26 January 2017

રેલવે કોરિડોર માટે જગ્યા ખુલ્લી કરાવાઇ


રેલવેના ફ્રેઈટ કોરિડોર માટે નવસારી પંથકમાં રેલવે તંત્ર પૂરજોશમાં જગ્યા ખુલ્લી કરાવી રહ્યું છે. હાલ રેલવે ટ્રેક નજીકના વૃક્ષો દૂર કરવામાં આવી રહ્યા છે.

મુંબઈથી અમદાવાદ વચ્ચે બે નવી રેલવે ટ્રેકનો ફ્રેઈડ કોરિડોર બનાવવાની યોજના છે. નવસારી જિલ્લામાંથી પણ ફ્રેઈડ કોરિડોર પસાર થનાર છે. જે અંતર્ગત જિલ્લામાં હાલની રેલવે ટ્રેકની પૂર્વ બાજુ ટ્રેકને લગોલગ આવેલી ખાનગી જમીન સંપાદન કરવામાં આવી રહી છે. સંપાદનની કાર્યવાહી અંતર્ગત વળતર ચૂકવાઈ રહ્યું છે તથા સંપાદન કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. કોરિડોર યોજના અંતર્ગત નવસારી રેલવે સ્ટેશનનો સિનોરીયો પણ બદલાયો છે અને રિઝર્વેશન સેન્ટર, પાર્કિંગની નવી જગ્યા બનાવાઈ છે. ફ્રેઈટ કોરિડોર અંતર્ગત હાલ પૂરજોશમાં કોરિડોર માટે જરૂરી જગ્યા ખુલ્લી કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે.

ફ્રેઈટ કોરિડોરની જગ્યાએ નવસારીમાં અનેક વૃક્ષો ઉભા થયેલા છે. વૃક્ષોને દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. હાલ વિજલપોર ફાટક, નવસારી સ્ટેશન નજીક તથા અમલસાડ પંથકમાં પણ નડતરરૂપ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા. અમલસાડ પંથકમાં કોક્રિંટ સ્ટ્રકચરો પણ દૂર કરાયાની જાણકારી છે. વૃક્ષ વગેરે દૂર કરવાની સાથે પુરાણની કામગીરીનું આયોજન પણ થયું છે. કામગીરીઓ નવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર માટે જગ્યા ખુલ્લી કરાવવા અંતર્ગત થઈ રહી છે.

રેલવેના સિનિયર સેકશન ઈજનેર કચેરીના અધિકારી કે.કે. બિન્દએ જણાવ્યું કે ડીએફસીસી અંતર્ગત બે નવા રેલવે ટ્રેક નવસારી જિલ્લામાં પણ નંખાનાર છે. નવા ટ્રેક માટે વૃક્ષોથી માંડી અન્ય નડતરરૂપ સ્ટ્રકચરો તોડી જગ્યા ખુલ્લી કરાવાઈ રહી છે. અમલસાડ ઉપરાંત નવસારીમાં પણ વૃક્ષો દૂર કરાઈ રહ્યા છે.

રેલવે ઓવરબ્રિજના કામ વિલંબમાં 
રેલવેનાફ્રેઈટ કોરિડોર માટે બે નવા ટ્રેકો બનતા કુલ ચાર ટ્રેકો થઈ જશે. જેને લઈને ટ્રેનોની આવૃત્તિ ખુબ વધી જતા ફાટકો ખોલવી લગભગ અશક્ય બનશે. ફાટકોને દૂર કરી તેની ઉપરથી ફલાયઓવર બનાવવાની યોજના છે. નવસારી પંથકમાં પણ અનેક ફલાયઓવર બનનાર છે. જેને માટેની કામગીરી ઘણાં સમયથી ચાલી રહી છે. નાણાં પણ સરકારે ફાળવ્યા છે. જોકે એક યા બીજા કારણે ઓવરબ્રિજોની બાંધકામ કામગીરી સ્થળ ઉપર હજુ શરૂ કરી શકાઈ નથી.

અગાઉ ઝૂંપડપટ્ટી દૂર કરાઈ હતી 
રેલવેનાફ્રેઈટ કોરિડોર માટે જગ્યા ખુલ્લી કરાવવાની કામગીરીએ હવે જોર પકડ્યું છે. નવસારી રેલવે સ્ટેશનની ઉત્તર-પૂર્વ બાજુએ રેલવેની હદમાં મોટી ઝૂંપડપટ્ટી આવેલી હતી. સમગ્ર ઝૂંપડપટ્ટી રેલવે કોરિડોરના બે નવા ટ્રેક નાંખવા માટે નડતરરૂપ હતી. જેથી રેલવે તંત્રએ આજથી ચાર-પાંચ માસ અગાઉ બુલડોઝર ફેરવી ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન કર્યું હતું.