27 February 2017

5 કરોડની ખંડણી કેસમાં 2ની ધરપકડ, ગેંગસ્ટર રવિ પૂજારીના નામે કર્યો ફોન


નવસારીનાં લાલવાણી બંધુઓ પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં પોલીસે બે જણાની ધરપકડ કરી હતી. સાથોસાથ તેમની પાસેથી એક કાર અને પિસ્તોલ પણ કબ્જે કરી હતી.

ગેંગસ્ટર રવિ પૂજારીના નામે ખંડણી માંગી
નવસારીનાં એક શખ્શ હોરમઝ અવારીનાં મોબાઇલ ઉપર તા.13-2-2017થી તા.22-2-2017નાં રોજ અલગ અલગ નંબરો ઉપરથી ફોન આવ્યા હતા. આ ફોનમાં ફોન કરનારને રવિપુજારીનું નામ જણાવી નવસારીનાં પ્રેમચંદ લાલવાણી અને તેના ભાઇ શંકર લાલવાણી પાસે અઢી અઢી કરોડ (કુલ 5 કરોડ) કઢાવીને તેમને પહોંચાડવા જણાવ્યું હતું. વધુમાં નવસારીનાં જ એક શખ્શ કેયુર ઉર્ફે કાનજી ભાસ્કર દેસાઇએ પણ તે રવિ પુજારીનો માણસ હોવાનું કહી ષડયંત્રમાં ભૂમિકા ભજવી હતી.

પોલીસે કાર અને પિસ્તોલ પણ કબજે લીધી
આ પ્રકરણે નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીઆઇ ડી.એન.પટેલ અને તેમની ટીમે તપાસ હાથ ધરતાં આજે તા.26-2-2017નાં રાત્રે જ સાંજે 7 કલાકે આ ષડયંત્રનાં એક આરોપી કેયુર કાનજીની ધોળાપીપળા હાઇવે નજીકથી અટક કરવામાં સફળતા મળી હતી. તેના કબજાની કાર બીએમડબલ્યુ નંબર એમએચ-02-સીડી-4494 માંથી એક દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી હતી. આ પિસ્તોલ તેણે એક વર્ષ અગાઉ ચંદુભાઇ શાહ રહે. નંદુરબાર પાસેથી લીધાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે કાર અને પિસ્તોલ પણ કબજે લીધી હતી. વધુમાં પોલીસે કાનજીની પૂછપરછ કરતાં કાનજીને હોરમઝને ફોન કરવાનું અડંદા (તા.નવસારી) ખાતે રહેતા નરેશ બાબુભાઇ આહીરે કહયાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તુરંત આજે રવિવારે જ મોડેથી નરેશ આહીરની પણ ધરપકડ કરી હતી.

ખંડણી કેસમાં બે શખ્સોની ધરપકડ
અહીં ઉલ્લેખનીય છે કે કેયુર અને નરેશ બંને જમીનની લે વેચના ધંધા સાથ સંકળાયેલા છે. કેયુર ઉર્ફે કાનજી વિરુદ્ધ તો નવસારી ટાઉન પોલીસ મથકમાં ચાર ગુનાઓ, જલાલપોર પોલીસ મથકમાં એક ગુનો અને કામરેજ પોલીસ મથકમાં પણ ગુનો દાખલ થયેલ છે. હાલ જ્યારે પોલીસે આ ખંડણી કેસમાં બે જણાની ધરપકડ કરી છે ત્યારે વધુ પુછપરછ દરમિયાન આ ષડયંત્રમાં વધુ નામો ખુલે તો નવાઇ નહીં. પોલીસે એમ પણ જણાવ્યું કે પ્રેમચંદ લાલવાણી પાસે ખંડણી માંગવાનાં અગાઉનાં કેસ સાથે આ નવા કેસનો સંબધ હજુ સુધી જણાયો નથી.