કલેકટર વસાવા સહિત અધિકારીઓની હાજરીમાં લુન્સીકૂઈ ખાતે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યોછે. છેલ્લા ઘણાં વર્ષોથી નવસારીમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. સાથે લોકોને ટ્રાફિક નિયમન પ્રત્યે જાગૃતિના અભાવને કારણે પણ નવસારીમાં ટ્રાફિક એક મોટુ દુષણ તરીકે આગળ ધપી રહ્યું છે.

એવા સંજોગોમાં વિદ્યાર્થીકાળથી ટ્રાફિક અવેરનેસ આવે તે માટેનું જિલ્લા પોલીસ અને આરટીઓ કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી સપ્તાહમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવીને કરાશે. ફિલ્મ થકી બાળકોને જાગૃત કરાશે. કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે જિલ્લા પોલીસવડા એમ.એસ. ભરાડાએ લોકોમાં ટ્રાફિક સંદર્ભે જાગૃતિ દાખવવા અનુરોધ કર્યો હતો. નવસારીના ટ્રાફિકના ભારણથી મુક્ત કરવા તમામ લોકોનો સહકાર મળે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. શહેરના મુખ્ય રાજમાર્ગો પર બેનરો સાથે એસપીસી કેડેટો, હોમગાર્ડ, વિદ્યાર્થીઓ, એસટી સ્ટાફ, આરટીઓ સ્ટાફના માણસોએ રેલી કાઢી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

10મીએ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવાશે. ઉપરાંત જીએસપીસી દ્વારા વાહનચાલકોને માર્ગ સલામતી અંગેની જાણકારી આપશે. 11મીએ વાહનચાલકોના આંખની ચકાસણી કરાશે, વધુમાં 12મીએ એસટી ડેપોના ડ્રાઈવર-કંડકટરો અને ઓટોરિક્ષાચાલકનો અવેરનેસ સેમિનાર, 13મીએ 108ના સ્ટાફના સહયોગથી વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર તાલીમ તથા વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. 14મીએ ઉત્તરાયણના દિને માર્ગ સલામતી જાગૃતિના સ્ટોલ, પેમ્ફલેટનું વિતરણ, ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારને સૂચના અને 15મીએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.

Source: Divyabhaskar