22 March 2017

મામલતદાર કચેરીના કર્મચારીએ લાંચ લઈને પણ રેશનકાર્ડ બનાવી ના આપ્યા


નવસારી શહેર મામલતદાર કચેરીના કોઇક કર્મચારીએ રેશનકાર્ડ બનાવી આપવાના નામે નવસારીના જલાલપોર વિસ્તારના આદિવાસી પરિવારો પાસે ૧૫૦૦ રુપિયાની લાંચ લીધી હતી, પરંતુ ત્યારબાદ પણ સરકારી રેશનકાર્ડ ન બનાવી આપતા આજે આદિવાસીઓએ શહેર મામલતદાર કચેરીના કર્મચારી વિરુદ્ધ લાંચના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

નવસારી જલાલપોર રોડ ખાતે દેસાઇ તળાવની પાળ પાસે રહેતા આરતીબેન સંજયભાઇ રાઠોડ તેમજ અન્ય અરજદારોએ આજે નવસારીના સામાજિક કાર્યકર પ્રદીપ ગડઅંકુશની આગેવાનીમાં નવસારી જિલ્લા કલેક્ટરના પી.એ.ને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું, કે આરતીબેન રાઠોડ સાત માસ અગાઉ પોતાના વિસ્તારમાં રહેતા લોકો સાથે નવસારી મામલતદાર કચેરીએ પોતાના રેશનકાર્ડ બનાવવા માટે ગયા હતા. જ્યાંના કર્મચારી ટીકુભાઇ ગઢવીએ રેશનકાર્ડ બનાવવા માટે વ્યક્તિદીઠ ૧૫૦૦ રુપિયા થશે એવું જણાવ્યું હતું અને તેમની વાતોમાં આવી ૯૦થી વધુ અરજદારોએ ૧૫૦૦ રૃપિયા લેખે કુલ ૧,૩૫,૦૦૦ રુપિયા ટીકુભાઇને આપીને રેશનકાર્ડનું ફોર્મ ભર્યુ હતું પરંતુ લાંબા સમય બાદ પણ રેશનકાર્ડ ન આવતા આરતીબેને ટીકુભાઇને આ વિશે સંપર્ક કરી પૂછતા તેમણે રેશનકાર્ડનો ઓર્ડર ઉપરથી આવ્યો નથી એવું જણાવ્યું હતું. ત્યારબાદ પણ ટીકુભાઇએ ઉડાઉ જવાબ આપ્યે રાખતા પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું.

આક્ષેપો ખોટા, બોગસ છે - મામલતદાર
નવસારી શહેર મામલતદાર નવીનચંદ્ર ચૌહાણ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે હજુ કોઇ ફરિયાદ આવી નથી, પરંતુ મારી જાણ પ્રમાણે કચેરીના કર્મચારી ઉપર આક્ષેપો કર્યા છે, એ ખોટા છે. જે કર્મચારીનું નામ આવી રહ્યું છે, એની પાસે એ કામગીરી જ નથી.

ખોટા આક્ષેપો કરી હેરાન કરતા હોવાની ટીકુભાઈની રાવ
નવસારી શહેર મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હેમેન્દ્રકુમાર ઉર્ફે ટીકુભાઇ શંભુદાન ગઢવીએ આરતીબેન, ભરત અને બીજા ૨૫થી ૩૦ લોકો વિરુદ્ધ નવસારી જિલ્લા પાલીસ અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, પાછલા એક-દોઢ મહિનાથી તેમને બે-ત્રણ અજાણ્યા શખ્સો તેમના મોબાઇલ ફોન પર સંપર્ક કરી રેશનકાર્ડ બનાવવાના નામે લાંચ લેતા છો એવા આક્ષેપો કરી હેરાન કરી રહ્યા હતા. સાથે જ રેશનકાર્ડનું કામ ન કરતા હોવાની અને આ બાબતે રૃપિયા પણ ન લીધા હોવાની કેફિયત વર્ણવી હતી. ગત રોજ સાંજે આરતીબેન ૨૫થી ૩૦ વ્યક્તિના ટોળા સાથે તેમના સરકારી ક્વાર્ટ્સ પર આવીને ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. ઘરે જવાની ઘટનાથી તેમને માનિસક ત્રાસ થયો હોવાનું જણાવી ન્યાય અપાવવાની માંગણી કરી હતી.