12 January 2017

નવસારી પાલિકાના એક્ઝિક્યુટીવ સમિતી ચેરમેન પાસે ખંડણી મંગાઇ

નવસારી ભાજપના અગ્રણી અને બિલ્ડર, ઉદ્યોગપતિ પ્રેમચંદ લાલવાણી પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માગતા નનામો ફોન આવતા ચકચાર મચી ગઈ છે. પ્રેમચંદ પ્રભોમલ લાલવાણી શહેરના જાણીતા ઉદ્યોગપતિ, બિલ્ડર છે. તેઓ ભાજપના શહેર પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ પણ નવસારી પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન પણ છે. તેઓ શહેરની ટોચની ડિવાઈન પબ્લિક સ્કૂલના પણ ચેરમેન છે. લાલવાણી તા. 2 જાન્યુઆરીએ ડિવાઈન સ્કૂલમાં બેઠા હતા ત્યારે બપોરે 4 કલાકે એક અજાણ્યા મોબાઈલ નંબર 0000277738018174 ઉપરથી ફોન આવ્યો હતો.

પ્રેમચંદ લાલવાણી રાજકરણી,  ઉદ્યોગપતિ અને શાળાના ચેરમેન


આ ઉપરથી બોલનારે જણાવ્યુ કે ફોન મત કટ કરના મેં સુલતાન બોલ રહા હું, આપને નરેન્દ્ર મોદી કે રાજમે બહોત પૈસા કમાયા હૈ. મેરા આદમી આયેગા ઉસે એક ખોખા (રૂ. 1 કરોડ) દે દેના! વધુમાં એમ પણ જણાવ્યું હતું કે તુમ મેરા ફોન રેકર્ડિંગ કરને કી કોશિષ કર રહે હો લેકિન કોશિષ મત કરના, વરના ઠોક ડાલુગાં આટલું કહી ફોન મુકી દીધો હતો. આજ દિવસે એટલે કે બીજી તારીખે જ પ્રેમભાઈ ઘરે હતા ત્યારે રાત્રિના 9.55 કલાકે પુન: એક બીજા મોબાઈલ નંબર 91 87672 47539 ઉપરથી પણ ફોન આવ્યો હતો.

ફોન ઉપરથી જણાવેલ કે ભાઈ કા આદમી બોલ રહા હું, વો ઈંતજામ હુ આ આટલું કહેતા ફોન કટ થઈ ગયો અને પુન: બે ત્રણ મિનિટમાં જ ફરીથી આજ નંબર ઉપરથી ફોન આવ્યો અને જણાવ્યું કે ભાઈ કા આદમી બોલ રહા હું ત્યારબાદ ગાળાગાળી કરી ધમકી આપી હતી કે પૈસો કા ઈંતજામ કિયા કે નહીં, ઠોક દુગાં આ વાતચીતમાં લાલવાણીએ જણાવ્યું કે લોકેશન દો કહાં પહોંચાને કા હૈ તો સામેથી જણાવાયું કે લોકેશન બતાતા હું, પૈસો કા ઈંતજામ રખના તેમ જણાવી ગાળ આપી ફોન મુકી દીધો હતો! આ ફોન ઉપરની સમગ્ર વાતચીત સંદર્ભે મંગાયેલ ખંડણી તથા અપાયેલી ધમકી બાબતે લાલવાણીએ પોલીસમાં ફરિયાદ આપી છે. 2મી જાન્યુઆરીએ રાત્રે આવેલા નનામા ફોન બાદ પુન: લાલવાણી ઉપર ખંડણી સંદર્ભે કોઈ જ ફોન આવ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ફરિયાદ સંદર્ભે નવસારી એલસીબી પીઆઈ ડી.એમ. પટેલે તપાસ હાથ ધરી છે. પ્રેમચંદ લાલવાણી પાસે ખંડણી મંગાયાની વાત બહાર આવતા નવસારીમાં ચકચાર મચી ગઈ છે !

નવસારી પોલીસ કહે હાલ નો કોમેન્ટ
પ્રેમચંદ લાલવાણી પાસે ખંડણી માંગવાની ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. બે વખત ફોન આવ્યા હતા. તેમાં એક ફોન વિદેશથી આવ્યાનું જણાય છે અને બીજો ભારતમાંથી જ થયો છે ત્યારે આ ફોન કરનાર અલગ અલગ વ્યક્તિ હોવાની વાત બળવત્તર બની છે. જોકે આ ફોન કરનારનો હેતુ શું છે ? 2જી જાન્યુઆરી બાદ પુન: ફોન કેમ ન કર્યા ? ફોન કરનાર ટીખળખોર છે કે સાચા ખંડણીબાજ ? ફોન કરનાર ધંધાકીય હરિફ યા રાજકીય પ્રતિસ્પર્ધી તો નથી ને ? જેવા અનેક સવાલો ઉભા થયા છે. જોકે આ બાબતે તપાસ અધિકારી પીઆઈ ડી.એમ. પટેલ મામલો ગંભીર હોય હાલ નો કોમેન્ટ કહી રહ્યા છે.

Source: Divyabhaskar