24 February 2017

નવસારી પાલિકાના આવાસોમાં પાણીનો કકળાટ, દોઢ મહિનાથી રાહ જોતા લોકો


નવસારીના શાંતાદેવી રોડ પાછળના પાલિકાના આવાસોના અનેક બિલ્ડિંગોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. નવસારી પાલિકાએ શહેરની ઝૂંપડપટ્ટી યા કાચા ઘરોમાં રહેતા લોકો માટે નવા પાકા આવાસોનું નિર્માણ કર્યું છે. આવા પાલિકાના આવાસોનું નિર્માણ શાંતાદેવી રોડ પાછળના ભાગે (રૂસ્તમવાડી અને પ્રકાશ ટોકીઝની વચ્ચે) પણ કર્યું છે. અહીં પાલિકાએ 12 જેટલા બિલ્ડિંગોનું નિર્માણ કર્યું છે. એક બિલ્ડિંગમાં 16 જેટલા ફલેટ છે. જેમાં પ્રકાશ ટોકીઝ નજીકની ઝૂંપડપટ્ટી તથા રૂસ્તમવાડીમાં તોડી પડાયેલા મકાનધારકોને મકાન ફાળવાયા છે.

બિલ્ડિંગોમાં દોઢ મહિનાથી પાણી આવતું જ નથી
ઘણાં પરિવારો અહીંના મકાનોમાં કેટલાય સમયથી વસવાટ કરે છે. જોકે અહીંના અનેક બિલ્ડિંગોમાં છેલ્લા એક-દોઢ મહિનાથીય વધુ સમયથી પાણીની સમસ્યા છે. અહીંના રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય દિવસોથી અહીં એક ટાઈમ પણ પાણી મળતું નથી. અહીંના એક રહીશ સુલતાના શેખ કહે છે કે અમારા બિલ્ડિંગમાં નીચે પાણીનો ટાંકો બનાવાયો છે અને ત્યાંથી મોટર વાટે પાણી આપવાની સુવિધા છે. જોકે પાણીના ટાંકામા જ પાલિકાનું પાણી આવતું નથી. અન્ય એક રહીશ સંતોષ બુટીયા પણ જણાવે છે કે પાણીની સમસ્યાને કારણે અનેક લોકોને પીવાના પાણીના કારબા વેચાતા લેવા પડે છે.

એક બે પરિવારે નહીં અનેક પરિવારો કારબા લે છે. સ્થાનિક જણાવે છે કે પાણી માટે રૂસ્તમવાડી નજીક યા અન્ય સ્થળોએ પાણી લેવા લોકોએ જવું પડેછે. પાલિકાએ આવાસ તો બનાવી આપ્યા પરંતુ પાણીની મોકાણ છે. આ અંગે પાલિકામાં પૂછતાછ કરતા જાણવા મળ્યું કે રોડ બનાવવા માટે ખોદકામ કરતા લાઈનો તૂટી જતા સમસ્યા સર્જાઈ હતી. નવસારી પાલિકાના પાણી સમિતિના ચેરમેન ત્રિભોવન ચાવડાએ જણાવ્યું કે આ બાબત મારી જાણકારીમાં નથી. હું જાણકારી મેળવી સમસ્યા હલ કરાશે.

ઝૂંપડપટ્ટીમાં બે ટાઇમ પાણી મળતુ
નવસારી નગરપાલિકા દ્વારા બનાવાયેલા આવાસોમાં પાણી ન આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાનું સ્થાનિકો જણાવે છે. આ ઉપરાંત તેમના જણાવ્યા અનુાસર કપડા ધોવા નદીકિનારે જવુ પડે છે. રોજબરોજ નહાવાની તકલીફ પણ પડે છે. બાળકોને રોજ નવડાવી શકાતા નથી. પ્રકાશ ટોકીઝ ઝૂંપડપટ્ટીમાંથી અહીં રહેવા આવેલા કેટલાક તો ત્યાં સુધી કહે છે કે આના કરતા તો અમારી ઝૂંપડપટ્ટી સારી હતી, ત્યાં રોજ બે ટાઈમ તો પાણી મળતું હતું. અહીં આવ્યા બાદ સમસયનો અંત આવતો નથી.

આવાસો નજીક અન્ય સમસ્યા પણ છે
નવસારી પાલિકાના આવાસધારકો જણાવે છે કે તેમને માત્ર પાણીની જ નહીં અન્ય સમસ્યા પણ છે. આવાસ વિસ્તારને અન્ય વિસ્તાર સાથે જોડતા યોગ્ય રોડ નથી. નજીક ગંદા પાણીની ખાડી હોય મચ્છરોનો ઉપદ્રવ પણ રહે છે. કેટલાક આવાસધારકોના ઘરમાં તો હજુ સુધી વીજળીની સુવિધા મળી નથી.