8 February 2017

પ્રકાશ ટોકિઝ પાસે અંડરબ્રિજની સૂચિત ડિઝાઈન મંજૂર


નવસારીમાં પ્રકાશ ટોકીઝ પાસે અંડરબ્રિજ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલી ડિઝાઈનને મંજૂરીની મહોર મારી દેવામા આવી હોવાની માહિતી સાંપડી છે. જેના પગલે આગામી સમયમાં અંદાજિત 17 કરોડની આસપાસના ખર્ચે રેલવે અંડરબ્રિજ બનાવાશે. નવસારીમાં ટ્રાફિકનું ભારણ દિનપ્રતિદિન વધતુ રહ્યું છે અને તેના કારણે પ્રકાશ ટોકીઝ ગરનાળા પાસે તથા વિજલપોર ફાટક પાસે વાહનોની લાંબી કતારો અવારનવાર જોવા મળે છે. તેમાંય ટ્રેન પસાર થતી હોય ત્યારે વિજલપોર ફાટક પાસે વાહનચાલકોએ ભારે હાલાકિ વેઠવી પડે છે.

નવસારીના ધારાસભ્યએ રેલવે જીએમને રજૂઆત કરી
બીજી તરફ પ્રકાશ ટોકીઝ પાસેના ગરનાળા આગળ પણ વરસાદના સમયે વાહનચાલકોએ મુશ્કેલી વેઠવી પડે છે. છેલ્લા સાતેક વર્ષથી નવસારીમાં પ્રકાશ ટોકીઝ નજીક અને વિજલપોરમાં ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની માગ પ્રબળ બનતી રહી છે છતાં પણ કોઈ નક્કર કામગીરી આજદિન સુધી કરાઈ નથી. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં નવસારી પ્રકાશ ટોકીઝ પાસે ઓવરબ્રિજની જગ્યાએ અંડરબ્રિજ બનાવવાની માંગણી કરવામા આવી હતી. જેથી તે અંગેની ડિઝાઈન બે ત્રણ વખત બનાવાઈ હતી પરંતુ તે મંજૂર થઈ ન હતી.

તાજેતરમાં જ રેલવે વિભાગ પાલિકા વિભાગના અધિકારીઓએ એક સંયુક્ત રીતે ડિઝાઈન તૈયાર કર્યું છે. તેને પશ્ચિમ રેલવે દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી હોવાની માહિતી સાંપડી છે. આગામી સમયમાં પ્રકાશ ટોકીઝ નજીક અંડરબ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ થશે. લગભગ 17.50 કરોડના ખર્ચે અંડરબ્રિજ તૈયાર થશે. જે ફોરલેન ટાઈપનો હશે. તેમાં રાહદારીઓ માટે  અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હોવાની વિગત સાંપડી છે.

નવસારીના ધારાસભ્યની રજૂઆતનો પડઘો
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર જી.સી. અગ્રવાલ સુરત આવ્યા હતા. એ દરમિયાન નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ તેમની મુલાકાત લીધી હતી. તેમણે નવસારીમાં અંડરબ્રિજ તાત્કાલિક ધોરણે મંજૂર કરી કામગીરી શરૂ કરવા રજૂઆત કરી હતી. એ દરમિયાન જીએમ અગ્રવાલે તેમને આશ્વાસન આપ્યું હતું.