25 February 2017

પોસ્ટ ઓફિસમાંથી એજન્ટના ૧.૫૦ લાખની ઉઠાંતરી કરતો એક ઝડપાયો

નવસારીના લાઈબ્રેરી વિસ્તારની નજીક આવેલી મલેસર પોસ્ટ ઓફિસ ખાતે રિકવરી એજન્ટના ૧.૫૦ લાખ રૃપિયાની ઉઠાંતરીની કરીને ભાગવા જતા એક તરુણને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે, પીક પોકેટર ટોળકીના અન્ય બે ઇસમો ઘટના સ્થળેથી રફુચક્કર થયા હતા. નવસારી ટાઉન પોલીસે પકડાયેલા તરુણના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે.

પીક પોકેટિંગ કરતી ટોળકીના એકને ઝડપી પાડી લોકોએ પોલીસને હવાલે કર્યો, બે ભાગી છૂટયા
નવસારી ટાઉન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, નવસારીના છાપરા રોડ ખાતે રહેતા અને મલેસર પોસ્ટ ઓફિસમાં કલેકશન એજન્ટ તરીકે કામ કરતા પ્રજેશકુમાર ચંપકલાલ રાજપૂત ગુરુવારે પોતાના કલેકશનના રોકડા ૧.૫૦ લાખ રૃપિયા લઇ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા ગયા હતા. જ્યાં તેમણે પૈસાની બેગને પોતાની ડેસ્ક પર મૂકી હતી. જેમની પાછળથી આવેલા એક તરુણે બેગમાં મૂકેલા રોકડાને શિફટપૂર્વક સેરવીને ત્યાંથી ભાગવા માંડયો હતો. દરમિયાનમાં ત્યાં હાજર સ્ટાફના લોકોએ તેને ચોરી કરતા જોઇ જતા તરત જ તેને અન્ય લોકોની મદદથી ઘેરીને ઝડપી પાડયો હતો. લોકોએ પકડાયેલા તરુણને થોડો મેથીપાક ચખાડી નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો. જ્યારે તરુણ સાથેના અન્ય બે ઇસમો જે પોસ્ટ ઓફિસની બહાર ફિલ્ડિંગ ભરતા હતા, તેઓ તરુણ પકડાતાની સાથે જ ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયા હતા.

આ બાબતે કલેક્શન એજન્ટ પ્રજેશકુમાર રાજપૂતે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપાયેલા તરુણની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તરુણ અને તેની સાથેના બે ઇસમો મૂળ મધ્યપ્રદેશ લખરડાના વાનખા ગામે રહેતા અને હાલ નવસારી રેલવે સ્ટેશન નજીક ખુલ્લામાં પડાવમાં રહી મજુરી કરતા ભગવાન મતલબસિંહ પારધી અને અરજુનસિંહ મતલબસિંહ પારધી હોવાનું ખુલ્યું હતું. જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ આ કેસની તપાસ પી. એસ. આઇ. બી.પી. રજયાને સોંપાઈ છે.