15 February 2017

વેપારીઓની મનમાની, 10નો જૂનો સિક્કો લેવાની ધરાર ના


નગરપાલિકાની બાજુમાં આવેલા શાકભાજી માર્કેટના નાના દુકાનદારો-વેપારીઓએ પોતાની રીતે રૂ. 10ના જૂના સિક્કા પર જાણે પ્રતિબંધ મુકી દીધો હોય રીતે માર્કેટમાં જૂના સિક્કા સ્વીકારાતા નથી. જેના કારણે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.

નવસારીની શાકભાજી માર્કેટમાં રૂ. 10નો જૂનો સિક્કો લોકો સ્વીકારતા નથી. રિઝર્વ બેંકે પણ અત્યાર સુધીમાં રૂ. 10ના જૂના સિક્કા બાબતે બંધ અંગે કોઈ નિર્ણય કર્યો હોય તેવું લોકોની જાણમાં નથી પરંતુ નવસારીમાં પાલિકાના બાજુમાં ભરાતા શાકભાજી માર્કેટના વેપારી - દુકાનદારોએ રૂ. 10ના જૂના સિક્કા પર જાણે પ્રતિબંધ લાધ્યો છે. તેઓ ગ્રાહક પાસેથી સિક્કો સ્વીકારતા નથી. જો કોઈ ગ્રાહક તેમને બાબતે પૂછે તો અહીં કોઈ લેતું નથી તેવો જવાબ આપી છટકી જવાનો પ્રયાસ કરે છે. શાકભાજી માર્કેટમાં નાની નાની ખરીદી પણ રૂ. 10ની અવારનવાર જરૂર પડે છે ત્યારે માર્કેટમાં આવી બાબતને લઈને કેટલીક વખત ગ્રાહક અને દુકાનદાર વચ્ચે રકઝક પણ થઈ રહી છે.

સાહસ કરવાની હિંમત નથી 
શાકભાજીમાર્કેટમાં અમે નાના દુકાનદારો છે. નાનો વેપાર છે એવામાં કોઈ જૂનો સિક્કો આપી જાય અને તે બજારમાં ચાલે તો સિક્કો માથે પડે અને તેનાથી આવકમાં પણ ફટકો પડે તેવી શક્યતા છે. માંડ માંડ કમાતા હોવાથી જૂનો સિક્કો લેવાનું સાહસ કરી શકાતું નથી. - એક મહિલા વેપારી

સિક્કો સ્વીકારવાના આ‌વા બોગસ કારણો બતાવાઈ છે 



  • રૂ. ૫૦૦ અને ૧૦૦૦ ની નોટની જેમ તે ગમે ત્યારે બંધ કરી દેવાશે એવી ચર્ચા.
  • ગ્રાહકો જ રૂ. ૧૦નો જૂનો સિક્કો લેતા નથી.
  • એકવાર સિક્કો લીધા પછી પડી રહે છે. કોઇ દુકાનદાર પણ તે સ્વીકરતું નથી.
  • ૧૦ ના સિક્કા સાથે પકડાય જવાથી એક વ્યક્તિએ જેલવાસ ભોગવ્યું પડ્યાની ચાલી રહેલી અફવાથી ડર.
  • રૂ. ૧૦ નો જૂનો સિક્કો બંધ કરાયાની અફવા