6 February 2017

નગરપાલિકાએ રૂ. 32 લાખનો ખર્ચ કરી ગાર્ડનની તમામ સુવિધાઓનું નવીનીકરણ કર્યુ


નવસારી શહેરના જાણીતા વાજપેયી ગાર્ડનનું 11 વર્ષમાં પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરવાની ફરજ પડી છે.

નવસારી શહેરમાં જે ચાર ગાર્ડન પાલિકા હસ્તક જાણીતા છે તેમાંનો એક મહત્વનો બગીચો પારસી હોસ્પિટલ સામેના રોડ ઉપર આવેલો અટલબિહારી વાજપેયી ગાર્ડન છે. વાજપેયી ગાર્ડનનું લોકાર્પણ 1લી એપ્રિલ 2006એ કરવામાં આવ્યું હતું. ગાર્ડનને 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમાં નવિનીકરણ કરવાની ફરજ પડી છે. પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે લગભગ સમગ્ર ગાર્ડનનું નવિનીકરણ કર્યું છે. નવિનીકરણ અંતર્ગત રમતગમતના સાધનો નવા મુકવામાં આવ્યા છે. બાગમાં લોન નવી ઉગાડાઈ છે. ઉપરાંત બ્લોકપેવિંગ, કલરકામ, સ્કેટિંગ રિંગ તથા સિનિયર સિટીઝનના કસરતના સાધનો પણ મુકવામાં આવ્યા છે. નવા વાઘા સર્જેલ વાજપેયી ગાર્ડનનું 11 વર્ષ પછી બીજી વખત લોકાર્પણ આજે શનિવારે પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સમયે ગાર્ડન કમિટીના ચેરમેન શીલાબેન દેસાઈ, ચીફ ઓફિસર રમેશ જોષી ઉપરાંત અનેક કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા.

નવા ગાર્ડન અને નવીનીકરણનો ખર્ચ સરખો 
નવસારીના વાજપેયી ગાર્ડનના નવિનીકરણ પાછળ હાલ અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ થયાનું જાણવા મળ્યું છે. ખર્ચ નવા સાધનો, સુવિધા ટીપટોપ કરવા પાછળ કરાયો છે. ઉલ્લેખનીય બાબત છે કે આજથી 10 વર્ષ 10 મહિના અગાઉ જ્યારે નવા બાગને બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ અંદાજિત 32 લાખ રૂપિયાનો ખર્ચ થયાની માહિતી મળી છે. બીજા શબ્દોમાં કહીએ તો નવા અને નવિનીકરણનો ખર્ચ લગભગ સરખો થયો છે.