22 February 2017

આખરે નવસારી પાલિકાની જૂની માર્કેટોનું ડિમોલિશન શરૂ કરાયું


નવસારી પાલિકાએ આખરે તેની બે જૂની માર્કેટનું ડિમોલિશન શરૂ કરી દીધુ છે. જલાલપોર રોડ ઉપરની માર્કેટ તથા પાંચહાટડી માર્કેટને તોડીને ઉક્ત સ્થળે બે નવીન માર્કેટ નગરપાલિકા બનાવશે. નવસારી નગરપાલિકાએ શહેરમાં અનેક માર્કેટનું નિર્માણ કર્યું છે. જેમાં કેટલીક માર્કેટ વરસો જૂની છે તથા કેટલીક માર્કેટોનું તાજેતરના વર્ષોમાં નવિનીકરણ કર્યું છે જે વરસો જૂની માર્કેટો છે. તેમાંની કેટલીક અત્યંત જર્જરિત થઈ ગઈ છે. આ જૂની જર્જરિત માર્કેટોમાં જલાલપોર રોડ ઉપર જીન કંપાઉન્ડમાં આવેલી માર્કેટ તથા પાંચહાટડી વિસ્તારની દાદાભાઈ નવરોજી શોપિંગ સેન્ટરનો સમાવેશ થાય છે.

જલાલપોર માર્કેટમાં ડિમોલિશન, પાંચહાટડી માર્કેટ પણ તોડી પડાશે
પાલિકાની આ બંને માર્કેટો છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બની ગઈ હતી. આ ઉપરાંત જલાલપોર રોડ માર્કેટ તો તદન બિનઉપયોગી થઈ ગઈ હતી. આ બંને માર્કેટોને તોડી પાડી તેની જગ્યાએ નવીન માર્કેટો બનાવવાનું આયોજન પાલિકાએ કર્યું છે.  નવીન માર્કેટો બનાવવા માટે ઉક્ત માર્કેટો પ્રથમ તોડી પાડવી જરૂરી છે ત્યારે માર્કેટોના ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. જલાલપોર રોડ ઉપરની માર્કેટનું ડિમોલિશન તો શરૂ પણ કરી દીધુ છે. આ ઉપરાંત પાંચહાટડીની માર્કેટમાં જે દુકાનો કાર્યરત છે તે ખાલી કરવા પણ પાલિકાએ જણાવી દીધુ છે. પાંચહાટડી માર્કેટનું ડિમોલિશન પણ શરૂ કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી પાલિકા પાંચહાટડી અને જલાલપોર રોડ ઉપર પુન: નવી માર્કેટોનું નિર્માણ કરશે. પાંચહાટડી ખાતે અંદાજે 1.98 કરોડ રૂપિયાના ખર્ચે તથા જલાલપોર રોડ ખાતે અંદાજે 1.63 કરોડ રૂપિયાના ખર્ચે નવી માર્કેટો બનાવાશે. આ બંને માર્કેટોમાં હાલ જે કબજેદારો છે તેમને પણ નવી માર્કેટમાં ફાળવણી કરાનાર હોવાનું જાણવા મળ્યું છે.

માર્કેટમાં ચાલતા ગોરખધંધા
નવસારી પાલિકાની જલાલપોર રોડ ખાતે જીન કંપાઉન્ડમાં આવેલી માર્કેટ તો છેલ્લા કેટલાય વરસોથી બિસમાર છે. આ માર્કેટમાં વેપારની કામગીરી લગભગ ઠપ છે. વધુમાં આ બિસમાર, ખંડેર થયેલી માર્કેટ કેટલાક સમયથી ગોરખધંધાનું કેન્દ્ર પણ બનેલું હતું. અહીં દારૂની બોટલો પણ અવારનવાર મળી છે તથા અસામાજિક તત્વો પણ આ જગ્યાનો ઉપયોગ કરતા હોવાની વારંવાર ફરિયાદો બહાર આવી છે.

3થી 4 બજેટમાં વાયદા
નવસારી પાલિકાની આ બંને માર્કેટો વરસોથી જર્જરિત છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષથી આ માર્કેટો તોડી નવી માર્કેટ બનાવવાની યોજના પાલિકા બનાવતી હતી. નવસારી પાલિકાના છેલ્લા ત્રણ-ચાર વર્ષના બજેટમાં ઉક્ત સ્થળોને નવીન માર્કેટ બનાવવાના વાયદા કરાઈ રહ્યા હતા. આખરે મોડે મોડે પણ પાલિકાએ નવી માર્કેટ બનાવવાની કામગીરી હાથ ઉપર લીધી છે.