21 February 2017

ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે દારૂની બોટલ મૂકનારા સામે કાર્યવાહીની માંગ


લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલી ડો. આંબેડકરની પ્રતિમા નીચે કોઈ ટીખ્ખળખોર દારૂની ખાલી બોટલ ફેંકી જતા નવસારીમાં વિવાદ વકર્યો છે અને કૃત્ય કરનાર સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી ટીખ્ખળખોરની ધરપકડ કરે તેવી માગ સાથે ગુજરાત દલિત પંચાયત પરિષદ નવસારીના કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

નવસારીમાં લુન્સીકૂઈ વિસ્તારમાં ડો. આંબેડકરની પ્રતિમા સર્કલ આવેલું છે. આંબેડકર સર્કલની આસપાસ લોખંડની ગ્રીલ છે પરંતુ કોઈ ટીખ્ખળખોરે આંબેડકરની પ્રતિમા પાસે દારૂની ખાલી બોટલ ફેંકી દીધી હતી. જેના કારણે દલિત સમાજના લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એડવોકેટ પરેશ વાટવેચા, ભાવેશ પરમાર, એડવોકેટ બિપીનભાઈ રાઠોડ વગેરેએ ગુજરાત દલિત પંચાયત પરિષદના નેજા હેઠળ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાને ઘટનાના સંદર્ભમાં આવેદનપત્ર પાઠવી તેમાં આક્રોશ ઠાલવવામાં આવ્યો છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે ડો. બાબાસાહેબની પ્રતિમા સર્કલમાં કોઈ ટીખ્ખળખોર દારૂનીબોટલ ફેંકી ગયું છે. જે બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી છે પરંતુ પોલીસ તંત્ર હજુ સુધી ઘટનાના મૂળ સુધી પહોંચી શકી નથી. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સર્કલમાં દારૂની બોટલ ફેંકવી સમાજ અને તંત્ર માટે તેમજ સરકાર માટે શરમજનક ઘટના છે. ડો. બાબાસાહેબની પ્રતિમાનું અપમાન થતું રહે છે. રાષ્ટ્રીય મહાપુરૂષોનું અપમાન કરનારાઓને પોલીસ તંત્ર ધરપકડ કરી શકતી નથી. આવેદનપત્રમાં તાત્કાલિક ગુનેગારને ઝડપી પાડવા માગ કરવામાં આવી છે.

ઉપરાંત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નિયમિત સાફસફાઈ રાખવામાં આવે તેવી માગ સાથે જો આગામી દિવસોમાં સંતોષકારક પગલાં નહીં લેવાય તો દલિત સમાજ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડો. આંબેડકરની પ્રતિમા પાસે દારૂની બોટલ કોઈ ટીખ્ખળખોર નાંખી જતા તાત્કાલિક ધોરણે નવસારી પાલિકા દ્વારા પ્રતિમાની સાફસફાઈ કરાઈ હતી.