13 February 2017

નવસારીમાં ધુમ્મસની ચાદર પથરાતાં વિઝિબિલિટી ઘટી


નવસારીમાં વહેલી સવારે ભારે ધુમ્મસ છવાતા નવસારી જાણે ધુમ્મસનાં ઓથાયા હેઠળ આવી ગયુ હોય તેવો માહોલ ઉભો થયો હતો. ધુમ્મસને કારણે વિઝ્યુબીલીટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે વાહનચાલકોએ સાવચેતી દાખવીને પોતાના વાહનોમાં લાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની નોબત આવી હતી.

નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.લોકો ઠંડીમાં ઠુઠવાઇ રહ્યાં છે. આજે રવિવારે પણ ધુમ્મસીયું વાતાવરણ બનતા તેમજ શીત લહેરને કારણે લોકોએ વહેલી સવારે ઠંડીનો અનુભવ કર્યો હતો.

ધુમ્મસ વહેલી સવારથી લઇ સવારે 9.30 કલાક સુધી રહ્યું હતું. દરમિયાન વાતાવરણમાં વિઝ્યુબીલીટી ઘટવાને કારણે વાહન ચાકોએ પોતાના વાહનોમાં લાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની નોબત આવી હતી. ધુમ્મસને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવતો રહ્યો હતો. નવસારીમાં ધુમ્મસીયા વાતાવરણને કારણે અને રવિવારની રજા હોય ક્રિકેટ રસીકોએ લુન્સીકુઇ મેદાનમાં ધુમ્મસીયા વાતાવરણમાં ક્રિકેટ રમવાની મજા માણી હતી.આજે તાપમાની વાત કરીએ તો મહત્તમ 30.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ગત રોજ 13 ડિગ્રીની સરખામણીએ આજે ઘટીને 12.5 ડિગ્રી રહ્યું હતું જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.સવારે ભેજનું પ્રમાણ 93 ટકા રહ્યું હતું.બપોર બાદ તે ઘટીને 28 ટકા રહ્યું હતું.પવન ઉત્તરથી પૂર્વ દિશામાં 4.0 પ્રતિ કલાકની ઝડપે ફૂકાયો હતો.