13 January 2017

નવસારીના ટાટા હાઈસ્કૂલના આચાર્યને સાઈકલ સ્પર્ધામાં સિલ્વર મેડલ

વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા આયોજિત 50 કિ.મી.ની ઓપન સાયકલોથોન સ્પર્ધામાં નવસારીના ટાટા હાઈસ્કૂલના આચાર્ય બોમી જાગીરદારે સિલ્વર મેડલ મેળવી નવસારીને ગૌરવ અપાવ્યું છે.


વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા 50 કિ.મી.ની સાયકલોથોન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાત, અમદાવાદ, વડોદરા, સુરત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મુંબઈ સહિત વિસ્તારોમાંથી આશરે 250થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વલસાડ નજીકના ગુંદલાવ ચોકડીથી ખેરગામ-જામનપાડા, ખેરગામથી ફરી ગુંદલાવ ચોકડી સુધી સ્પર્ધા સંપન્ન થઈ હતી. 50 કિ.મી.ની સ્પર્ધામાં નવસારીના રમતવીર અને સાયકલિસ્ટ બોમી જાગીરદારને રોકડ ઈનામ, ટ્રોફી તથા મેડલ આપી સન્માન કરાયું હતું. બોમી જાગીરદાર 54 વર્ષની ઉંમરે પણ ઉત્સાહ અને સાહસિકતા દાખવી રોજ 50થી 60 કિ.મી. સાઈકલિંગ કરતા હોય છે. નવસારીના ડો. અજય મોદી તથા ડો. સ્નેહલ દેસાઈએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નવસારી સાઈકલિંગ એસોસિએશન, રમતપ્રેમીઓ અને શાળાના ટ્રસ્ટી મંડળ તથા સ્ટાફ મિત્રોએ બોમી જાગીરદારને અભિનંદન પાઠવ્યા છે. પ્રમુખ પરસી સુરતી, મંત્રી ડો. મયુર પટેલ, ડો. રૂસ્તમ સદરી તથા વિરાફ પીઠાવાલાએ બોમી જાગીરદારને પ્રોત્સાહન પુરુ પાડ્યું છે.

સિલ્વર મેડલ મેળવનાર ટાટા હાઈસ્કૂલના આચાર્ય બોમી જાગીરદાર.

Source: Divyabhaskar