8 March 2017

નવસારી પાલિકાના શોપીંગ સેન્ટરની મોબાઈલ શોપમાંથી 1.05 લાખની ચોરી

નવસારીના દુધિયા તળાવ શોપિંગ સેન્ટરમાં આવેલા રાજ ટેલિકોમ દુકાનમાંથી ગતરાત્રિના સમયે તસ્કરો ઘૂસી ગયા હતા. શોપમાંથી મોબાઈલ તથા દુકાનમાં રાખેલી રોકડ મળી કુલ રૂ. 1,05,685ની માલમત્તા ચોરી ગયા હતા.

અંગેની વિગતો જોતા નવસારીના દુધિયા તળાવ શોપિંગ સેન્ટરમાં ઘણી દુકાનો આવેલી છે. તેમાંની એક દુકાન રાજ ટેલિકોમની પણ છે. રાજ ટેલિકોમમાં મોબાઈલના વેચાણ અને રિપેરિંગના કામ થાય છે. દુકાનમાં ગતરાત્રે 8.25થી સવારે 9.40 વાગ્યાના સમય દરમિયાન કોઈ તસ્કરો દુકાનના પાછલા ભાગે આવેલી લોખંડની જાળીવાળી કાચની બારી તોડી દુકાનમાં પ્રવેશી ગયા હતા. દુકાનમાં પ્રવેશી દુકાનના કાઉન્ટર ટેબલના ડ્રોઅરના લોક તથા લાકડાના કબાટના દરવાજાને મારેલા લોક કોઈ સાધન વડે તોડી નાંખ્યું હતું.

લોક તોડી તેમાં મુકેલા જુદી જુદી કંપનીના નવા મોબાઈલો તથા રિપેરિંગમાં આવેલા જૂના મોબાઈલો મળી કુલ 12 નંગ મોબાઈલ (કિંમત રૂ. 30,065) ચોરી કરી હતી. ઉપરાંત કાઉન્ટરના ટેબલમાંથી રોકડ રૂપિયા 75620ની પણ ચોરી કરી હતી. રોકડ તથા મોબાઈલ મળી કુલ રૂ. 1,05,685ના માલમત્તાની ચોરી કરી હતી. અંગેની નવસારી ટાઉન પોલીસ મથકમાં રાજકુમાર મોટુમલે ફરિયાદ નોંધાવી હતી.