18 March 2017

સાંઈગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સબજેલમાં ભાગવત કથા યોજાશે

નવસારીની સબજેલમાં આશ્રિત બંદીવાનોમાં આધ્યાત્મિક ભાવના પ્રગટે અને સત્કર્મ કરવાની પ્રેરણા મળે તે હેતુથી સાંઈગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા મહેશભાઈ રૂપારેલીયાના સૌજન્યથી 19મી માર્ચે ભાગત સપ્તાહનું આયોજન કર્યુ છે.

જેલમાં રહેતા બંદીવાનોના જીવનમાં સુધારો આવે તેમની માનસિક વૃત્તિ બદલાય તે હેતુથી કરેલા ભાગવત સપ્તાહના આયોજનમાં કથાકાર ભરતભાઈ વ્યાસ પોતાની અમૃતવાણીથી આધ્યાત્મિક જ્ઞાન પીરસશે. કથાના પ્રારંભ ટાણે જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા, મહેશભાઈ રૂપારેલીયા, મહેશ વ્યાસ, દેવેશ્વર મહાદેવ મંદિરના મહંત શામુભાઈ મહારાજ, વિરવાડી હનુમાનજી મંદિરના મહંત ગોકુલદાસ દેવમોરારી, મગનભાઈ રૂપારેલીયા વિશેષ ઉપસ્થિત રહેશે. કથા 19મીથી 25મી સુધી બપોરે 3થી 6 કલાક દરમિયાન યોજાશે. કથા માટે જેલર દેસાઈએ વિશેષ સહયોગ આપ્યો છે. પ્રસંગે જેલના બંદીવાનોને રોટલી બનાવવા માટે લોટ બાંધવાનું મશીન મહેશભાઈ રૂપારેલીયા તરફથી ભેટ આપવામાં આવશે.