24 February 2017

વિજલપોર પોલીસ મથકમાં 21 મહિનામાં 10 PSI બદલાયા

વિજલપોર પોલીસ મથકના પીએસઆઈની ખુરશી સંગીતખુરશી બની ગઈ છે. પોલીસ મથક શરૂ થયાના 21 મહિનામાં 10 પીએસઆઈ બદલાઈ ગયા છે.

અગાઉ સમગ્ર વિજલપોર શહેરનો વિસ્તાર જલાલપોર પોલીસ મથકમાં સમાવિષ્ટ હતો. આજથી આશરે પોણા બે વર્ષ અગાઉ મે 2015માં વિજલપોર શહેરના પૂર્વ ભાગ અને ત્રણેક ગામ સમાવી અલાયદુ વિજલપોર પોલીસમથક શરૂ કરવામાં આવ્યું હતું. માણેકલાલ રોડ ઉપરની સહકારી સોસાયટીની જગ્યામાં નવુ પોલીસ મથક શરૂ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ મથકમાં જે રીતે પોલીસ અધિકારી (પીએસઆઈ)બદલી કરવામા આવી તે જોતા હાસ્યાસ્પદ બની ગયું છે. પોલીસ મથક બન્યાના માત્ર પોણા બે વર્ષ (21 મહિના)માં એક બે યા બે ચાર નહીં 10 પીએસઆઈ બદલાઈ ગયા છે.

પોલીસ મથકમાં પહેલા પીએસઆઈ તરીકે બી.પી. રજીયા આવ્યા હતા ત્યારબાદ તો થોડા થોડા સમયે પીએસઆઈ બદલાતા રહ્યા છે. પીએસઆઈઓની નામાવલિ જોતા રજીયા બાદ વી.આર. ભરવાડ, જે.ડી. વસાવા, કે.સી. પટેલ, પી.કે. ગોહિલ, જે.પી. પવાર, પી.આર. વાઘેલા, એ.યુ.રોઝ, જે.ડી. વસાવા અને ત્યારબાદ હાલમાં નવા પીએસઆઈ તરીકે આર.એન. કરમતીયા આવ્યા છે. અહીં દરેક પીએસઆઈ સરેરાશ બે મહિના રહ્યા છે. નવા નિમણૂક થયેલા પોલીસ અધિકારી હજુ તો સેટ થાય ત્યાં તો બદલી કરી દેવાય છે. અહીં સારા અધિકારીની રાજકીય વગ હેઠળ બદલી કરાયાના પણ આક્ષેપો છે.