23 February 2017

આંગણવાડી વર્કરોએ રૂ. 750નો વધારો ફગાવ્યો


આંગણવાડી વર્કરોનો પગારવધારો પૂરતો ન કરાતા નવસારીમાં પુન: આંગણવાડી વર્કરોનું આંદોલન શરૂ થયું છે. બુધવારે આંગણવાડીઓમા કામથી અળગા રહી વર્કરોએ નવસારીમાં દેખાવો કરી સરકારના નિર્ણયની હોળી કરી હતી. નવસારીમાં આંગણવાડી વર્કરોએ ત્રણ દિવસ હડતાળ પાડી હતી ત્યારબાદ 21મીના રાજ્ય સરકારના બજેટમાં યોગ્ય પગારવધારાની જાહેરાત ન કરાય તો પુન: આંદોલન કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે આંગણવાડી વર્કરોના પગારમાં રૂ. 750ના વધારા સાથે માસિક પગાર રૂ. 5500 કરવાની જાહેરાત કરી હતી.

નવસારી જિલ્લામાં આંગણવાડી વર્કરોએ સરકારના નિર્ણયની હોળી પ્રગટાવી
સરકારની જાહેરાતનો નવસારી પંથકની આંગણવાડી વર્કરોએ વિરોધ કર્યો છે. આ વિરોધ અંતર્ગત  બુધવારથી પુન: આંદોલન શરૂ કર્યું છે. લુન્સીકૂઈ મેદાનમાં આંગણવાડી વર્કરો ભેગા થયા હતા ત્યાં ધરણાં કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આંગણવાડી એસો.ના પ્રમુખ શકુંતલાબેન ઠાકોરે જણાવ્યું કે સરકારે માત્ર રૂ. 750નો પગારવધારો કરી માંગ સ્વીકારી નથી. અમારી માગ લઘુત્તમ પગાર રૂ. 18 હજારની હતી. 18 હજાર તો ઠીક 8-10 હજાર માસિક પગાર કરવાની જાહેરાત કરી નથી. અમે અમારું આંદોલન જારી રાખીશું અને દરરોજ સરકાર વિરોધી દેખાવો કરીશું. કામથી પણ અળગા રહીશું.

સ્થાનિક તંત્ર અને વર્કરો સામસામે
આંદોલનને લઈ સ્થાનિક તંત્ર અને આંગણવાડી વર્કરો વચ્ચે સંઘર્ષ થયાની જાણકારી મળી છે. આજે ગણદેવીમાં આંગણવાડી વર્કરોને અધિકારીઓએ ધમકી આપી આંગણવાડી બંધ ન કરવા દીધાનું આંગણવાડી નેતા શકુંતલાબેને જણાવ્યું હતું. જ્યાં વર્કરો આંદોલનને સફળ લેખાવી રહ્યા છે ત્યાં તંત્ર જિલ્લામાં 1330માંથી માંડ 169 આંગણવાડી જ અસરગ્રસ્ત રહ્યાનું જણાવી રહ્યા છે.

મિટિંગ કરી સ્થિતિની સમીક્ષા કરાશે
જિલ્લા આઈસીડીએસના અધિકારી ડો. સુરેન્દ્ર જૈનએ જણાવ્યું કે ત્રણ દિવસની હડતાળની લેખિત જાણકારી અપાઈ હતી. આજથી પુન: હડતાળ પાડવા અંગે જાણ થઈ નથી. સીડીપીઓ સાથે મિટિંગ કરી સ્થિતિની સમીક્ષા કરીશું.