17 February 2017

નવસારીમાં આંગણવાડી વર્કરોનો મોરચો


નવસારી જિલ્લાની ઘણી આંગણવાડીની આંગણવાડી વર્કરોએ પગારના મામલે ગુરૂવારે કામથી અળગા રહી નવસારીમાં મોરચો માડી ધરણાં, સૂત્રોચ્ચાર કર્યા હતા.

નવસારી જિલ્લામાં આંગણવાડી વર્કરોએ છેલ્લા કેટલાક સમયથી પગારના મામલે અવારનવાર કાર્યક્રમો અને દેખાવો યોજ્યા હતા. આમ છતાં તેમની માંગણીઓ સ્વીકારતા આજે ગુરૂવારે નવસારી જિલ્લાની મોટીસંખ્યામાં આંગણવાડીની બહેનોએ વધુ જલદ કાર્યક્રમો આપી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો.

આંગણવાડી બહેનોનો મોટો સમૂહ ગુરૂવારે સવારે જૂની કલેકટરાલય કચેરી જૂનાથાણા ખાતે ભેગો થયો હતો. અહી આવી પોતાની માગના સમર્થનમાં અને સરકારી નીતિની વિરૂદ્ધમાં ધરણાં ઉપર બેઠા હતા. ધરણાં ઉપર બેસેલા આંગણવાડી વર્કરોએ સરકાર વિરૂદ્ધ વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અને પોતાની માગના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કરી સમગ્ર પટાંગણને ગજવી મુક્યું હતું.

કાર્યક્રમ ટાણે આંગણવાડી કર્મચારી સંગઠનના જિલ્લાના પ્રમુખ શકુંતલાબેન પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તમામ સેવા બજાવનારાઓના પગાર વધારાયા છે પરંતુ આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરાયો નથી. સને 2011માં જે પગાર હતો, તેજ આજે પગાર છે. ચાલુ વર્ષે બજેટમાં વધારાની આશા હતી પરંતુ કોઈ વધારો કરાતા આશા ઠગારી નીવડી છે. શકુંતલાબેને વધુમાં જણાવ્યું કે આજે 16મીથી 18મી સુધી ત્રણ દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. આજે મહત્તમ આંગણવાડીઓનું કામકાજ ઠપ થયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે આંગણવાડી વર્કરોએ ગઈકાલે 15મીએ જિલ્લા કલેકટર, ડીડીઓ અને સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું.

કૂપોષણ ઘટાડવામાં આંગણવાડી બહેનો મહત્વની ભૂમિકા ભજવે છે 
આંગણવાડીવર્કરો 0થી 5 વર્ષની વયના બાળકોનું પોષણ કરવાનું પણ કામ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કુપોષણના મામલે નવસારી જિલ્લો બદનામ હતો. 2011માં કુપોષણનો આંક 37.4 ટકા હતો. જોકે કેટલાક વર્ષોમાં સ્વયંસેવી સંસ્થાઓ, સરકાર અને સાથે આંગણવાડી બહેનોની મહેનતથી કુપોષણનો આંક ઘટી હાલ માંડ 1.6 ટકા રહી ગયો છે.

જિલ્લાની ત્રણ તાલુકાની આંગણવાડીનું કામ ખોરવાયું 
આંગણવાડીવર્કરોએ મહત્તમ આંગણવાડી બંધ રહી કામકાજ ઠપ થયાનું જણાવ્યું હતું તો બીજી તરફ સરકારી સૂત્રોએ જણાવ્યું કે જિલ્લાની 1330 આંગણવાડીમાંથી 439 આંગણવાડી અસરગ્રસ્ત રહી હતી. ચીખલી, ખેરગામ અને વાંસદામાં કાર્યક્રમની અસર હતી.