20 March 2017

જલાલપોર વિસ્તાર માટે પણ નવું ફાયર સ્ટેશન તૈયાર


નવસારી પૂર્વ વિભાગમાં બે ફાયર સ્ટેશનો કાર્યરત થયા બાદ પશ્ચિમ વિભાગ માટે પણ જલાલપોરમાં ફાયર સ્ટેશન તૈયાર થઇ ગયું છે. જેથી ટુંક સમયમાંજ પશ્ચિમ વિસ્તારના લોકોને નવા ફાયર સ્ટેશનનો લાભ મળશે.

નવસારીનાં સાંઢકુવા વિસ્તારમાં તાજેતરમાં નવું ફાયર સ્ટેશન કાર્યરત કરાયું હતું.જેની સાથે હવે નવસારીના પૂર્વ વિભાગમાં જુનું અને સાંઢકુવા વિસ્તારનું એમ બે ફાયર સ્ટેશનો કાર્યરત થઇ ગયા છે. જોકે નવસારી નગરપાલિકાએ માત્ર પૂર્વ વિભાગમાં નજર નથી દોડાવી પશ્ચિમ વિભાગ ઉપર પણ ફાયર બ્રિગેડ માટે નજર દોડાવી છે.આ અંગે જલાલપોર વિસ્તારનાં કોર્પોરેટર કાંતીભાઇ પટેલે જણાવ્યું કે,જલાલપોર વિસ્તારમાં નવું ફાયર સ્ટેશનનું મકાન લગભગ તૈયાર થઇ ગયું છે, સાથે સાથે આજ મકાનમાં નવસારી નગરપાલિકાની વિભાગીય કચેરી પણ બનાવવામાં આવી છે. જોકે નવા ફાયર સ્ટેશન અને વિભાગીય કચેરીનું લોકાર્પણ બાકી છે.

અહીં ઉલ્લેખનીય છે કે,જલાલપોર વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવતા નવસારીનાં પશ્ચિમ વિભાગ ઉપરાંત પશ્ચિમે આવેલ ગ્રામ્ય વિસ્તારમાં પણ આગ લાગવાનાં સમયે નવું ફાયર સ્ટેશન ઉપયોગી બનશે. આગના સ્થળે ફાયરબ્રિગેડનાં બંબા જલદીથી પહોંચી શકશે.