7 February 2017

વિજલપોર પાલિકાની વેરા વસૂલાત હજુ અડધી બાકી


ફેબ્રુઆરી મહિનો શરૂ થયો છે અને માર્ચ મહિનો પૂર્ણ થવાને બે મહિના બાકી રહ્યા છે ત્યારે વિજલપોર પાલિકાની વેરાની વસૂલાત હજુ અડધી બાકી રહી છે. હિરા ઉદ્યોગની મંદીની અસર વેરાની વસૂલાત ઉપર પડ્યાની જાણકારી મળી છે.

વિજલપોર પાલિકાની પોતાકીય સ્વભંડોળની આવક ખુબ ઓછી છે. જે સ્વભંડોળની આવક છે તેમાં સૌથી મોટી અને મહત્ત્વની મિલકતવેરાની આવક છે. અગાઉના કેટલાક વર્ષોમાં વિજલપોર પાલિકાની વેરાની આવકની ટકાવારી 90 ટકાને પણ પાર કરી ગઈ હતી અને રાજ્યની વર્ગની પાલિકામાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જોકે વર્તમાન નાણાંકીય વર્ષ 2016-17માં આજદિન સુધીમાં વેરાની આવક પ્રમાણમાં ઓછી રહ્યાની જાણકારી મળી છે.

પાલિકા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજલપોર શહેરમાં કુલ 25383 મિલકતો છે. મિલકતોમાં રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક તમામ પ્રકારની મિલકતોનો સમાવેશ થાય છે. મિલકતોનું કુલ વેરામાંગણુ 4.12 કરોડ રૂપિયા છે.

હાલ ફેબ્રુઆરી માસની શરૂઆત થઈ ત્યાં સુધીમાં વિજલપોર પાલિકાને વેરાની આવક 2.04 કરોડ રૂપિયા થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો વેરાના કૂલ માંગણાની અડધાથી વધુ વસૂલાત બાકી રહી છે. અંદાજે 13 હજારથી વધુ મિલકતધારકોનો વેરો હજુ બાકી રહ્યો છે. બાકીદારોને વિજલપોર પાલિકાએ વેરાની નોટીસ આપવાની શરૂઆત કરી છે.

વિજલપોર પાલિકાના વેરા અધિકારી ભરત પટેલે જણાવ્યું કે વેરાના બાકીદારોને નોટીસ આપવામાં આવશે. ચારેક વોર્ડની નોટીસો તૈયાર પણ થઈ ગઈ છે.

હીરાની મંદીની અસર
વિજલપોર પાલિકાને વર્તમાન નાણાંકીય વર્ષમાં વેરાની વસૂલાત હાલ સુધીમાં ઓછી પ્રાપ્ત થઈ છે. માટેનું કારણ એક હિરાની મંદી હોવાનું જાણવા મળ્યું છે. વિજલપોર શહેરમાં પૂર્વ વિભાગમાં રહેતા ઘણાં લોકો હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં હિરાના કારખાનાઓમાં કામ કરતા કારીગરોની સંખ્યાનો અંદાજ ઉપરથી લગાવી શકાય કે કારખાનાના રિસેસ ટાઈમે અને છૂટવાના ટાઈમે આશાપુરી રોડ હિરાના વ્યવસાયીઓથી ભરાઈ જાય છે. દિવાળી વેકેશન બાદ નોટબંધીને કારણે કેટલાક હિરાના મોટા કારખાના શરૂ થયા નથી. કારખાનાઓમાં કામ કરતા ઘણાં કારીગરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હિરાની મંદીને કારણે આર્થિક સંકડામણમાં મુકાયેલા ઘણાં રત્નકલાકારો હજુ પાલિકાનો વેરો ભરી શક્યા નથી.