20 March 2017

વિજલપોરનું સૌથી ગંદું સ્થળ રમણીય બનશે


વિજલપોરનાં કચરાવાળા તળાવ તરીકે જાણીતા બનેલ ડોલીતળાવની 4.50 કરોડ રૂપિયાનાં માતબર ખર્ચે કાયાપલટ કરાશે.શહેરનાં સૌથી ગંદા સ્થળને સૌથી સુંદર સ્થળ બનાવાશે.

વિજલપોર શહેરનાં છાપરા ગામની હદને અડીને ડોલીતળાવ આવેલું છે. ડોલીતળાવ નજીક વિજલપોર શહેરનો ઘનકચરો ઠાલવવામાં આવે છે.તળાવ નજીક કચરો ઠલવાતો હોઇ ડોલીતળાવ કચરાવાળા તળાવ તરીકે પણ ઓળખાઇ છે.આ વિસ્તારમાં શહેરભરનો કચરો ઠલવાતો હોઇ શહેરનો સૌથી ખરાબ ગંદો વિસ્તાર પણ બની ગયો છે.જો કે સૌથી ગંદા વિસ્તારને સૌથી સારો વિસ્તાર બનાવવાનું નગરપાલિકાએ આયોજન કર્યુ છે.

અંગે મળતી માહિતી મુજબ વિજલપોર શહેરનાં પૂર્વ વિભાગે આવેલ ડોલીતળાવનો વિકાસ કરવાનું નક્કી કરાયું છે.માત્ર વિકાસ નહીં તળાવને નયનરમ્ય અને સુંદર વિસ્તાર બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

કચરાનું સ્થળ બદલવામાં આવશે? 
વિજલપોરનાં ડોલીતળાવ નજીક શહેરભરનો કચરો છેલ્લા કેટલાક વખતથી ઠાલવવામાં આવી રહયો છે.જેના કારણે વિસ્તાર શહેરનો સૌથી ખરાબ વિસ્તાર બની ગયો છે.આમ તો કચરો મુખ્ય તળાવની બહાર ઠલવાય છે.પરંતુ કચરો તળાવને અડીને ઠલવાતો હોઇ તેની અસર તો થાય છે.શું ડોલીતળાવનો વિકાસ કરાય પછી પણ કચરો હાલનાં સ્થળે ઠલવાશે?જો આમ થાય તો તળાવ વિકાસનો અર્થ રહેશે નહીં.એમ જાણકારો જણાવે છે.પાલિકાએ તળાવ વિકાસની સાથે કચરાનું સ્થળ પણ બદલવું પડશે એવું લાગી રહ્યું છે.