9 February 2017

નવસારીમાં રખડતા કૂતરાંઓનો આતંક ત્રણ મહિનામાં ૪૭૫ લોકોને કરડયાં


નવસારી શહેર અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાંઓ કરડવાના દર મહિને સરેરાશ ૧૫૦ નોંધાતા હોવાની માહિતી સાંપડી છે, જ્યારે જિલ્લામાં દર મહિને સરેરાશ ૭૦ લોકોને કૂતરાં કરડતા હોવાના કેસો નોંધાય છે. નવસારી શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં ૪૭૫ લોકોને રખડતા કૂતરાં કરડતા તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં રખડતા કૂતરાંઓની સંખ્યામાં વધારો થતા ઘણી જ્ગ્યાએ રાતના સમયે લોકો રસ્તા પરથી ડરતાં-ડરતાં પસાર થતા હોય છે. ફોર વ્હિલ અને ટુ વ્હિલ વાહનોની પાછળ દોડતા કૂતરાંઓના કારણે ઘણા વાહન ચાલકો અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે, જ્યારે આ કૂતરાંઓ જ ઘણાને શિકાર બનાવી કરડી લેતા તેમને ઇંજેક્શન લેવાનો વારો આવે છે. આરોગ્ય વિભાગના આંકડાઓ ઉપર એક નજર કરીએ, તો જિલ્લામાં દર મહિને ૬૦ થી ૭૦ લોકોને કૂતરું કરડયાની ફરિયાદ હોય છે અને તેઓ જિલ્લાની સિવિલ હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાઓમાં સારવાર લેતા હોય છે. નવસારી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં દર મહિને કૂતરું કરડવાના સરેરાશ ૧૫૦ કેસ નોંધાય છે. ગત નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં કૂતરું કરડવાના કુલ ૪૭૫ કેસો નોંધાયા હતા. આરોગ્ય વિભાગના અઠવાડિક આંકડાઓમાં જિલ્લામાં કુલ ૧૧૩૫ લોકોએ સારવાર લીધી હતી. જોકે નવસારી સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય વિભાગ વચ્ચેના આંકડાઓમાં વિરોધાભાસ જણાયો હતો.

કૂતરું કરડતા ચાર ઇંજેક્શનનો કોર્સ 
નવસારી સિવિલ હોસ્પિટલના ડૉ. અજય શર્માના જણાવ્યા અનુસાર કૂતરું કરડયા બાદ તાત્કાલિક દર્દીને સારવાર મળવી જોઇએ. કૂતરું કરડયા બાદ તરત જ ઘાવને સાબુ અને પાણીથી વ્યવસ્થિત સાફ કરવો જોઇએ, જેથી દર્દીને ઇન્ફેક્શન ના થાય. હાલ નવા રિસર્ચના કારણે દર્દીને ઓછી માત્રાના ચાર ઇન્ટ્રા ડ્રમલ ઇંજેક્શનોનો કોર્સ હોય છે અને દરેક સરકારી હોસ્પિટલો અને દવાખાનામાં એ ઉપલબ્ધ છે. જો દર્દીને કોઇ હડકાયું કૂતરું કરડયું હોય, તો એને વધુ સારવારની જરૂર પડી શકે છે અને એનો ખર્ચ અંદાજે ૩૦થી ૪૦ હજાર રૂપિયા સુધી થાય છે. સમય પર યોગ્ય સારવાર ન મળે, તો તેનું મોત થવાની સંભાવના પણ વધી જતી હોય છે.

પાલિકા પાસે કૂતરાં પકડવાની વ્યવસ્થા નથી : સી.ઓ.
નવસારી નગરપાલિકાના સી.ઓ. રમેશ જોષીએ મહાપાલોકાઓમાં કૂતરાં પકડવાની વ્યવસ્થા હોય છે, પણ આપણે ત્યાં આવી કોઇ વ્યવસ્થા નથી એવું જણાવ્યું હતું. જોકે તેમણે અનીમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ અને જિલ્લા તંત્રના સહયોગ સાથે રખડતા કૂતરાંને પકડીને ક્યાં તો દૂર છોડવા અથવા નસબંધી કરવાની મંજૂરી મળે તો સહયારા પ્રયાસ કરવાની ખાત્રી આપી હતી.