14 February 2017

ચાલુ બાઇકે રાહદારીઓના મોબાઇલ ફોન ઝુંટવી ભાગતી ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા


નવસારી એલ.સી.બી. પોલીસે આજે સોમવારે બાતમીના આધારે નવસારીના ગ્રીડ નજીકથી રાહદારીઓના મોબાઇલ ફોન ચાલુ બાઇકે આવી ઝૂંટવીને ભાગતી ગેંગના ત્રણને ઝડપી પાડયા હતા. જેમાં નવસારી અને જલાલપોર વિસ્તારમાંથી ૧૦ મોબાઇલ ફોનની ચીલ ઝડપના ગુના ઉકેલાયા હતા. પોલીસે ત્રણેય આરોપીઓના રિમાંડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ આજે સોમવારે સવારે નેશનલ હાઇ-વે નં. ૮ પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ઝુટવીને ભાગતા ત્રણ યુવાનો પલ્સર મોટરસાઇકલ (નં. જીજે-૨૧-એએસ-૧૧૬૮) પર ગ્રીડ વિસ્તારમાંથી પસાર થવાના છે. જેના આધારે પોલીસે ગ્રીડ નજીક ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળા યુવાનો પલ્સર મોટરસાઇકલ ઉપર આવતા પોલીસે તેમને અટકાવી તપાસ હાથ ધરતા તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

પોલીસે નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં વિકાસ બેન્ડની સામે રહેતા તેજસ ઉર્ફે લાલુ જગદિશ પટેલ, દશેરા ટેકરીમાં રામજી ખત્રીની નાળમાં રહેતા રાહુલ ઉર્ફે ચકુ અરવિંદભાઇ દંતાણી અને નવસારીના મખદુમપુરા મસ્જીદની પાછળ રહેતા ઉમંગ ઉર્ફે ઉમો પરેશભાઇ રાઠોડને અટકમાં લઇ તેમને પોલીસ મથકે લાવી તેમની કડકાઇથી પુછપરછ કરી હતી. જેમાં ત્રણેયે નવસારી, વિજલપોર, જલાલપોર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએથી ૧૦ મોબાઇલ ફોનની ચીલઝડપ કરી હોવાની કબુલાત કરી હતી.

પોલીસે ત્રણેય પાસેથી ૪૫ હજાર રૃપિયાના કુલ ૮ મોબાઇલ ફોન તેમજ મોટરસાઇકલ કબ્જે લીધી હતી. મોબાઇલની ચીલ ઝડપ કરનારાઓમાં તેજસ પટેલ મુખ્ય સુત્રદ્ધાર હોવાનું ખુલ્યુ હતુ અને અગાઉ પણ ચીલઝડપના ગુનામાં જેલની હવા ખાઇ ચુક્યો હોવાનું બહાર આવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે તેજસ પટેલ દશેરા ટેકરી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે, જ્યારે ઉમંગ રાઠોડ નવસારીની લીબર્ટી જ્વેલર્સમાં અને રાહુલ દંતાણી નવસારી જી.ઇ.બી.માં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.