30 January 2017

રિઅલ એસ્ટેટમાં મંદી પરંતુ દસ્તાવેજોની સંખ્યામાં વધારો

નવસારીમાં દસ્તાવેજોની સંખ્યામાં સાધારણ વધારો થયો છે પરંતુ રીઅલ એસ્ટેટમાં મંદીની સ્થિતિ જારી રહી છે. 8મી નવેમ્બર 2017ના રોજ સરકારે રૂ. 500 અને 1000ની નોટ રદ કરવાની જાહેરાત કરી હતી. નોટબંધીનો સૌથી મોટો ફટકો નવસારી પંથકમાં રિઅલ એસ્ટેટના ધંધા ઉપર પડ્યો હતો. પ્રમાણમાં ઠીકઠાક ચાલી રહેલો આ ધંધો અચાનક જ ઠપ થઈ ગયો હતો. જમીન મિલકતના  ખરીદ વેચાણ ઉપર બ્રેક લાગી ગઈ હતી.રિઅલ એસ્ટેટનો ધંધો ઠપ થઈ જતા તેની સીધી અસર દસ્તાવેજોની કામગીરી ઉપર થઈ હતી.

નોટબંધી બાદ સૌથી મોટો ફટકો રિયલ એસ્ટેટને પડ્યો છે
નોટબંધીના અગાઉના ઓકટોબર 2016 માસમાં નવસારીમાં 885 દસ્તાવેજો સબરજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા, તો નોટબંધી બાદ તેમાં ભારે ઘટાડો થઈ નવેમ્બર 2016માં દસ્તાવેજોની સંખ્યા માત્ર 229 જ થઈ ગઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો માત્ર ચોથા ભાગના દસ્તાવેજો જ થયા હતા. એક મહિનો (નવેમ્બરમાં) દસ્તાવેજોની સંખ્યામાં ઓછી રહ્યાં બાદ ડિસેમ્બર 2016માં દસ્તાવેજોની સંખ્યામાં વધારો થયો છે. ડિસેમ્બરમાં 400 દસ્તાવેજો નવસારી કચેરીમાં નોંધાયા હતા. શું દસ્તાવેજોની સંખ્યા વધતા નવસારીમાં રિઅલ એસ્ટેટના વેપારમાં સુધારો થયો છે. મંદીની અસર ઓછી થઈ છે. આ વાત નવસારીમાં બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા માનવા તૈયાર નથી.

નવસારી બિલ્ડર એસો.ના ભરત સુખડિયાએ જણાવ્યું કે મારા મતે રિઅલ એસ્ટેટની કથળેલી સ્થિતિમાં ખાસ સુધારો જણાયો નથી. દસ્તાવેજોની સંખ્યામાં વધારો દેખાય છે એ જૂના સોદાના દસ્તાવેજ જંત્રી વધવાના ડરથી થઈ રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ નવસારીમાં રિઅલ એસ્ટેટનો ધંધો પડી ભાંગ્યો છે. શહેર તથા પંથકમાં બાંધકામો ધમધમતા હોવાની સ્થિતિ હતી, તે હવે રહી નથી. આગામી છ મહિના યા આગામી દિવાળી સુધી ખાસ નહીં સુધરે એવું તજજ્ઞો જણાવી રહ્યા છે.

મકાનોની કિંમત ઘટશે ?
નોટબંધીને કારણે રિઅલ એસ્ટેટમાં મંદી આવતા એવી ધારણા થઈ રહી હતી કે મકાનોના ભાવમાં ઘટાડો થશે લોકોને સસ્તુ ઘર મળી શકશે. જોકે બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કહે છે કે મકાનોના ભાવમાં ખાસ વધારો થયો નથી. આ અંગે જણાવાય છે કે પેટ્રોલ-ડીઝલ મોઘુ થયું છે. રેતીના ભાવમાં ભારે વધારો થયો છે. કન્સ્ટ્રકશન વ્યવસાય માટે જરૂરી મટિરિયલના ભાવમાં વધારો થતા મિલકતની કોસ્ટ વ્યવસાયકારો ઘટાડી શકે એવી સ્થિતિમાં જ નથી !