5 February 2017

પાણીની ખેંચ પૂરવા હાસાપોરનું તળાવ સંજીવની બન્યું


પાણીની ખેંચથી ઝઝુમી રહેલા નવસારી શહેર માટે હાલ હાંસાપોરનું તળાવ ભારે ઉપયોગી થઈ રહ્યાની જાણકારી મળી છે. હાંસાપોરના તળાવમાંથી પાણી નવસારીના દુધિયા તળાવમાં ઠાલવી શહેરીજનોને આપવામાં આવી રહ્યું છે. નવસારી શહેરમાં નહેરનું પાણી તળાવમાં ઠાલવી શુદ્ધ કરી શહેરીજનોને પુરું પાડવામાં આવે છે. જોકે જે નહેર વાટે પાણી આવે છે એ નહેરની મરામત છેલ્લા બે મહિનાથી કરવામાં આવી રહી છે. નહેરની ચાલતી મરામતને લઈ છેલ્લા બે મહિનાથી (2 ડિસેમ્બરથી) નહેરનું પાણી નવસારીને મળતું નથી. આ સ્થિતિમાં બોરનું પાણી તળાવમાં હયાત નહેરના પાણીમાં મિક્સ કરીને શહેરીજનોને આપવામાં આવી રહ્યું છે.

શહેરને પાણી પૂરું પાડતા દૂધિયા તળાવમાં પાણીનું સ્તર નીચું ગયું. નહેરની ચાલી રહેલી મરામતને કારણે નવસારીમાં પાણીની ખેંચ
આમ છતાં પણ પાણી અપૂરતું જ પડતા નવસારી પાલિકા શહેરીજનોને બે ટાઈમની જગ્યાએ એક જ ટાઈમ પાણી આપી રહી છે. બોરનું પાણી તળાવ હયાત નહેરના પાણીમાં મિક્સ કરી આપવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી દૂધિયા તળાવની સપાટી ઘટતી રહી છે. નહેરનું હયાત પાણી હવે તળાવમાં ખુબ ઓછુ રહેતા પાણીની ખેંચ વધવાની શક્યતા સર્જાઈ હતી. આ સ્થિતિમાં પાલિકાએ શહેરીજનોને પાણી પુરુ પાડવા પાણીના નવા સોર્સ ઉભા કરવાની જરૂર પડી હતી, આ નવો સોર્સ હાંસાપોરના તળાવના પાણીથી મળ્યો છે.

અબ્રામા રોડ ઉપરના હાંસાપોરના અંકોલ તળાવમાંથી પાણી મેળવવાની પરવાનગી પાલિકાએ માગી હતી, જે મળી હતી. પરવાનગી મળતા હાંસાપોરના તળાવનું પાણી મશીનથી ખેંચી નહેરની લાઈનમા નાંખી દુધિયા તળાવમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. હાંસાપોરના તળાવના પાણીથી પાણીની ખેંચ પુરાઈ ગઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો નવસારીને પાણીની વિકટ સમસ્યામાં હાંસાપોરનું તળાવ સંજીવની બનીને આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે લગભગ 70 દિવસ નહેરનું પાણી નવસારી શહેરને સંભવત: પ્રથમ વખત જ મળ્યું નથી !

બોરના પાણીનો વધુ ઉપયોગ
નવસારી શહેર નહેરનું પાણી ન મળી શકવાની સ્થિતિમાં બોર ઉપયોગી થયા છે. હાંસાપોર તળાવનું પાણી તો કેટલાક દિવસથી મળ્યું છે પરંતુ બોરના પાણી નહેરનું પાણી બંધ થતા જ મદદરૂપ થયા છે. નવસારીમાં 16 બોર તો કાર્યરત હતા જ સાથે વધુ 7 જેટલા બોરને કાર્યક્ષમ કરી ઉપયોગમાં લેવાતા 23 જેટલા બોરનું પાણી મળી રહ્યું છે. આ બોરના પાણી ઘણે અંશે પાણીની ખેંચ પૂરી કરવામાં મદદરૂપ થયા છે.

નહેરનું પાણી થોડા જ દિવસોમાં શરૂ થશે
નવસારી શહેરને બે મહિના પાણી ન મળવાની અગાઉ જાહેરાત થઈ હતી. બે મહિના આજે પૂર્ણ થઈ ગયા છે છતાં નહેરનું પાણી હજુ નવસારી શહેરને મળવાનું શરૂ થયું નથી. નહેરનું પાણી ક્યારે મળશે ? હજુ પાણીની ખેંચ કેટલા દિવસ ચાલશે ? આ અંગે નવસારી પાલિકાના પાણી વિભાગના ઈજનેર રાજેશ મહેતાએ જણાવ્યું કે હવે થોડા જ દિવસોમાં નહેરનું પાણી મળવાનું શરૂ થશે એવી માહિતી મળી છે. નહેરનું પાણી મળતા જ શહેરમાં ચાલતી પાણીની ખેંચ દૂર થઈ જશે.