15 February 2017

પંચવટી એપાર્ટમેન્ટના રહીશો અને ક્લિનિક સંચાલક વચ્ચે કાનૂની જંગ

લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલા જાણીતા ડોકટરના ક્લિનિકના સંદર્ભે પંચવટી એપાર્ટમેન્ટના રહીશો અને ડોકટર વચ્ચેની કાનૂની લડાઈ છેલ્લા ઘણાં સમયથી ચાલતી રહી હતી. સ્થાનિક રહીશોએ રહેણાંક વિસ્તારમાં લેબોરેટરી સહિત ક્લિનિક સ્થાપવા બાબતે વિરોધ ઉઠાવતા રહ્યા હતા. જેમાં સ્થાનિક રહીશોની કાનૂની જંગમાં જીત થયાની વિગતો પત્રકાર પરિષદ યોજી સ્થાનિકોએ જાહેરાત કરી હતી.

નવસારી લુન્સીકૂઇ વિસ્તારમાં પંચવટી એપાર્ટમેન્ટમાં એક ક્લીનિક ચલાવવા મુદ્દે સ્થાનિક રહીશો અને ડૉક્ટર સામસામે આવી ગયા હતા. મુદ્દો કલેકટરમાં જતા પાલિકામાં આકારણી દફતરે તે કોમર્શિયલ આકારણી થઇ હતી. ઉપરાંત રહેઠાણના મકાનમાં ક્લિનિક ચાલતુ હોવાથી બાયો મેડિકલ વેસ્ટ ઉત્પન્ન થતો હોય તેમજ પાર્કિંગનો પ્રશ્ન ઉપસ્થિત થતા કોમર્શિયલ આકારણી રદ કરી રહેઠાણની આકારણી કરવા અને તે મુજબ મિલકતનો ઉપયોગ થાય તે માટે કલેકટર સમક્ષ દાદ માગી હતી. જેથી કલેકટરે મિલકતનો રહેણાંકના બદલે ક્લિનિક તરીકે વપરાશ થતો હોય રહેણાંક હેતુ માટે અમલ કરાવવા પાલિકાને સૂચના આપતો હુકમ કર્યો હતો.

જેથી ડોકટરે રિવિઝન અરજી કરી હતી. તેમણે સ્થાનિક રહીશોની રજૂઆતો ખરી હોવાની દલીલ કરી હતી. તેમજ તેઓ જનરલ ફિઝિશિયન તરીકે કામ કરતા હોવાનું જણાવી રહીશો હેરાન કરતા હોવાનું જણાવી ક્લિનિકના દરવાજામાં સ્થાનિકો અંતરાય ઉભા કર્યાની દલીલો કરી હતી પરંતુ શહેરી વિકાસમાં ડોકટરની અરજી નામંજૂર કરી કલેકટરને હુકમને યથાવત રખાયો હતો. ડોકટરે હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ કોર્ટે તે અપીલ પણ કાઢી નાંખી હોવાનું સ્થાનિક રહીશોએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.