4 February 2017

વિજલપોરનાં પાંચ તળાવોનું બ્યુટીફિકેશન થશે, પણ પાણી ક્યાંથી લાવવું એ પ્રશ્ન છે


વિજલપોર નગર પાલિકા દ્વારા શહેરમાં આવેલા તળાવોને સુંદર બનાવવા માટે કરોડો રૃપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. પરંતુ આ તળાવોમાંથી ફક્ત એક તળાવ જેમાં પાણી પુરવઠા યોજના કાર્યરત હોવાથી પાણીથી ભર્યુ રહે છે, જ્યારે શહેરના ચાર તળાવો ચોમાસા પર જ નિર્ભર છે. જેથી આ ચારેય તળાવોમાં પાણી ક્યાંથી લાવવુ એ પાલિકા માટે હાલ યક્ષ પ્રશ્ન બન્યો છે.

ગત વર્ષોમાં વિજલપોર પાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલા પાંચ તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અથવા બ્યુટીફિકેશન પાછળ કરોડો ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિજલપોર શહેરની અંદાજે ૧ લાખની વસ્તીને પાણી પુરૃ પાડવા માટે ચંદન તળાવમાં અંદાજે ૧૪ કરોડ રૃપિયાના ખર્ચે રાજ્યના જી.યુ.ડી.સી. દ્વારા યોજના તૈયાર કરવામાં આવી છે. જ્યારે શહેરની મારૃતી નગર પ્રાથમિક શાળા પાસે આવેલા બાબા ઇશિત તળાવના બ્યુટીફિકેશન માટે વર્ષ ૨૦૧૪-૧૫માં ૭૦ લાખ રૃપિયા ખર્ચવામાં આવ્યા, પરંતુ ચોમાસા સિવાય તળાવ કોરૃ જ રહે છે જ્યારે ગત વર્ષે વિજલપોર પાલિકાએ ગામ તળાવ પાછળ યુ.ડી.પી. ૮૮ યોજના હેઠળ ૬૫ લાખ રૃપિયાના ખર્ચો કરી, તેની ફરતે ફેન્સીંગ અને ફૂટપાથ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તળાવમાં પાણી રહે એવી પાલિકા દ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. બીજી તરફ હાલમાં જ પાલિકાના રેવન્યુ રેકોર્ડ પર આવેલા કાળી તળાવના બ્યુટીફિકેશન માટે ૨૪ લાખ રૃપિયા ફાળવાયા છે, પરંતુ આ તળાવ છીછરૃ હોવાનુ જણાયુ છે અને તેમાં ઝાડી ઝંખરા તથા દબાણ પણ છે. જ્યારે પાણી ક્યાંથી આવશે એ યક્ષ પ્રશ્ન છે.

કચરાથી ભરાતું ડોલી તળાવ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે
પાલિકા સમગ્ર શહેરનો કચરો જ્યાં ફેંકે છે એ ડોલી તળાવને ૨ કરોડ રૃપિયાના ખર્ચે વિકસાવી પ્રવાસન સ્થળ બનાવવાનું સપનું સેવવામાં આવ્યુ છે. જેના માટે માપણી પણ કરી લેવામાં આવી છે, જોકે પાલિકા દ્વારા ડોલી તળાવને વિકસાવવા પૂર્વે શહેરના કચરાની વૈકલ્પિક વ્યવસ્થા અને ડોલી તળાવને બારેમાસ ભરેલુ રાખવા માટેની વ્યવસ્થા કરવી પડશે. કારણ પાલિકા તળાવમાં બોટીંગ સહિત આસ-પાસ અન્ય સુવિધાઓ ઉભી કરવાનું વિચારી રહી છે.

પાણીથી તળાવ ભરવાની કેફિયત
શહેરના આ તળાવો પાછળ લાખો ખર્ચ્યા બાદ તેમાં ઉકાઇ-કાકરાપાર નહેરમાંથી પાણી મેળવી શકાશે અને તેના માટે ડોલી તળાવ, બાબા ઇસીત તળાવની પાસેથી જતી નવસારી પાલિકાની નહેરના પાણીની પાઇપ લાઇનમાં ટેપીંગ કરી શકાય એવી કેફિયત પાલિકાના સુત્રો દ્વારા દર્શાવાઇ હતી. જ્યારે હાલમાં જ કાળી તળાવના બ્યુટીફિકેશન બાબતે સી.ઓ. રમેશ જોષીને પુછતા તેમણે પણ મફતલાલ મીલમાં આવતી પાણીની પાઇપ લાઇનમાંથી પાણી લઇશુ એવી કેફિયત દર્શાવી હતી.