25 February 2017

જલાલપોરમાં 1.38 કરોડના ખર્ચે ફિલ્ટરેશન પ્લાન્ટ બનશે


નવસારીના જલાલપોર વિસ્તારમાં નગરપાલિકા 1.38 કરોડ રૂપિયાના ખર્ચે નવો 10 એમએલડીનો પ્લાન્ટ નાંખશે. જેને લઈને સમગ્ર જલાલપોર ઉપરાંત સ્ટેશન વિસ્તારને શુદ્ધ પાણી પૂરા ફોર્સથી મળી શકશે !

નવસારીના ઘેલખડી વિસ્તારમાં નગરપાલિકાનો ફિલ્ટરેશન પાણીનો પ્લાન્ટ છે. અહીંથી નવસારીના જલાલપોર વિસ્તાર તથા સ્ટેશન નજીકના વિસ્તારને પણ પાણી પુરું પાડવામાં આવે છે. જોકે ઘેલખડીના વોટર પ્લાન્ટની કેપેસિટી વધુ હોઈ જલાલપોર તથા સ્ટેશન વિસ્તારને પાણી આપવામાં મુશ્કેલી પડે છે. જેને લઈને પાણી પુરા ફોર્સથી મળવાની પણ ફરિયાદ થતી રહે છે.

ફરિયાદના નિવારણ માટે નવસારી પાલિકાએ જલાલપોર વિસ્તારમાં એક 10 એમએલડી કેપેસિટીનો નવો ફિલ્ટરેશન પ્લાન્ટ નાંખવાનું આયોજન કર્યું છે. અંદાજે 1.38 કરોડ રૂપિયાના ખર્ચે નવો પ્લાન્ટ નાંખવામાં આવશે. નવા પ્લાન્ટ આવવાથી જલાલપોર વિસ્તાર ઉપરાંત સ્ટેશન વિસ્તારને અહીંથી પાણી શુદ્ધ કરી પહોંચાડવામા આવશે. અહીં ઉલ્લેખનીય છે કે જલાલપોરના જે વિસ્તારમાં (ઓવાઈ) નવો પ્લાન્ટ બનશેત્યાં અગાઉ ટાંકી અને સમ્પ તો તૈયાર થઈ ગયા છે. હવે ત્યાં આગામી દિવસોમાં નવો 10 એમએલડીનો પ્લાન્ટનું કામ શરૂ થશે. નવસારી નગરપાલિકાને નવા વોટર પ્લાન્ટ માટે સરકારી ગ્રાંટમાથી નાણાં મળશે.

જલાલપોરના સામાજિક અગ્રણી જયદીપ દેસાઈએ જણાવ્યું કે નવો વોટર પ્લાન્ટ આકાર લેતા જલાલપોર અને સ્ટેશન વિસ્તારને પૂરા ફોર્સથી શુદ્ધ પાણી મળી શકશે.

નવસારી પાલિકાની પાણી સમિતિના ચેરમેન ત્રિભોવન ચાવડાએ જણાવ્યું કે શહેરના પશ્ચિમ વિસ્તાર માટે નવો પ્લાન્ટ લાભદાયક બનશે.

નવા પ્લાન્ટથી અનેક ફાયદા 
જલાલપોરવિસ્તારમાં નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ બનવાથી નવસારીના પશ્ચિમ વિભાગમાં બે પ્લાન્ટ થશે. એક ઘેલખડી વિસ્તારમાં અને બીજો જલાલપોરમાં બનશે ! બે પ્લાન્ટને લઈને એક પ્લાન્ટ ઉપર બોજ ઘટશે. બીજુ કે ભવિષ્યમાં નવસારી મહાપાલિકા બને અને નજીકના ગામોને તેમાં સમાવાય તો પણ નવા પ્લાન્ટ ફાયદાકારક બનશે એમ પાલિકા સૂત્રો જણાવે છે.