25 March 2017

ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષાએ હડતાળ પર


એરૂ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ આજે ચાલુ પરીક્ષાએ વીજળીક હડતાળ પાડીને યુનિ.ના અધિકારીઓને દોડતા કરી દીધા છે. ફોરેસ્ટ્રી સ્નાતકો માટે રાજ્ય ભરતી નીતિમાં ફેર સુધારણા કરે તેવી માગ સાથે 300થી વધુ વિદ્યાર્થીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. ઘટનાની જાણ થતા જલાલપોર પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને કોઈ અઘટિત ઘટના ઘટે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

એરૂ ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓની પરીક્ષા ગત સોમવારથી શરૂ થઈ હતી. ફોરેસ્ટ્રીમાં અંદાજિત 150વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે અન્ય 150 વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરી રહ્યા છે. આજે પરીક્ષામાં છેલ્લું પ્રશ્નપત્ર હતું ત્યારે તે પ્રશ્નપત્ર નહીં આપીને ફોરેસ્ટ્રીના તમામ 150થી વધુ વિદ્યાર્થીઓએ હડતાળ પાડી દીધી હતી. તમામ વિદ્યાર્થીઓ અસ્પી કોલેજ સામે બેસી ગયા હતા અને હડતાળમાં જોડાઈ ગયા હતા. અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય (કૃષિ યુનિવર્સિટી)ના ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ નોકરી મેળવવા માટે ઘણાં સમયથી સરકારમાં રજૂઆત કરતા રહ્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે ફોરેસ્ટ્રી કોલેજનો અભ્યાસક્રમ વનશાખાના એસીએફ-આરએફઓની જગ્યાએ અનુરૂપ બનાવવામાં આવ્યો છે.

વીસી ડાંગરીયા સામે પ્રશ્નોની વણઝાર 
ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરી ગયાની જાણ થતાજ વીસી સી.જે. ડાંગરીયા અસ્પી કોલેજ ઉપર ધસી ગયા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનો અને હડતાળ સમેટી લેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિદ્યાર્થીઓએ તમને અગાઉ જાણ કરાઈ હતી., તો સરકારમાં રજૂઆત કરી કે કેમ ? કોની સાથે વાતો થઈ ? કોઈ નક્કર પરિણામ આવશે કે કેમ ? તેવા સવાલોની વણઝાર કરી દીધી હતી. જેથી તેઓ કાર ઘટનાસ્થળે મુકી ઓફિસ ચાલતા રવાના થઈ ગયા હતા.