2 February 2017

શિક્ષકની નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનારને સાત વર્ષની સજા

શિક્ષક તરીકેની નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા ઉઘરાવી લીધા બાદ નોકરી નહીં અપાવનારા શખ્સને નવસારી કોર્ટે સાત વર્ષની કેદની સજા અને રૂ. 10 હજારના દંડની સજાનો હુકમ કર્યો છે.

કબીલપોરમાં રહેતા રતિલાલ પટેલે તેના દીકરાઓ હેમંત તથા રાજેશ સાથે મળીને ખોટા દસ્તાવેજો તૈયાર કરી 20થી 25 લોકો પાસે શિક્ષકેની નોકરી અપાવવા લાખો રૂપિયા લીધા હતા. દરમિયાન તેઓ નોકરી નહી અપાવી શકતા ગ્રામ્ય પોલીસમાં રતિલાલ પટેલ સહિત તેમના દીકરાઓ સામે ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.

જોકે રતિલાલ પટેલની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેમને જેલમાંથી શરતો આધિન બહાર રખાયા હતા. દરમિયાન કેસ નવસારીની કોર્ટમાં ચાલી જતા રતિલાલ પટેલ સામે ગુનો પૂરવાર થતાં કોર્ટે તેમને છેતરપિંડીના ગુનામાં પાંચ વર્ષની સાદી કેદ તથા રૂ. 5 હજારનો દંડનો હુકમ કર્યો છે. દંડ ભરે તો તેમણે ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ કરાયો હતો. ઉપરાંત વધુ એક આઈપીસી કલમ હેઠળ તેમને બે વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ કરાયો છે. જો દંડ ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવા જણાવાયું છે.

જોકે કાચા કામના કેદીના સમયગાળાને સજામાંથી બાદ કરવાનો હુકમ પણ કરાયો છે. જ્યારે તેના બે દીકરા પૈકી હેમંતનું મૃત્યુ થતા તેમની સામે કેસ પડતો મુકાયો હતો.