25 January 2017

આતંકવાદી ઘૂસ્યાનું કહી આધેડના છ લાખના દાગીનાની તફડંચી

નવસારીના દડંગવાડના ટકેરા પાસે એક આધેડને આજે સોમવારે બપોરે પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ ગઠિયાઓએ રોકીને આગળ આતંકવાદીઓ ઘુસ્યા હોવાનું જણાવી તેમની પાસેથી ૬ લાખ રૃપિયાના સોનાના દાગીના ભરેલી બેગ લઇ લીધી હતી. બાદમાં તેમને બેગ આપીને ઘટના સ્થળેથી રફુચક્કર થયા હતા. આધેડે થોડા આગળ જઇને બેગમાં તપાસતા દાગીના ગાયબ જણાતા પોતે છેતરાયા હોવાનું જણાતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ, પાંચહાટડી વિસ્તારમાં પાયલ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઇ મોહનલાલ કોહિલા (ઉ. વ. ૫૦) નેશનલ સેન્ટર ઓફ હોલમાર્કિગ એન્ડ ચેકિંંગ સેન્ટરમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. સાથે જ તેઓ કેટલાક જવેલર્સને ત્યાંથી સોનાના દાગીનાનો હોલમાર્ક ચેકિંગ કરવા દાગીના લાવી તેને પરત કરવાનું પણ કામ કરે છે. આજે સોમવારે સવારે યોગેશભાઇ રોજનીશી પ્રમાણે નાનાલાલ ચોકસી જવેલર્સને ત્યાંથી ૧૮૧.૫૦ ગ્રામના ૯ નંગ લુઝ અને એ.બી. જવેલર્સમાંથી ૫૩. ૬૮૦ ગ્રામના સોનાની રૃદ્રાક્ષની માળાના મણકા મળી કુલ ૬ લાખ રૃપિયા કિંમતના ૨૩૫.૧૮ ગ્રામના દાગીના લઇ પોતાની પટવા શેરી સ્થિત ઓફિસે જવા નિકળ્યા હતા. દરમિયાન બપોરે ૧૧:૩૦ વાગ્યાના સુમારે તેઓ દડંગવાડના ટેકરા પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે અચાનક તેમની પાસે બે અજાણ્યા ઇસમોએ પાછળથી આવી તેમને રોક્યા હતા અને જણાવ્યુ હતુ કે, તમે સાંભળતા કેમ નથી, અમે તમને કેટલી બુમો માર્યે છે, આગળ આતંકવાદીઓ ઘુસ્યા છે. જેથી તમારા બેગમાં જે પણ દાગીના છે, એ અમને આપી દો અમે પોલીસના માણસો છે. જેથી યોગેશભાઇએ તેમના પર વિશ્વાસ કરી બેગ આપવા તૈયારી દર્શાવી હતી. જેથી પાછળથી ત્રીજા ઇસમે આવી તેમના હાથમાંથી બેગ લઇ લીધી હતી અને તમે પોલીસ સ્ટેશન ચાલો એવુ કહ્યુ હતુ.  પરંતુ બાદમાં બેગ લઇ ગયેલા ઇસમે પરત ફરી તેમની બેગ તેમને આપીને ત્રણેય ગઠિયાઓ ત્યાંથી રફુચક્કર થયા હતા. જેથી બધુ થાળે પડયુ હોવાનુ જાણી યોગેશભાઇ પોતાની ઓફિસ તરફ વળ્યા હતા. પરંતુ થોડે આગળ ગયા બાદ તેમણે બેગ ખોલીને જોતા તેમાં દાગીના ગાયબ જણાતા તેમના હોશ ઉડી ગયા હતા. યોગેશભાઇ ફરીને પરત દડંગવાડના નાકા પર પહોંચ્યા પરંતુ તેમને નિરાશા જ મળી હતી. છેતરાયેલા યોગેશભાઇએ નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચી ત્રણ અજાણ્યા ગઠિયાઓ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એસ. આર. વળવીએ આગળની તપાસ હાથ ધરી છે.