27 February 2017

5 કરોડના ખર્ચે નવસારીનાં તળાવોની થશે કાયાપલટ


નવસારી શહેરમાં અનેક તળાવો આવેલા છે. આ તળાવોમાં કેટલાકની સમયાંતર વિકાસ કરવામાં આવ્યો છે. હવે શહેરનાં ત્રણ મુખ્ય તળાવ ગણાતા દુધિયાતળાવ, લુન્સીકુઇ મેદાન નજીકનું સરબતિયા તળાવ અને જલાલપોરના થાણાતળાવની કાયાપલટ કરવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. આ ત્રણેય તળાવો પાછળ અંદાજે 5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે.

મુખ્ય પાણીની યોજના અંતર્ગત દુધિયાતળાવનો ઉપયોગ
પાલિકા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરની મુખ્ય પાણીની યોજના અંતર્ગત દુધિયાતળાવનો ઉપયોગ કરાય છે. આમ તો આ તળાવ નયનરમ્ય છે જ પરંતુ અહીં વધુ વિકાસ આગામી દિવસોમાં કરવામાં આવશે. દુધિયાતળાવની ફરતે ફુટફાટ છે અને તે જોગીંગપાર્ક તરીકે ઉપયોગ થાય છે. જોકે આ જોગીંગપારક સાંકળો છે. હવે તેને વધુ પહોળો બનાવાશે, જેનાથી ચાલવાની મુશ્કેલી પડશે નહીં. આ ઉપરાંત અહીં નયનરમ્ય લાઇટો, બાકડાઓ સહિતની વધુ સુવિધા પણ ઉભી કરવામાં આવશે.

તળાવ ફરતે પણ નવો ફુટપાથ, લાઇટીંગ, બેઠકો વિગેરેની સુવિધા
લુન્સીકુઇ મેદાન નજીક આવેલ સરબતિયા તળાવ ફરતે પણ નવો ફુટપાથ બનાવાશે. આ ઉપરાંત અહીં પણ લાઇટીંગ,બેઠકો વિગેરેની સુવિધા વધારવામાં આવશે. જલાલપોર વિસ્તારમાં પોલીસ મથક નજીક આવેલ થાણા તળાવનો વિકાસ પણ કરવામાં આવશે. અહીં તળાવ અને રોડ વચ્ચે મોરારજી દેસાઇ ગાર્ડન વિસ્તાર છે તેનો ડેવલપ કરવામાં આવશે. જેથી લોકો તળાવ કિનારાનાં ગાર્ડનને માણી શકે. શહેરનાં ત્રણ તળાવોની કાયાપલટ થવાથી આ તળાવો જે વિસ્તારમાં આવેલા છે, તે વિસ્તારનો પણ આપોઆપ વિકાસ થઇ જશે.

થાણા તળાવમાં પુન: ખર્ચ
થાણાતળાવમાં અગાઉ પણ 35 લાખ રૂપિયાથી વધુના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો હતો.જોકે અગાઉ તળાવ ઉંડો કરવાથી માંડીને અન્ય આંતરિક ભાગમાં ખર્ચ કરવામાં આવ્યો હતો.આ વખતે તળાવનાં બહારનાં ભાગમાં મુખ્યત્વે ખર્ચ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.થાણા તળાવમાં અગાઉ કેટલો ખર્ચ વિવાદમાં પણ સપડાયો હતો.

ટૂંક સમયમાં ખાતમુહૂર્ત
નવસારી પાલિકાનાં સીટી ઇજનેર રાજુભાઇ ગુપ્તાએ જણાવ્યું કે નવસારી શહેરનાં ત્રણ તળાવોનો વિકાસ સરકારની આગવી ઓળખ હેઠળની ગ્રાંમાંથી કરવામાં આવશે.આગામી દિવસોમાં રાજ્ય સરકારનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ નવસારી શહેરમાં આવવાનાં છે ત્યારે તેમનાં હસ્તે કામોનું ભૂમિપૂજન કરવામાં આવશે.