10 February 2017

કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર મેહુલ ઠક્કર યુવા પથદર્શક એવોર્ડથી સન્માનિત


સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નનસાડ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવનિર્મિત ભવનના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મહેસૂલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નવસારી કૃષિ યુનિ.ના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ હેડ ડો.મેહુલ ઠક્કરને યુવા પથદર્શક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નવસારી કૃષિ યુનિ. એમ.બી.એ. પ્રોગ્રામના પ્રાધ્યાપક અને યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ હેડ તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મોટીવેશન ગુરુ ડો. મેહુલ ઠક્કરે વિકાસની કેડીએ શિક્ષણ અને સમાજની ભૂમિકા વિષય પર ઉપસ્થિતોને પોતાના આગવા અંદાજમાં સંબોધિત કરીને તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ વિશ્વના સૌથી યુવા રાષ્ટ્ર એવા ભારતના ભાવી કર્ણધાર એવા વિદ્યાર્થીઓના સવાંર્ગી વિકાસ માટે શિક્ષક, સંચાલક તથા પાલકની ભૂમિકા સ્પષ્ટ કરતા શિક્ષકો, વાલીઓ, સમાજશ્રેષ્ઠીઓ તથા દેનેશ્વરીઓને આગળ આવવા આહ્વાન કર્યુ હતું.

આ પ્રસંગે સમગ્ર દેશમાં ૭૧૯ પ્રોગ્રામો દ્વારા અઢી લાખથી વધારે લોકોને જીવન તથા કારકિર્દીમાં હકારાત્મક પરિવર્તન માટે તાલીમબદ્ધ કરીને ૩૦૦ થી વધુ ખ્યાતનામ સંસ્થાઓમાં કરેલા માનવ સંસાધન વિકાસના ભગીરથ કાર્યની કદર રૃપે તેઓને સમારોહના અધ્યક્ષ મહેસૂલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે યુવા પથદર્શક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સાંપ્રત સમયના સૌથી અસરકારક એચ.આર.ડી. શિક્ષણવિદ-ટ્રેનર-ફેસિલિટેટર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડો. મેહુલ ઠક્કર ઉજ્જવળ કારકિર્દીમાં ૩ સાયન્સની, ૨ કોમર્સની તથા ૪ આર્ટસની ડિગ્રીઓ મળી કુલ ૯ શૈક્ષણિક લાયકાતો સાથે પાંચ વાર સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઇને શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે ૮ ગોલ્ડ મેડલ તથા ટિચિંગ, ટ્રેનિંગ, રિર્સચ, યુવા વિકાસ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ ૧૧ રાજ્ય કક્ષાના, ૧૦ રાષ્ટ્રીય તથા ૮ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત થઇ ચૂક્યા છે.