16 January 2017

100થી વધુ ઘાયલ પક્ષીને ઉગારાયા, જીવદયાપ્રેમીઓ કરી દોડધામ

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ રસિયાઓએ પતંગ ઉડાડવાનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો. બીજી તરફ પર્વને લઈ જીવદયાપ્રેમીઓ પક્ષીઓને બચાવવા દોડતા રહ્યા હતા.છેલ્લા ત્રણ દિવસમાં 100થી વધુ પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતા જીવદયાપ્રેમી સંસ્થાઓએ સારવાર આપી બચાવી લીધા હતા.


પતંગરસિયાઓ પતંગ લૂંટતા રહ્યા
ઉત્તરાયણ પર્વને કારણે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમાંય સવારે પવન ફૂંકાતા આ પતંગરસિકોની મજામાં અનેરો આનંદ છવાય ગયો હતો. વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ પતંગ ઉડાડવાની (ચગાવાની) મજા માણી હતી. મોડી સાંજ સુધી તેનો આનંદ પતંગરસિયાઓ લૂંટતા રહ્યા હતા. જોકે એક તરફ આ પતંગ રસિકો પતંગ ઉડાડવાનો આનંદ લૂંટી રહ્યા હતા તો બીજી તરફ આ પતંગના દોરાને કારણે કેટલાય અબોલ પક્ષીઓ માટે જીવનું જોખમ ઉભુ થઈ ગયું હતું. આકાશમાં પક્ષીઓ આ પતંગના દોરાને કારણે ઘાયલ થયા હતા.

ઘાયલ પક્ષીઓની સંખ્યા 100ને વટાવી
નવસારીની જ વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં આ પતંગના દોરાને કારણે ઈજાગ્રસ્ત-ઘાયલ થયેલા પક્ષીઓનો આંકડો 100થી વધુ છે. ઉત્તરાયણની પૂર્વસંધ્યાથી લઈ વાસી ઉત્તરાયણ સુધઈ પતંગ રસિયાઓએ પતંગ ચગાવાનો આનંદ લૂંટ્યો હતો. એ ત્રણ દિવસોમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા 100ને વટાવી ગઈ હતી. તેમાંય કેટલાક તો ગંભીર ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા.   ઈજાગ્રસ્ત પક્ષીઓની વહારે પાર્શ્વ ભક્તિ મંડળ નામની સંસ્થા આગળ આવી હતી. તેમણે 42થી વધુ કબૂતર, 2 બગલા, અને ઘુવડને સારવાર આપી તેમને બચાવી લીધા હતા.

પક્ષીઓને બચાવવા જાણ કરવા અનુરોધ કરાયો
આ સંસ્થા દ્વારા વિજલપોર શિવાજી ચોક અને નવસારીમાં સેન્ટ્રલ બેંક પાસે કેમ્પ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત 24 કલાક પક્ષીઓ માટેની સારવાર માટે તેમણે હેલ્પલાઈન નંબરની પણ અગાઉ જાહેરાત કરી હતી. જેમાં નિરવ શાહ (મો.નં. 94791 06707) અને જેનિશ શાહ (મો.નં. 94271 55842) ઉપર સંપર્ક સાધી ઘાયલ પક્ષીઓને બચાવવા જાણ કરવા અનુરોધ કરાયો હતો. જેના કારણે કોલ મળતા આ સંસ્થાના યુવાનોએ પક્ષીઓને બચાવવામાં સફળતા મળી હતી.


ડોકટરોની ટીમે પક્ષીઓની સારવાર કરી માનવતા મહેકાવી
આ ઉપરાંત જીવદયાપ્રેમીઓ જૈનમ મહેતા, બિપીન જોગાણી, શૈલેષ પટેલ દ્વારા કરૂણા મંડળ, વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારી, ફ્રેન્ડસ ઓફ નેચર, એનિમલ સેવિંગ ગ્રુપ, ફ્રેન્ડસ ઓફ એનિમલ તથા નવસારી વન વિભાગ સથવારે પક્ષીઓને પતંગના દોરાથી બચાવવાનુ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં 95 પક્ષીઓને કરૂણા અભિયાન 2017 અંતર્ગત બચાવી લેવાયા હતા.  આ સેવાકીય સંસ્થાઓ દ્વારા એક ઘરચકલી, 5 ઘુવડ, 5 પેઈન્ટેડ સ્ટ્રોક, 1 બગલો, 1 ચામાચિડીયુ, 82 જેટલા કબૂબર બચાવી લીધા હતા. નવસારી કૃષિ યુનિ.ની વેટરનરી ડિપાર્ટમેન્ટના ડોકટરોની ટીમે આ પક્ષીઓની સારવાર કરી માનવતા મહેકાવી હતી.

ગત વર્ષે 80થી વધુ પક્ષીઓ બચાવાયા હતા
નવસારીમાં ગત વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન વિવિધ સ્વૈચ્છિક અને જીવદયાપ્રેમી સંસ્થાઓ દ્વારા 80થી વધુ પક્ષીઓના જીવન બચાવી લેવાયા હતા. દર વર્ષે આ સંસ્થાઓ દ્વારા પતંગ ઉડાડવતી વખતે પક્ષીઓને હાનિ ન પહોંચે તે માટે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરે છે.

Source: Divyabhaskar